'આ હત્યા છે...', મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 દર્દીના મોત પર વિપક્ષે શિંદે સરકારને આડે હાથ લીધી

પ્રિયંકા ગાંધીએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી

વિપક્ષે સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંતને બરતરફ કરવાની માંગણી કરી

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
'આ હત્યા છે...', મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 દર્દીના મોત પર વિપક્ષે શિંદે સરકારને આડે હાથ લીધી 1 - image


Maharashtra Deaths : મહારાષ્ટ્ર(Maharashtra)ની નાંદેડમાં શંકરરાવ ચૌહાણ સરકારી હોસ્પિટલ(Government hospital)માં 24 કલાકમાં 24 લોકોના મોતની ઘટના બની હતી. જેમાંથી 12 નવજાત પણ સામેલ હતા. આ ઘટનાથી સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો હતો. લોકોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો અને મામલાની તપાસની માંગ કરી રહ્યા હતી. જે મામલે હવે વિપક્ષએ પણ શિંદે સરકારને ઘેરી છે. પ્રિયંકા ગાંધી, શરદ પવાર સહિતના અનેક નેતાઓએ આ મામલે સરકાર પર રોષ ઠાલવ્યો છે. વિપક્ષે સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંતને બરતરફ કરવાની માંગણી અંગે એકનાથ શિંદે સરકાર પર પ્રહાર કર્યા છે.  

પ્રિયંકા ગાંધીએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી 

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતા પોસ્ટ શેર કરી હતી કે, ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરિવારોને વળતર આપવામાં આવે.

આ ઘટના પર શરદ પવારનું નિવેદન

શરદ પવારે પોસ્ટ શેર કરતા લખ્યું કે, નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોનાં મોત થયાં. આ ઘટનામાં 12 નવજાત બાળકોએ પણ જીવ ગુમાવ્યો હતો. આ એક ચોંકાવનારી ઘટના છે. આવી જ કમનસીબ ઘટના થાણેની કાલવા હોસ્પિટલમાં બની હતી અને તે ઘટનાને ગંભીરતાથી ન લેવાને કારણે ફરી આ પ્રકારની ઘટના નાંદેડમાં થઇ જેમાં 24 લોકોના મોત થયા છે. આ સરકારની નિષ્ફળતા દેખાડે છે. શરદ પવારે સરકારે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, શક્ય તેટલું જલ્દીથી કડક પગલાં લેવામાં આવે.

શિવસેના સાંસદે સરકાર પર આકરા પ્રહારો કર્યા

સરકાર પર પ્રહાર કરતા શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પોસ્ટમાં લખ્યું કે, મહેરબાની કરી આને મૃત્યુ ન કહો, રાજ્ય સરકારની બેદરકારીને કારણે થયેલી આ ગેરબંધારણીય હત્યા છે. રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમો અને વિદેશ પ્રવાસના આયોજનમાં વ્યસ્ત છે. તેઓ ભૂલી ગયા છે કે તેમનું કામ રાજ્યની સેવા કરવાનું છે.


Google NewsGoogle News