2019ના બળવા વખતે NCP માટે સંકટમોચક બનનાર આ મહિલાને ફરી શરદ પવારે સોંપી મોટી જવાબદારી
મહારાષ્ટ્રમાં કાકા ભત્રીજા વચ્ચે થયેલ રાજકીય સંઘર્ષ વચ્ચે એક નામ ઘણું ચર્ચામાં આવી ગયું છે, આ નામ છે સોનિયા દુહનનું
સોનિયા દુહન એનસીપીની સંકટમોચક પણ કહેવામાં આવે છે
image : Twitter |
મહારાષ્ટ્રમાં કાકા ભત્રીજા વચ્ચે થયેલ રાજકીય સંઘર્ષ વચ્ચે એક નામ ઘણું ચર્ચામાં આવી ગયું છે. આ નામ છે સોનિયા દુહનનું. સોનિયા દુહન એનસીપીની સંકટમોચક પણ કહેવામાં આવે છે. કેમ કે તેમણે ઘણી વખત પાર્ટીને સંકટમાંથી બહાર લાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રવિવારે જ્યારે અજીત પવાર આઠ એનસીપી ધારાસભ્યોને લઈને શિંદે સરકારમાં સામેલ થઈ ગયા ત્યારબાદ સોનિયા દુહનનું નામ ફરી એક વાર ચર્ચામાં આવી ગયું છે. આ ઘટનાના એક દિવસ પછી એટલે કે સોમવારે શરદ પવારે એનસીપી છાત્રા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા દુહનને પ્રમોટ કરીને નવી દિલ્હીમાં એનસીપી કેન્દ્રીય કાર્યાલયના પ્રભારી નિયુક્ત કરી દીધા છે.
સુપ્રિયા સુલેનો આભાર માન્યો
બીજી તરફ સોનિયા દુહને આજે મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર સાથે મુલાકાત કરી છે. સોનિયાએ ટ્વિટ કરીને લખ્યું "આજે મુંબઈમાં મેં એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા પ્રેરણાસ્ત્રોત આદરણીય શરદ પવાર સાહેબ સાથે મુલાકાત કરી. મને સંઘર્ષ કરવાની પ્રેરણા સાહેબથી જ મળે છે. અમે સાહેબને ભરોસો આપીએ છીએ કે તમામ સંઘર્ષમાં તેમની સાથે રહીશું". દિલ્હીમાં એનસીપીના કેન્દ્રીય કાર્યાલયના પ્રભારી નિયુક્ત થયા પછી સોનિયાએ એનસીપીની કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેનો પણ આભાર માન્યો હતો. સોનિયાએ કહ્યું હતું કે તે સમય અને મહેનતની સાથે પોતાની જવાબદારી પણ નિભાવશે ત્રીસ વર્ષીય સોનિયાએ કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલયમાં પોતાના કોલેજના દિવસો દરમિયાન રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે તે પાયલોટની તાલીમ લેવા માટે પુનામાં હતી ત્યારે તેનો એનસીપી સાથે પરિચય થયો હતો. ત્યારબાદ સોનિયા દુહન રાજનીતિમાં સક્રિય ભૂમિકા ભજવતા નજરે ચડ્યા હતા. આ સાથે જ પોતાના કાર્યશૈલી પર આગળ વધી દુહન દિલ્હી વિશ્વવિદ્યાલયમાં સ્ટુડન્ટ યુનિયનની પ્રમુખ પણ રહ્યા હતા. આ સાથે તેમણે સંગઠનમાં રાષ્ટ્રીય અધ્યક્ષના રૂપમાં પદભાર પણ સંભાળ્યો હતો.
વર્ષ 2019 માં ચર્ચામાં આવ્યા
સોનિયા પહેલી વખત 2019 માં ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે અજીત પવારના બળવાને નિષ્ફળ કરી દીધો હતો. તેમણે તે સમયે હરિયાણાના ગુરુગ્રામથી એનસીપીના ચાર ધારાસભ્યોને રેસ્ક્યુ કર્યા હતા આ બાદ ચારેય ધારાસભ્યોને દિલ્હીમાં અજીત પવારના ઘરે લઈ ગઈ હતી. આ ચાર ધારાસભ્યમાં ડીંડોલીના ધારાસભ્ય નરહરિ જીરવાલ, શાહપુરના ધારાસભ્ય દોલત દરોડા, અમલનેરના ધારાસભ્ય અનિલ પાટીલ અને કલવાનના ધારાસભ્ય નીતિન પવન સામેલ હતા. આ ચારે ધારાસભ્યો અજીત પવારના પક્ષમાં હતા પરંતુ તે તાત્કાલિક શરદ પવનના સમર્થનમાં આવી ગયા હતા. આ રીતે ભાજપનું અજીત પવાર ગ્રુપ સાથે સરકાર બનાવવાનું સપનું તૂટી ગયું હતું.
ગત વર્ષે પણ સોનિયા દુહનનું નામ ઘણું ચર્ચામાં રહ્યું હતું
ગત વર્ષે પણ સોનિયા દુહનનું નામ ઘણું ચર્ચામાં રહ્યું હતું જ્યારે તેમણે ગોવાની તે હોટેલમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો જ્યાં શિંદેનું સમર્થન કરનારા ધારાસભ્યો રોકાયા હતા. કેમ કે આ ધારાસભ્યોએ ઉદ્ધવ ગ્રુપ વિરુદ્ધ બળવો કર્યો હતો. આ દરમિયાન સોનિયાએ હોટલમાં પ્રવેશ કરવા માટે નકલી આઈડીનો ઉપયોગ કર્યો હતો જે હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે પાછળથી સોનિયાને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. સોનિયા દુહન મહારાષ્ટ્રના અન્ય નેતાઓ સાથે અંતર જાળવી રાખે છે. તે વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનોના કામકાજમાં પણ કોઈપણ રીતનો હસ્તક્ષેપ નથી કરતી. માનવામાં આવી છે કે તે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર અને તેમની પુત્રી અને બારામતી સાંસદ સુપ્રિયા સુલેની નજીક છે.