Get The App

મહારાષ્ટ્રમાં નવો વિવાદ: ભાજપ નેતાના ‘બેગ’ નિવેદને ઉદ્ધવ ઠાકરેના બદલે CM શિંદેની પોલ ખોલી

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
Narayan Rane



Maharashtra Politics: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થઇ ગયો છે. હવે ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર મહારાષ્ટ્રમાં રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે, નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર આરોપ લગાવતી વખતે 'બેગ' અંગે ટિપ્પણી કરતાં મુખ્યમંત્રી એકનાથ શિંદે જ ઘેરાઇ ગયા છે. 

શું કહ્યું નારાયણ રાણેએ?

હકિકતમાં, ભાજપ નેતા નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, 'જ્યારે એકનાથ શિંદે તમને છોડીને મુખ્યમંત્રીની ખુરશી સંભાળી હતી તો તમે તેમણે મિંધે (એવી વ્યક્તિ જે અન્ય કોઇના બળથી કોઇ કામ કરતા હોય) કહેવા લાગ્યા હતા અને શિંદે સરકારને ગેરબંધારણીય બતાવતા હતા. જ્યારે તેઓ તમારી સાથે હતા અને બેગ લાવી રહ્યા હતા ત્યારે તમને કોઇ સમસ્યા નહોતી. બેગ થાણેથી માતાશ્રીના પાછલા ગેટ સુધી પહોંચી રહ્યા હતા, તમે એ જ વ્યક્તિને સત્તાથી બહાર નિકાળવાની વાતો કરી રહ્યા છો.'

આ પણ વાંચોઃ બુલડોઝર એક્શન મુદ્દે યોગી સરકારના જવાબથી સુપ્રીમ કોર્ટ પણ ખુશ, જુઓ વખાણ કરતા શું કહ્યું?

નારાયણ રાણેના આ નિવેદનથી શિંદે ઘેરાયા

ઉલ્લેખનીય છે કે, નારાયણ રાણે એ ખૂલાસો નથી કર્યો કે એ બેગમાં શું હતું પરંતુ નારાયણ રાણેના આ નિવેદનથી હવે ભારે હોબાળો થઇ રહ્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ આ અંગે ઘેરાઇ રહ્યા છે. મુખ્યમંત્રી વિરૂદ્ધ સવાલ થઇ રહ્યા છે કે, જો નારાયણ રાણેનો નિવેદન સાચો છે અને હકિકતમાં શિંદે ઉદ્ધવ ઠાકરે માટે બેગ લાવતા હતા અને એ બેગમાં કોઇ ગેરબંધારણીય વસ્તુ હતી તો આ મામલે શું મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ આરોપી છે? અને કેટલાક લોકો માંગ કરી રહ્યા છે કે, જો તેઓ કોઇ ખોટા કામમાં ઉદ્ધવ ઠાકરે સાથે જોડાયેલા હોય તો તેમની વિરૂદ્ધ પણ કાર્યવાહી થવી જોઇએ.

રાજ્યમાં હિંસા ભડકાવવા પ્રયાસ કરવાનો આરોપ

આ દરમિયાન નારાયણ રાણેએ મહાવિકાસ આઘાડી પર રાજ્યમાં હિંસા ફેલાવવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'મહાવિકાસ આઘાડી આગામી ચૂંટણી પહેલા રસ્તાઓ પર હિંસા ફેલાવવા માટે ઇરાદાપૂર્વક રીતે છત્રપતિ શિવાજી મહારાજની તૂટેલી પ્રતિમાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.'

આ પણ વાંચોઃ કર્ણાટકમાં ડેન્ગ્યુ મહામારી જાહેર; હોમ ગાર્ડન અને કૂલરમાં મચ્છરોથી બચવા આટલું કરો

ધારાસભ્ય પુત્રના વિવાદિત નિવેદન પર શું બોલ્યા?

નારાયણ રાણેએ પોતાના ધારાસભ્ય પુત્ર નિતેશ રાણેએ મુસ્લિમો વિરૂદ્ધ કરેલા વિવાદિત નિવેદન અંગે વાત કરતા કહ્યું કે, 'મેં નિતેશને સલાહ આપી હતી કે તે પોતાનું નિવેદન સુધારે અને સમગ્ર મુસ્લિમ સમુદાયને આમાં સામેલ ના કરે.' ઉલ્લેખનીય છે કે, નિતેશ રાણેએ મુસ્લિમો વિરૂદ્ધ વિવાદિત નિવેદન આપ્યું હતું જેમાં તેઓએ કહ્યું હતું કે, 'મુસલમાનોને મસ્જિદોમાં ઘૂસીને મારીશું' ત્યાર પછી તેમની ઠેર ઠેર ટીકા કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની પ્રબળ માંગ પણ ઉઠી રહી છે.


Google NewsGoogle News