Get The App

મહારાષ્ટ્રમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું, મુંબઈમાં ફરી મેફેડ્રોનનો મસમોટો જથ્થો ઝડપાયો, 50 કરોડના માલ સાથે બેની ધરપકડ

Updated: Mar 27th, 2025


Google News
Google News
મહારાષ્ટ્રમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું, મુંબઈમાં ફરી મેફેડ્રોનનો મસમોટો જથ્થો ઝડપાયો, 50 કરોડના માલ સાથે બેની ધરપકડ 1 - image

Maharashtra Mephedrone Drug Case : મહારાષ્ટ્રમાં ડ્રગ્સના દૂષણમાં વધારો થયો હોય, તેમ ફરી મેફેડ્રોનનો મસમોટો જથ્થો ઝડપાયો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ રાયગઢ જિલ્લાના મહાડ ઔદ્યોગિક ક્ષેત્રમાં એક ડ્રગ્સ લેબનો ભાંડો ફોડ્યો છે. NCBની ટીમને અહીં દરોડો પાડી બે લોકો પાસેથી 46.8 કિલોગ્રામ મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો છે, જેથી કિંમત આશરે રૂપિયા 50 કરોડ આંકવામાં આવી છે.

લેબમાં જ ડ્રગ્સ બનાવાતું હતું, પૂછપરછમાં ખુલાસો

NCBના જણાવ્યા મુજબ, તેમની ટીમે ભાંડુપ વિસ્તારના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં ટીમે શોધખોળ હાથ ધરતા મકાનમાં એક પ્લાસ્ટિકના કન્ટેનરમાંથી જથ્થો જોવા મળ્યો હતો, જેની તપાસ કરવામાં આવતા તે જથ્થો મેફેડ્રોન હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે 46.8 કિલોગ્રામ ડ્રગ્સ સાથે બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં આરોપીઓએ કહ્યું કે, મહાડના ઔદ્યોગિક એકમમાં આવેલી એક લેબમાં ડ્રગ્સ તૈયાર કરાઈ હતી.

એક આરોપી સામે અગાઉ પણ કેસ નોંધાયો હતો

એક અધિકારીએ કહ્યું કે, ‘ઝડપાયેલા બે આરોપીઓમાંથી એક વિરુદ્ધ પહેલેથી જ બે વખત નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થ (NDPS) અધિનિયમ હેઠળ કેસ નોંધાયેલા છે. તેની સામે રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (DRI)માં કેસ દાખલ છે. એનસીબીના જણાવ્યા મુજબ, આ દરમિયાન તે જામીન પર બહાર હતો અને મેફેડ્રોન બનાવવાના સિન્ડિકેટમાં સામેલ હતો.

NCBએ લેબ સીલ કરી

એનસીબીના અધિકારીઓએ કહ્યું કે, ‘આરોપીઓની પૂછપરછ કરવામાં આવ્યા બાદ ઔદ્યોગિક એકમ સ્થિત એક લેબોરેટરી સીલ કરવામાં આવી છે. જ્યારે ટીમે લેબમાં દરોડો પાડ્યો, ત્યારે રસાયણ મળી આવતા તે પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં અન્ય કેટલાક લોકોની સંડોવણી છે તે અંગે વધુ  તપાસ હાથ ધરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં ડ્રગ્સનું દૂષણ

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું હોય તેમ અવારનવાર આવા ડ્રગ્સના જથ્થા મળી આવતા હોય છે. આ પહેલા ડિસેમ્બર-2024માં થાણેમાં 11 લાખથી વધુના મેફેડ્રોન અને કોડીન સીરપ સાથે બેને ઝડપી લેવાયા હતા. થાણેના ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી નાર્કોટિક્સ સેલે બે અલગ અલગ ઓપરેશન હાથ ધરી રુ.11 લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ કેસમાં સંડોવાયેલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ખોનીગાંવનો રહેવાસી આરોપી 60.3 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપાયો હતો, જેની અંદાજિત કિંમત રુ.7.43 લાખ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત બીજા ઓપરેશનમાં 12 ડિસેમ્બર 2024ના રોજ મુંબ્રાના રેહવાસી નવાઝ પવલેની થાણેના દાઈઘરમાં ગણેશ ખિંડ - કલ્યાણ ફાટા રોડ પરથી ધરપકડ કરવામાં આવી હતી.

સપ્ટેમ્બર-2024માં બે વખત મેફેડ્રોન ઝડપાયું

સપ્ટેમ્બર-2024માં નવી મુંબઈ ટાઉનશીપમાં રુ.14.26 લાખની કિંમતનો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો હતો. પુણેના કોંધવા વિસ્તારમાં પેટ્રોલીંગ સમયે પોલીસને ઓપેલ પાલક સોસાયટીની સામે બે શંકમદોને નજરે  ચઢતા પોલીસે બંનેને અટકાવ્યા હતા અને તેમની તપાસ કરાઈ હતી. જેમાં બંને પાસેથી 63 ગ્રામ એટલે કે રુ.14 લાખની કિંમતનો મેફેડ્રોન મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કર્યો હતો.

આ જ મહિનામાં પોલીસે ઉલ્વે વિસ્તારમાં આવેલ માર્ગ પર શંકાના આધારે 39 વર્ષીય અને 45 વર્ષીય  શખ્સની  ધરપકડ કરી હતી. આ બંનેની તપાસ કરતા તેમની પાસેથી પોલીસને પ્લાસ્ટિકના બે કવરમાં પેક કરાયેલ 71.3 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. પોલીસે આ મેફેડ્રોન જપ્ત કર્યું હતું. આમાં 39 વર્ષીય યુવક ફુડ ડિલીવરી બોયનું કામ કરતો હતો. તો 45 વર્ષીય શખ્સ ફાર્મહાઉસની દેખરેખ રાખતો હતો.

ઓગસ્ટમાં ફ્લેટમાં ચાલતી ફેક્ટરીમાંથી 800 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

ઓગસ્ટ 2024માં થાણે જીલ્લાના ભીવંડી ખાતે એક ફ્લેટમાં ડ્રગ્સ ફેક્ટરીનો ભાંડો ફૂટ્યો હતો, ત્યાંથી 800 કરોડના મેફેડ્રોન ડ્રગ્સ સાથે મુળ મુંબઈના ડુંગરી વિસ્તારમાં રહેતા બે સગા ભાઈને પકડી લેવાયા હતા. બંને ભાઈઓએ નવ મહીનાથી ભીવંડીમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો અને આ ડ્રગ્સનો કારોબાર ચલાવતા હતા. 

Tags :