મહારાષ્ટ્રમાં મહાયુતિનો મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હશે? શિંદેના નિવેદનથી રાજકીય ગરમાવો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઇને તમામ પક્ષોએ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી વચ્ચેના ગઠબંધન મહાયુતિમાં બેઠક વહેંચણી અંગે ચર્ચાઓનો દોર પણ શરૂ થઇ ગયો છે. જો કે, હાલ આ ગઠબંધન સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે મહાયુતિનો મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હશે? ગઠબંધનના ત્રણેય પક્ષો સીએમ પદ માટે દાવો કરી ચૂક્યા છે. આ ઉપરાંત આ બાબતે ગઠબંધનમાં કેટલાક મતભેદો પણ જણાઇ રહ્યા છે. હવે બુધવારે (25 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સાથી પક્ષો પર આડકતરી રીતે પ્રહાર કરતાં કહ્યું કે, 'મને શું મળશે? એ મહત્ત્વપૂર્ણ નથી, આપણે એ વિચારવા માટે છીએ કે મહારાષ્ટ્રની જનતાને શું મળશે.'
પૂર્ણ બહુમતથી મહાયુતિ સરકાર બનશેઃ શિંદે
એકનાથ શિંદેએ સીએમ પદ અંગે વાત કરતાં કહ્યું કે, 'અન્ય લોકો મારી ખુરશી-મારી ખુરશીની વાતો કરે છે, ખુરશી કેટલા દિવસ રહે છે? મુદ્દો ખુરશીનો નથી. આપણે ટીમ બનીને કામ કર્યું છે, ટીમ બનીને જ કામ કરીશું અને મહારાષ્ટ્રમાં પૂર્ણ બહુમતીથી મહાયુતિ સરકાર બનાવીશું.'
આ પણ વાંચોઃ યુપીમાં ફરી બુલડોઝરવાળી... હાઈકોર્ટના ફરમાન બાદ 23 ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું
શિંદેએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, 'હું કાલે પણ કાર્યકર્તા તરીકે કામ કરતો હતો, આજે પણ કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યો છું. અને ભવિષ્યમાં પણ કાર્યકર્તા બનીને કામ કરતો રહીશ. મેં ક્યારેય નહીં વિચાર્યું કે અમને શું મળશે. આજે જનતાની ઇચ્છાથી સીએમની ખુરશી મળી છે. લોકો મહાયુતિને જ બહુમતી આપશે અને અમે ટીમ બનીને કામ કરીશું.'
ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર
આ દરમિયાન તેમણે ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા કહ્યું કે, ‘અમે દિલ્હી કંઇક લાવવા માટે જઇએ છે, મહારાષ્ટ્રના વિકાસ માટે જઇએ છે. અમે એ માટે નથી જતા કે મને મુખ્યમંત્રી બનાવો, મને મુખ્યમંત્રી બનાવો. કેન્દ્રમાં અને રાજ્યમાં એક જ વિચારની સરકાર હોય તો લાભ થાય છે. અમારી સરકાર બન્યા બાદ અહીં ઘણાં પ્રોજેક્ટ આવ્યા છે, ઘણી ઇન્ડસ્ટ્રીઓ શરૂ થઇ છે. નોંધનીય છે કે, વર્ષ 2022માં એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કરી ભાજપ સાથે સરકાર બનાવી હતી. ત્યાર બાદ અજિત પવાર પણ એનસીપીમાં બળવો કરી આ ગઠબંધનમાં જોડાયા હતા.’