મહારાષ્ટ્રમાં ગંભીર અકસ્માત, વિદ્યાર્થીઓને લઈને જતી બસ પલટી ગઈ, એકનું મોત, અનેકને ઈજા
Image Source - X (Twitter) |
Maharashtra School Bus Accident : મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં વિદ્યાર્થીઓને લઈને જતી બસ પલટી જતા એક વિદ્યાર્થીનું મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષિકો પિકનિક કરવા માટે નિકળ્યા હતા. જોકે પેંઢારી ગામ પાસે તેમની બસ પલટી ખાઈ ગઈ હતી. શાળામાંથી કુલ પાંચ બસો પિકનિક પર જઈ રહી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, જ્યારે એમ્બ્યુલન્સની ટીમે તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ સારવાર માટે પહોંચાડ્યા છે.
શાળાની પાંચ બસો વર્ધા જિલ્લા તરફ જઈ રહી હતી
મળતા અહેવાલો મુજબ નાગપુર જિલ્લાના શંકર નગર વિસ્તારમાં આવેલી સરસ્વતી શાળા દ્વારા પડોશી જિલ્લા વર્ધામાં પિકનીકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભરેલી પાંચ બસો વર્ધા જિલ્લા તરફ જતી હતી. જોકે આ દરમિયાન એક બસ પેંઢારી ગામ પાસે પલટી ખાઈ ગઈ હતી.
આ પણ વાંચો : વડોદરાની વાઘોડિયા ચોકડી પર એક સાથે ચાર વાહનો ધડાકાભેર ભટકાયા, ડ્રાઇવરનું રેસ્ક્યુ
મૃતક વિદ્યાર્થી ધોરણ-8માં અભ્યાસ કરતો હતો
ઘટના અંગે ડીસીપી ઝોન-1ના લોહિત મતાણીએ કહ્યું કે, ‘નાગપુર જિલ્લાના શંકર નગર વિસ્તારમાં આવેલી સરસ્વતી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પિકનીક કરવા વર્ધા જિલ્લા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન શહેરની બહાર પહાડી વિસ્તારોમાં આવેલા દેવલી પેંઢારી ગામ પાસેના હિંગરની રોડ પર તેઓની બસ પલટી ગઈ હતી.’ મળતા અહેવાલો મુજબ મૃતક વિદ્યાર્થી ધોરણ-8માં અભ્યાસ કરતો હતો.
એક વિદ્યાર્થીની અને શિક્ષક ગંભીર
અકસ્માતમાં એક વિદ્યાર્થીની અને એક શિક્ષક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે નાગપુરની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને ગામમાં જ આવેલી હોસ્પિટલમાં લઈ જવાયા છે. પોલીસે કહ્યું કે, અમે ઘટના અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને અકસ્માત કયા કારણોસર થયો, તેની તપાસ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો : ચોટીલા-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: ચાર સગા દેરાણી-જેઠાણીના મોત, 18 ઈજાગ્રસ્ત