'શિવાજીએ સુરત લૂંટ્યું હતું એવું કોંગ્રેસે ભણાવ્યું પણ હકીકતમાં...': ભાજપના દિગ્ગજ નેતાના નિવેદનથી વિવાદ
Politics on Shivaji Maharaj in Maharashtra : મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ નારાયણ રાણેએ છત્રપતિ શિવાજી મહારાજ વિશે એક નિવેદન કરતા નવો વિવાદ છંછેડાઈ ગયો છે. રાણેએ કહ્યું કે, 'મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજે સુરતને લૂંટ્યું હતું'. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવેદન બાદ રાણેએ આ વાત કહી હતી. ફડણવીસે કોંગ્રેસ પર શિવાજી સામે ખોટાં પ્રચારનો આરોપ મૂકતા કહ્યું હતું કે, 'છત્રપતિ શિવાજી મહારાજે ક્યારેય સુરતને લૂંટ્યું નથી'.
નારાયણ રાણે મુંબઈમાં ભાજપ મુખ્યાલયમાં મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે, 'હું ઇતિહાસકાર નથી, પરંતુ મેં ઇતિહાસકાર બાબાસાહેબ પુરંદરે પાસેથી જે કંઈ વાંચ્યું, સાંભળ્યું અને જાણ્યું, તેનાથી ખબર પડે છે કે, શિવાજી મહારાજે સુરતને લૂંટ્યુ હતું.'
ફડણવીસનો નહેરુ પર પ્રહાર
સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં છત્રપતિ શિવાજીની મૂર્તિ પડતાંની સાથે જ સત્તા પક્ષ અને વિપક્ષની વચ્ચે હંમેશાની જેમ ઘમાસાણ શરુ થયું છે. બન્ને એકબીજા પર તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન, દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસ પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ફડણવીસે કહ્યું હતું કે, ‘નહેરુજીએ તેમના પુસ્તક 'ડિસ્કવરી ઑફ ઇન્ડિયા' માં શિવાજી મહારાજને ખોટી રીતે રજૂ કર્યા છે. જેથી તેમને સુરતને લૂંટનાર તરીકે રજૂ કરી શકાય. જો કે, તે એ વાત તથ્યહીન હતી. સ્વતંત્રતા બાદ કોંગ્રેસે જાણી જોઈને ભણાવ્યું કે, શિવાજીએ સુરતને લૂંટ્યું હતું. જો કે, જાણકારી મુજબ શિવાજીએ સ્વરાજ્ય માટે યોગ્ય લોકો પાસેથી ખજાનો લૂંટ્યો અથવા રાષ્ટ્રના વ્યાપક કલ્યાણ માટે તેમના પર હુમલો કર્યો હતો.’
ફડણવીસે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, 'વિપક્ષ ચૂંટણીને ધ્યાને લઈને શિવાજીની મૂર્તિ પડવાની ઘટનાથી રાજકારણ કરે છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે. શરદ પવાર જેવા દિગ્ગજ નેતાએ સામે આવીને શાંતિની અપીલ કરવી જોઈતી હતી, પરંતુ હવે સ્પષ્ટ છે કે વિપક્ષ આ ઘટનાનો ઉપયોગ માહોલને ખરાબ કરવા માટે કરે છે.'
શું છે સાચી હકીકત?
શિવાજી મહારાજના સુરત કનેક્શન વિશે વાત કરીએ તો, ઇતિહાસના પુસ્તકમાં ઉલ્લેખ છે કે, શિવાજીએ 1664 અને 1670માં બે વખત સુરત પર હુમલો કર્યો હતો અને લૂંટફાટ કરી હતી. તે સમયે સુરત આર્થિક રૂપે સમૃદ્ધ શહેર અને મુઘલોનું એક પ્રમુખ બંદર હતું.
બીજી તરફ, નારાયણ રાણેએ શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે દ્વારા CM એકનાથ શિંદેને દેશની બહાર જવાનું કહેતાં પણ વાંધો ઉઠાવ્યો છે. રાણેએ કહ્યું હતું કે, 'શું તેમને આવી કોમેન્ટ કરવાનો અધિકાર છે? તે ભારતના રાષ્ટ્રપતિ છે કે વડાપ્રધાન? જો હું મુખ્યમંત્રી હોત, તો હું ઠાકરે સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરાવત.'
હાલમાં જ, નારાયણ રાણેના પુત્ર અને ધારાસભ્ય નિતેશ રાણે સામે પૂણે અને અહેમદનગરની રેલીમાં કોમવાદને પ્રોત્સાહન આપતું નિવેદન કરવા બદલ FIR નોંધાવવામાં આવી હતી. જ્યારે નારાયણ રાણેને આ વિશે સવાલ કરવામાં આવ્યો, તેનો જવાબ આપતાં રાણેએ કહ્યું, 'મેં નિતેશ સાથે વાત કરી અને તેને સમજાવ્યું કે સંપ્રદાયને વચ્ચે ના લાવો. તેના બદલે, જો કોઈ મુદ્દો હોય તો જે તે વ્યક્તિ સુધી સીમિત રાખો.'
નોંધનીય છે કે, એક ભાષણ દરમિયાન નિતેશ રાણેએ જાહેરમાં મુસ્લિમ સંપ્રદાયના લોકોને વીણી-વીણીને મારવાની ધમકી આપી હતી. બાદમાં તેઓએ એવું પણ કહ્યું કે, હું મારા નિવેદન પર અડગ છું.
શિવાજી મહારાજની મૂર્તિ તૂટતાં વિવાદ
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના એક કિલ્લામાં 26 ઑગસ્ટે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી ગઈ હતી. સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં શિવાજીની આ મૂર્તિ બનાવવામાં આવી હતી. ગયા વર્ષે 4 ડિસેમ્બરે નૌસેના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું અનાવરણ કર્યું હતું.