Get The App

'ક્રાઈમ પેટ્રોલ'ની અભિનેત્રીનું કારસ્તાન, પ્રેમીના પરિવારે નકારતાં 3 વર્ષના બાળકનું અપહરણ કર્યું

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
Actress Shabreen has been arrested for kidnapping


Crime Patrol Actress Arrested for Kidnapping: પ્રેમીના ભાઈ-ભાભીએ પ્રેમ સંબંધ સામે વાંધો ઉઠાવતાં ઉશ્કેરાયેલી એકક્ટ્રેસ પ્રેમિકાએ પ્રેમીના ત્રણ વર્ષના ભત્રીજાનું અપહરણ કર્યું હતું. જોકે, સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે યુવતીને ટ્રેક કરી હતી અને માત્ર ચાર જ કલાકમાં બાળકનો છૂટકારો કરાવ્યો હતો. પ્રેમિકા શાબરીન ખુદ ક્રાઈમ પેટ્રોલમાં પોલીસની ભૂમિકા કરી ચૂકી છે અને અજય દેવગણની આગામી “સિંઘમ થ્રી'માં પણ તે કામ કરી રહી છે. આમ છતાં પણ તે આ ગુનો આચરી બેઠી હતી.

સાડા ત્રણ વર્ષના બાળકનું અપહરણ કર્યું 

આ બનાવ વિશે મળેલી માહિતી મુજબ, ગૌરાઈ પાડા નિવાસી દિનેશ ગૌતમ (34) તેની પત્ની પ્રીતિ, છ વર્ષની દીકરી, સાડા ત્રણ વર્ષના દીકરા પ્રણવ ઉર્ફે પ્રિન્સ અને નાના ભાઈ બ્રિજેશ ગૌતમ સાથે રહે છે. શનિવારે સવારે 10 વાગ્યે તેમના દીકરાનું કોઈ અજાણી યુવતી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. બાળકનું અપહરણ કરનાર અજાણી યુવતીએ ક્લાસમાં હાજર ટીચરને કહ્યું કે પ્રિન્સને દવા આપવામાં આવી છે અને તેની માતાએ તેને બોલાવ્યો છે. પ્રિન્સ પણ શાબરીનને ઓળખતો હોવાથી તે તેની સાથે જતો રહ્યો હતો.

પરિવારજનો ગુનો નોંધાવ્યો 

બીજી તરફ પ્રિન્સને કોઈ અજાણી મહિલા લઈ ગઈ હોવાની પરિવારજનોની ફરિયાદના આધારે વાલીવ પોલીસે અપહરણનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ સહિતની અનેક ટીમ જોડાઈ હતી. સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજ રણવરેએ જણાવ્યું હતું કે, ડિટેક્શન ટીમના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન સાનપ અને તેમની ટીમે ઘણા સીસીટીવીની તપાસ કરીને બાળકનું અપહરણ કરનાર યુવતીની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધરાયા હતા. 

પોલીસે ચાર જ કલાકમાં બાળકને છોડાવ્યો 

તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતી લોકલ ટ્રેનમાં મુંબઈ જઈ રહી હતી. પોલીસની એક ટીમે તેનો પીછો કર્યો હતો અને તેને બાંદરા રેલવે સ્ટેશન પર કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી હતી. ત્યારે શાબરીને સમગ્ર પ્રકરણ કબૂલી લીધું હતું. તેણે પ્રિન્સ નાયગાંવના એક ફલેટમાં સલામત હોવાનું જણાવતાં પોલીસની અન્ય ટીમે ત્યાં પહોંચી પ્રિન્સને છોડાવ્યો હતો. 

આ પણ વાંચો: અઠવાડિયામાં 70 વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જેમાંથી 46 તો એક જ એકાઉન્ટથી અપાઈ

ધર્મ અલગ હોવાથી સંબંધ નકારતા કર્યો અપરાધ 

સાબરીને કહ્યું હતું કે બાળકના કાકા બ્રિજેશ ગૌતમ સાથે બે વર્ષથી પ્રેમસંબંધ હતો. ગૌતમના ભાઈ અને ભાભીએ અલગ ધર્મની યુવતી સાથે પ્રેમ સામે વાંધો ઉઠાવ્યો હતો. જેના કારણે બ્રિજેશે શાબરીન સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. એનાથી શાબરીન રોષે ભરાઈ ગઈ હતી અને તેને પાઠ ભણાવવા માટે બાળકનુ અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે શાબરીનની ધરપકડ કરી છે. તેના અને ગૌતમ વચ્ચે વર્ષોથી સંબંધ હોવાથી આ અપહરણમાં ગૌતમની સંડોવણીની શક્યતા પણ ચકાસવામાં આવી રહી છે.

'ક્રાઈમ પેટ્રોલ'ની અભિનેત્રીનું કારસ્તાન, પ્રેમીના પરિવારે નકારતાં 3 વર્ષના બાળકનું અપહરણ કર્યું 2 - image


Google NewsGoogle News