ફડણવીસ સિવાય CM તરીકે કોઈ મંજૂર નહીં, નિર્ણયમાં વિલંબ થતાં ભાજપ પર ભડક્યું RSS
Maharashtra CM : મહારાષ્ટ્રમાં નવી સરકારના શપથગ્રહણની તારીખ ભલે જાહેર થઈ ગઈ હોય, પરંતુ રાજ્યના વડા એટલે કે મુખ્યમંત્રી કોણ હશે તે અંગેની તસવીરો હજુ સ્પષ્ટ નથી. દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નવા મુખ્યમંત્રીની પસંદગીને લઈને ભાજપ (BJP) ની અંદર ચાલતી ચર્ચાઓ અને જાતિના સમીકરણોના આધારે નિર્ણય લેવાની સંભાવનાથી નારાજ છે.
આરએસએસ કોની તરફેણમાં?
RSSએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની વાત કરી છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને જંગી જીત અપાવામાં તેમનો પણ મહત્ત્વનો ફાળો માનવામાં આવી રહ્યો છે. ફડણવીસ આરએસએસ માટે સ્વાભાવિક પસંદગી છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપના એક વર્ગે મુખ્યમંત્રી પદ માટે અન્ય દાવેદારોના નામ આગળ કર્યા છે.
અન્ય ઉમેદવારોના નામની ચર્ચા છંછેડાતા આરએસએસ ભડક્યું
મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં વિનોદ તાવડે, ચંદ્રશેખર બાવનકુલે, ચંદ્રકાંત પાટીલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલના નામ પણ મુખ્યમંત્રી પદની રેસમાં ચર્ચામાં છે. જ્યાં વિનોદ તાવડે, ચંદ્રકાંત પાટીલ અને મોહોલ મરાઠા સમુદાયમાંથી આવે છે. ત્યાં બાવનકુળે ઓબીસી કેટેગરીના છે. આ સંભવિત નામો જ્ઞાતિના સમીકરણોને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં મરાઠા અને ઓબીસી સમુદાયોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ નેતાઓના સમર્થકોનું માનવું છે કે મુખ્યમંત્રીની પસંદગીમાં આ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ.
આરએસએસ કેમ નારાજ?
મુખ્યમંત્રીની ખુરશીને લઈને ચાલી રહેલી મૂંઝવણને લઈને સંઘ પરિવાર નારાજ છે. ચૂંટણી દરમિયાન આરએસએસએ બ્રાહ્મણ જાતિના દેવેન્દ્ર ફડણવીસના સમર્થનમાં જોરશોરથી પ્રચાર કર્યો હતો. RSS યોજના હેઠળ 3000 સ્વયંસેવકો સાથે દરેક જિલ્લામાં અભિયાન ચલાવીને મહાયુતિની ભવ્ય જીત સુનિશ્ચિત કરવામાં આવી હતી. આરએસએસના ફ્રન્ટલ સંગઠન ‘રાષ્ટ્રીય મુસ્લિમ મંચ’ સાથે સંકળાયેલા એક નેતાએ કહ્યું કે આરએસએસે ભાજપ નેતૃત્વને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ફડણવીસની નિર્ણાયક ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમને મુખ્યમંત્રી પદ માટે પસંદ કરવામાં આવે. આમ કરવામાં નિષ્ફળ જવાથી આવનારી ચૂંટણીઓમાં ખાસ કરીને BMC ચૂંટણીમાં પાર્ટીને ભારે નુકસાન થઈ શકે છે.