છગન ભુજબળ ભાજપમાં જોડાશે? CM ફડણવીસ સાથે મુલાકાત કરતા અટકળો શરૂ
Maharashtra News : એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળને મહારાષ્ટ્ર સરકારમાં જગ્યા મળી નથી, જેના કારણે તેમણે જાહેરમાં નારાજગી વ્યક્ત કરતા, તેઓ પાર્ટી છોડવાની તૈયારીમાં હોવાની અટકળો શરૂ થઈ ગઈ છે. બીજીતરફ એવા અહેવાલો મળ્યા છે કે, છગન ભુજબળે અજિત પવારની ગેરહાજરીમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી છે.
ભુજબળ-ફડણવીસ એક જ કારમાં કાર્યક્રમમાં પહોંચ્યા
વાસ્તવમાં આજે (3 જાન્યુઆરી) સાવિત્રીબાઈ ફુલેની જ્યંતિ પ્રસંગે ભુજબળ અને ફડણવીસ સતારામાં સાથે જોવા મળ્યા હતા. બંને નેતાઓ એક જ કારમાં કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દ્રશ્ય સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં નવી અટકળો વહેતી થઈ ગઈ છે.
અજિત પવાર વિદેશમાં
સૌથી મહત્ત્વની વાત એ છે કે, એનસીપી પ્રમુખ અજિત પવાર હાલ વિદેશ મુલાકાતે ગયા છે. આવી સ્થિતિમાં તેમની ગેરહાજરીમાં ભુજબળે ફડણવીસ સાથે મુલાકાત કરતા અનેક અટકળો વહેતી થઈ છે. જાણકારોનું કહેવું છે કે, ભુજબળ ભાજપ નેતાઓના નજીકના હોવાથી, એવી સંભાવના છે કે, તેઓ પોતાના માટે કોઈ યોજના બનાવી રહ્યા હોય.
આ પણ વાંચો : મિત્રો સાથે ગોવા ફરવા ગયેલા યુવકોને સ્થાનિક દુકાનદારોએ ઢોર માર માર્યો, એકનું મોત
ભુજબળે અગાઉ પણ સીએમને મળ્યા હતા
ઉલ્લેખનીય છે કે, પૂર્વ મંત્રી ભુજબળ ફડણવીસને પહેલીવાર મળ્યા હોય તેવું નથી, અગાઉ પણ તેમણે સીએમ સાથે મુલાકાત કરી હતી. ત્યારે પણ એવી અટકળો લગાવાઈ હતી કે, ભુજબળ ભાજપમાં સામેલ થઈ શકે છે.
ભુજબળ ભાજપમાં જોડાશે?
મહારાષ્ટ્રમાં નવી સરકાર બન્યા બાદ એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળને સરકારમાં સ્થાન અપાયું નથી, જેના કારણે તેઓ નારાજ છે. સરકારમાં સ્થાન ન મળતાં ભુજબળે એવું કહી દીધું હતું કે, ‘હું મનોજ જરાંગેને મળ્યો હતો, તેથી મને કેબિનેટમાંથી બહાર રાખવામાં આવ્યો છે. કેબિનેટમાં સામેલ ન થવાથી હું નારાજ નથી પરંતુ અપમાનિત અનુભવી રહ્યો છું.’ તેમણે આ નિવેદન આપ્યા બાદ તેઓ વિદેશ જતા રહ્યા હતા, પછી પરત ફર્યા બાદ તેઓ ફડણવીસ સાથે જોવા મળ્યા. હવે એવી અટકળો વહેતી થઈ છે કે, તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. જોકે આ મુદ્દે તેમની તરફથી કે પછી ભાજપ તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી નથી.