NDAમાં નવા જૂનીના એંધાણ? અજીત પવારે જ સરકાર વિરુદ્ધ કર્યા મૌન ધરણાં
Image IANS |
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પહેલા ચાર રાજ્યો તેમજ મહારાષ્ટ્રમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની હતી, તેમ છતાં ચૂંટણી પંચે તહેવારો અને અન્ય કેટલાક કારણો દર્શાવીને હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી નહોતી. ત્યારે દરેકના મનમાં એક જ વાત થઈ રહી છે કે, મહારાષ્ટ્રમાં કંઈક રંધાઈ રહ્યું છે. આ કવાયતને પણ હવે હવા મળી રહી છે. કારણ કે, મહારાષ્ટ્ર સરકાર ગમે ત્યારે પડી શકે છે. તેનું કારણ છે, મહારાષ્ટ્ર સરકારના સાથી પક્ષોએ જ તેમનો વિરોધ શરૂ કરી દીધો છે. આવો આ સમગ્ર મામલા વિશે વિસ્તૃતમાં જાણીએ.
NCPએ સરકાર સામે મોરચો માડ્યો
હકીકતમાં હાલમાં મહારાષ્ટ્રમાં રાજકીય પારો ઉચકાયેલો જોવા મળી રહ્યો છે, અને તેનું કારણ છે શિવાજી મહારાજની પ્રતિમા. શિવાજીની પ્રતિમા ધરાશાયી થયા બાદ રાજ્યમાં રાજકીય રોટલા શેકવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. તેના માટે કોણ જવાબદાર છે અને કોના પર દોષનો ટોપલો મૂકવો તે અંગે તમામ પક્ષો એકબીજા પર નિશાન સાધી રહ્યા છે. આ કડીમાં સિંધુદુર્ગ જિલ્લામાં મહાયુતિના ઘટક પક્ષ NCP એ પોતાની સરકારની મુશ્કેલીઓ વધારવાનું પગલું ભર્યું છે.
NCP આ મુદ્દે ગુરુવારના રોજ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નેતૃત્વમાં NCPએ સમગ્ર મહારાષ્ટ્રમાં મૌન ધરણાં કર્યા છે અને તેમાં ભાગ પણ લઈ રહી છે. એટલે કે સરકાર સામે પોતાના જ સાથી પક્ષો બગાવત શરુ કરી છે.
એક પત્ર દ્વારા થયો ખેલ શરુ
NCPની આ રમત એક પત્ર દ્વારા શરૂ થઈ છે. જ્યારથી શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી ત્યારથી દરેક તેને પોતાના પક્ષમાં મુદ્દો બનાવવાની કોશિશ કરી રહ્યા છે. એનસીપીના રાજ્ય એકમના વડા સુનીલ તટકરેએ આ અંગે પાર્ટી નેતાઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં સ્પષ્ટપણે આંદોલન શરૂ કરવાનું કહેવામાં આવ્યું હતું. તટકરેએ પક્ષના વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપી હતી કે, પ્રતિમા તોડી પાડવા માટે જે પણ કોઈ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
એ પણ હકીકત છે કે, આ માંગ બીજા કોઈની નહીં, પરંતુ પોતાની જ સરકાર તરફથી કરવામાં આવી રહી છે. હવે સ્પષ્ટ છે કે એનસીપીએ વિધાનસભા ચૂંટણી પહેલા તેના તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. તેના કારણે માત્ર શિંદે સરકાર માટે જ નહીં, પરંતુ રાજ્યમાં ભાજપ માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે.
અજિત પવારને લઈને અટકળો તેજ
તો છેલ્લા કેટલાક સમયથી અજિત પવારના બળવાખોર વલણને લઈને પણ અટકળો વધી હતી. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રચાયેલી કેબિનેટ દ્વારા તેની સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી. એનસીપીને જ્યારે કેબિનેટમાં કેન્દ્રીય મંત્રીનું કોઈ પદ ન મળતા તેનો વિરોધ દર્શાવ્યો હતો, પરંતુ ત્યારે સમય સંજોગો તેમના પક્ષમાં ન હતા, તેથી તેમણે થોભો અને રાહ જુઓની રણનીતિ અપનાવી હતી.
અજિત પવાર ફરી એકવાર પોતાનો રંગ બતાવી શકે
એનસીપીને ખબર હતી કે, આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની જ છે. ત્યારે આ દરમિયાન અજિત પવાર ફરી એકવાર પોતાનો રંગ બતાવી શકે છે, એટલે કે ફરી એકવાર તેઓ કાકા શરદ પવાર સાથે હાથ મિલાવીને મહાયુતિને મુશ્કેલીમાં મૂકી શકે છે.
આપણે જોઈએ છીએ કે, છેલ્લા કેટલાક દિવસોથી હાલાત પણ એ તરફ ઈશારો કરી રહ્યા છે, કારણ કે સમયાંતરે શરદ પવાર ખૂદ અજિત વિશે પોઝિટિવ નિવેદનો આપતા રહે છે, જ્યારે અજિતે પણ આ દરમિયાન સુપ્રિયા સુલેને લઈને મોટું નિવેદન આપ્યું હતું કે, ચૂંટણીમાં તેમની સામે તેમની પત્નીને ઉતારીને મોટી ભૂલ કરી હતી.
તેમના નિવેદનો અને કાર્યો સતત એ બાજુ ઈશારો કરી રહ્યા છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યમાં કંઈક મોટું થઈ શકે છે અને સરકાર ગમે ત્યારે પડી શકે છે.