VIDEO: અટલ સેતુ બ્રિજમાં તિરાડો? કોંગ્રેસના ભ્રષ્ટાચારના આરોપ બાદ પ્રોજેક્ટ હેડે કહ્યું- ‘અફવા’
Mumbai Atal Setu Bridge Crack Allegation : મહારાષ્ટ્રના મુંબઈમાં છ મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના હસ્તે લોકાર્પણ કરાયેલા ‘અટલ સેતુ બ્રિજમાં તિરાડો’ના અહેવાલો સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે (Congress) ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા બાદ હવે મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક (MTHL) એટલે કે અટલ સેતુના પ્રોજેક્ટ હેડ અને ઓથોરિટીનું નિવેદન સામે આવ્યું છે. ઓથોરિટીનું કહેવું છે કે, રસ્તાની સપાટી પર નાની તિરાડો હતી, જેને પુરી દેવાઈ છે. તો બીજીતરફ પ્રોજેક્ટ હેડનું કહેવું છે કે, અટલ સેતુ બ્રિજમાં તિરાડો એક અફવા છે.
કોંગ્રેસ નેતાએ તિરાડોનો શેર કર્યો વીડિયો
દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે (Nana Patole)એ શુક્રવારે અટલ બ્રિજની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, ‘ત્રણ મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરાયેલા અટલ સેતુ પુલમાં તિરાડો પડી ગઈ છે, જે ખૂબ જ ચિંતાજનક છે.’ પટોલેએ એમ પણ કહ્યું હતું કે, બ્રિજ પર ગણી તિરાડો પડી હોવાથી પ્રવાસીઓમાં ડરનો માહોલ ઉભો થયો છે.
બ્રિજના મુખ્ય માર્ગમાં તિરાડો નથી : મુંબઈ ઓથોરિટી
પટોલેએ પોસ્ટ કર્યા બાદ મુંબઈ મહાનગર વિસ્તાર વિકાસ સત્તા (MMRDA)એ જવાબ આપ્યો હતો. ઓથોરિટીએ કહ્યું હતું કે, ‘અટલ સેતુ બ્રિજના મુખ્ય માર્ગ પર કોઈપણ તિરાડો નથી. આ અંગે અફવાઓ ફેલાવાઈ રહી છે. મહેરબાની કરીને અફવાઓ પર વિશ્વાસ ન કરતા. અટલ સેતુને જોડતા એપ્રોચ રોડપર સામાન્ય તિરાડો પડી છે. એપ્રેચ રોડ બ્રિજનો ભાગ નથી, પરંતુ પુલને જોડતો સર્વિસ રોડ છે.’
રસ્તાની સપાટી પર ત્રણ નાની તિરાડો : ઓથોરિટી
મુંબઈ ઓથોરિટીએ કહ્યું છે કે, ઓપરેશન અને મેઈન્ટેનન્સ ટીમ દ્વારા 20 જૂન-2024ના રોજ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રેંપ-5 (મુંબઈ તરફની રેંપ) પર ત્રણ જગ્યાઓ પરના કિનારા પાસે, રસ્તાની સપાટી પર નાની તિરાડો જોવા મલી છે. રસ્તાના કિનારે નાની તિરાડો છે, જે 24 કલાકની અંદર યોગ્ય કરી દેવાશે. કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને કોઈ અડચણ નહીં આવે. એટલ સેતુ ભારતનો સૌથી મોટો પુલ છે.
પ્રોજેક્ટ હેડે તિરાડો અંગે શું કહ્યું?
અટલ સેતુ પેકેજ 4ના પ્રોજેક્ટ હેડ કૈલાશ ગણાતરાએ કહ્યું કે, ‘આ સર્વિસ રોડ છે, જે કામચલાઉ કનેક્ટિંગ રેમ્પ જેવું હતું. આ મુખ્ય પુલનો કનેક્ટિંગ ભાગ છે, જે છેલ્લા સમયે બનાવાયો હતો. અહીં માટી જામી જવાના કારણે નાની-નાની તિરાડો છે. તિરાડો ભરવાનું કામ પહેલેથી જ ચાલી રહ્યું છે. આવતીકાલે સાંજ સુધીમાં કામ પુરુ કરી દેવાશે. ટ્રાફિકમાં કોઈ અડચણ ઉભી નહીં થાય. જનતાને કોઈ અગવડતા નહીં પડે.’