ત્રણ જ મહિનામાં દોસ્તી ખતમ, એકનાથ શિંદે સરકારથી રાજ ઠાકરે નારાજ; હવે ભાજપની મુશ્કેલીઓ વધારશે
Maharashtra Assembly Elections : મહારાષ્ટ્રમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે રાજ્યમાં ચૂંટણીના રાજકારણમાં મહાયુતિ અને મહા અઘાડી વચ્ચે રાજકીય લડત થશે. જેમાં ભાજપ મહાયુતિમાં આગળ છે, જ્યારે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ મહા અઘાડીમાં મુખ્ય પક્ષો છે. તેવામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પાર્ટીના રાજ ઠાકરેએ ચોંકાવનારી જાહેરાત કરતાં કહ્યું કે, 'પાર્ટીના નેતાઓ સાથેની બેઠક બાદ તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં એકલા લડવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, MNS એ આગામી વિધાનસભા ચૂંટણીમાં કુલ 288 વિધાનસભામાંથી 225 થી 250 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવાની તૈયારી બતાવી છે.
ગઠબંધન પર કોઈ પ્રકારે ભરોસો કરવા જેવો નથી
MNS પાર્ટીના ઠાકરેએ પાર્ટીના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. જેમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને વિશેષ વિચારણા પછી નિર્ણય કર્યો હતો. ઠાકરેએ કહ્યું કે, 'પાર્ટીની બેઠકમાં ગઠબંધન પર કોઈ પ્રકારે ભરોસો કરવા જેવો નથી. તેવામાં જો કોઈ જોડે ગઠબંધન કરવામાં આવશે તો તેના પર વિચારણા કરીશું.' આ સાથે ઠાકરેએ પહેલી વખતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં એકલા લડવાનો નિર્ણય કર્યો છે.
MNS પાર્ટી 225થી 250 બેઠકો પર ઉમેદવારોને ઉભા રાખશે
રાજ ઠાકરેના આ નિર્ણય પછી મહારાષ્ટ્રની મોટાભાગની પાર્ટીઓ ચોંકી ઉઠી છે. તેવામાં અન્ય પાર્ટીઓમાં મત કપાવવાને લઈને ચિંતા દેખાઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે, MNS પાર્ટી 225થી 250 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉભા રાખવાની તૈયારી બતાવી છે. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં MNS પાર્ટીની સારી એવી પકડ જોવા મળે છે. આ દરમિયાન રાજ ઠાકરે વિધાનસભાની ચૂંટણી એકલા થઈને લડશે તો તેમને મોટો ફટકો પડવાની શક્યતા છે.
લોકસભા ચૂંટણીમાં ભાજપને કર્યો હતો સપોર્ટ
રાજ ઠાકરેએ ગત લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને કોઈ પ્રકારની શરત વગર સમર્થન કરવાની ઘોષણા કરી હતી. તેવામાં લોકસભાની ચૂંટણીથી લઈને અત્યારસુધીમાં ઠાકરેના સુર બદલેલા જોવા મળી રહ્યાં છે. પરંતુ, ઠાકરેની પાર્ટીના ઉમેદવારો ઉતારવાની સામે મહારાષ્ટ્રની કેટલીક વિધાનસભા બેઠકો પર રાજકીય સમીકરણ બદલાઈ શકે છે.