સાબરમતી જેલમાંથી જ ચૂંટણી લડશે લોરેન્સ બિશ્નોઈ? આ પક્ષે ચૂંટણી પંચ પાસે માંગ્યું ઉમેદવારી પત્ર
Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને મેદાનમાં ઉતારવાની તૈયારી ચાલી રહી હોવાના અહેવાલો વહેતા થયા છે. લોરેન્સ બિશ્નોઈ વતી ઉમેદવારી નોંધાવવા માટે એક પક્ષે રિટર્નિંગ ઓફિસર પાસે ફોર્મની માંગણી કરી છે. આ પક્ષનું નામ છે ઉત્તર ભારતીય વિકાસ સેના.
અહેવાલો અનુસાર, ઉત્તર ભારતીય વિકાસ સેનાના નેતા સુનીલ શુક્લા બાંદ્રા પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આગામી ચૂંટણી માટે લોરેન્સ બિશ્નોઈ વતી ઉમેદવારી પત્ર ભરવા માંગે છે. આ માટે તેણે રિટર્નિંગ ઓફિસર પાસેથી AB ફોર્મ પણ માંગ્યું છે. AB ફોર્મ એ ઉમેદવારી નોંધાવવા માટે જરૂરી ઔપચારિક દસ્તાવેજ છે.
આ પણ વાંચો: કોલ્ડપ્લે અને દિલજીતના કોન્સર્ટની ટિકિટની કાળાબજારી, દિલ્હી-મુંબઈ સહિત દેશના મોટા શહેરોમાં EDના દરોડા
રિટર્નિંગ ઓફિસરને સંબોધીને લખેલા પત્રમાં, સુનીલ શુક્લાએ દાવો કર્યો હતો કે તે ફોર્મ પર બિશ્નોઈની સહી મેળવશે અને પછી એફિડેવિટ તૈયાર કરશે, જે લોરેન્સ બિશ્નોઈની ઉમેદવારીને માન્યતા આપશે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે જો લોરેન્સ બિશ્નોઈ મંજૂરી આપશે તો 50 ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. મતગણતરી 23મી નવેમ્બરે થશે.
પત્રમાં શું લખ્યું છે ?
ઉત્તર ભારતીય વિકાસ સેનાના પત્રમાં લખ્યું છે કે, 'અમે રાષ્ટ્રીય અને મહારાષ્ટ્રની નોંધાયેલી રાજકીય પક્ષ છે અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમે વિધાનસભા ચૂંટણીમાં અમારા ઉમેદવારો માટે ફોર્મ A અને B આપવાને અધિકાર છે. અમે અમારા ઉમેદવાર બલકરણ બરાડ (લોરેન્સ બિશ્નોઈ)ને ઉમેદવારી ફોર્મ આપવા વિનંતી કરીએ છીએ.'
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ , ઉત્તર ભારતીય વિકાસ સેનાએ લોરેન્સ બિશ્નોઈને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની ઓફર કરી હતી. લોરેન્સ બિશ્નોઈ હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. તે બાબા સિદ્દિકીની હત્યા અને અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાના કારણે ચર્ચાઓમાં છે.