Get The App

જો શિંદે નહીં માને તો કઈ રીતે સરકાર બનાવશે ભાજપ? કેન્દ્રીય મંત્રીએ આપ્યા સંકેત

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
જો શિંદે નહીં માને તો કઈ રીતે સરકાર બનાવશે ભાજપ? કેન્દ્રીય મંત્રીએ આપ્યા સંકેત 1 - image


Maharashtra CM: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની પ્રચંડ જીત બાદ પણ સરકાર બનાવવામાં ભાજપને મુશ્કેલી પડી રહી છે. ભારતીય જનતા પાર્ટીના હાઇકમાન્ડે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કર્યું છે. જોકે શિંદે ખુરશી છોડવા તૈયાર નથી. શિંદે પક્ષનો દાવો છે કે તેઓ શિવસેના તોડીને ભાજપની સાથે આવ્યા તો જ ભાજપની સરકાર અઢી વર્ષ ચાલી. આટલું જ નહીં લાડકી બહેન યોજનાનો શ્રેય પણ શિંદેને આપવામાં આવી રહ્યો છે. એવામાં શિંદે પક્ષની માંગ છે કે બિહારની જેમ મહારાષ્ટ્રમાં પણ વધુ બેઠકો હોવા છતાં ભાજપ CM પદ પરથી પોતાનો દાવો છોડે અને શિંદેને જ ફરી CM બનાવે. 

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી?

જોકે ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ બેઠકો મળી છે. એવામાં જો ભાજપ પોતાનો CM ન બનાવે તો પણ ઘણા નેતાઓ નારાજ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એવામાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ સંકેત આપ્યા છે કે જો શિંદે નહીં માને તો ભાજપ અજિત પવારના ટેકા સાથે સરકાર બનાવી શકે છે. 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપ માટે ટેન્શન : શિંદેના રાજીનામા બાદ સમીકરણો બગડતા સરકાર બનાવવામાં ડખા

એનડીએ નેતાએ આપ્યો સંકેત

ભાજપની આગેવાનીવાળા એનડીએના દિગ્ગજ નેતાઓમાંથી એક કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ નવા મુખ્યમંત્રીની પસંદગીને લઈને કહ્યું, 'ભાજપનું કહેવું છે કે, અમારી પાસે ધારાસભ્યોની સંખ્યા વધારે છે. એવામાં દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી બનશે. આ મેસેજ ભાજપ હાઇકમાન્ડે શિંદેને લઈને આપ્યું છે. શિંદે હજુ એક કાર્યકાળની માગ કરી રહ્યા છે. પરંતુ, ભાજપ આ માટે તૈયાર નથી. અહીં બિહારનો ફોર્મ્યુલા લાગુ કરવાનો મામલો નથી. ત્યાંની ફોર્મ્યુલા અલગ હતી. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાંથી જ નીતિશ કુમારને મુખ્યમંત્રી માટે કહી દીધું હતું. જોકે, અહીં આવું કોઈ આશ્વાસન આપવામાં આવ્યું ન હતું. આપણે એક રહેવું જોઈએ. આ મહારાષ્ટ્રના વિકાસ માટે ફાયદાકારક હશે. હવે એકનાથ શિંદેને કેન્દ્રની રાજનીતિમાં આવવું જોઈએ. જો શિંદે નહીં માને તો ભાજપને સરકાર બનાવવામાં કોઈ તકલીફ નહીં પડે, કારણકે તેમની પાસે બહુમત છે.'

મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામું

આ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે મંગળવારે સવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી પોતાનું રાજીનામું સોંપી દીધું છે. સાથે જ રાજ્યપાલે એકનાથ શિંદેને નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા સુધી કાર્યવાહક મુખ્યમંત્રીના રૂપે કામ કરતા રહેવા કહ્યું છે. શિંદે બંને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર સાથે રાજભવન પહોંચ્યા હતાં. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ આજે 26 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી, એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના અને અજીત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની મહાયુતિ ગઠબંધનને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જીત મળી છે. મહાયુતિએ 288 સભ્યોવાળી વિધાનસભામાં 230 બેઠક જીતીને બમ્પર જીત સાથે સત્તામાં વાપસી કરી છે. જોકે, ગઠબંધનના નેતાઓમાં અત્યાર સુધી નવા મુખ્યમંત્રી માટે સંમતિ બની શકી નથી.

આ પણ વાંચોઃ ભાજપનો વાયદો હતો કે શિંદે જ CM બનશે: શિવસેનાના સૂર બદલાયા, શું કરશે ભાજપ?

કોની પાસે કેટલી બેઠક?

ચૂંટણી પરિણામ આવ્યું તેના 3 દિવસ થઈ ચુક્યા છે, પરંતુ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીને લઈને સતત મંથન થઈ રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવામાં શિંદેની આગેવાનીવાળી શિવસેના તરફથી એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા પર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે. 

નોંધનીય છે કે, મહાયુતિએ 288માંથી 230 બેઠક જીતીને જીત મેળવી સત્તામાં વાપસી કરી છે. કોંગ્રેસની આગેવાનીવાળું વિપક્ષ ગઠબંધન મહાવિકાસ અઘાડી (એમવીએ) ફક્ત 46 બેઠકો પર જ જીત હાંસલ કરી શક્યું છે.



Google NewsGoogle News