મહારાષ્ટ્રમાં મેગા ડ્રામા: કોંગ્રેસમાં ફાળ પડી, 7-8 MLAએ ક્રોસ વોટિંગ કરતા NDAના 9 ઉમેદવારોની જીત
Maharashtra MLC Election 2024 : મહારાષ્ટ્રમાં ફરી પોલિટિકલ ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં 11 વિધાન પરિષદની બેઠકો માટે આજે મતદાન થયું હતુ અને આશંકા હતી તે મુજબ જ ભારે ક્રોસ વોટિંગ થયું છે. ચૂંટણીમાં 11 બેઠકો માટે 12 ઉમેદવારોએ ઝંપ લાવતા ક્રોસ વોટિંગની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી અને અંતે બંને-મહાયુતિ અને મહા વિકાસ અઘાડી તરફથી ક્રોસ વોટિંગ થયું હોવાનું સામે આવ્યું છે.
એમએલસીની ચૂંટણી પહેલા કોંગ્રેસના 37માંથી 3 ધારાસભ્યોએ પાર્ટીની બેઠકમાં હાજરી આપી ન હોવાથી ફૂટની આશંકા હતી જ અને અંતે આજે મતગણનામાં MVAના 3માંથી માત્ર 2 ઉમેદવાર જીતતા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ થયાના પુરાવા મળ્યા છે.
ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો મહાયુતિ એટલેકે એનડીએને આ ચૂંટણીમાં તમામ 9 ઉમેદવારોની જીત થઈ છે. મહાવિકાસ અઘાડી દાવો કરી રહ્યું હતુ કે અમારા ત્રણેય ઉમેદવારો જીતશે પરંતુ કોંગ્રેસની ફૂટને કારણે એક ઉમેદવારની હાર થઈ છે.
11 વિધાન પરિષદની બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં :
વર્ષ 2022માં ભાજપ પાસે ઓછી સંખ્યા હોવાના કારણે તેણે ત્રણ રાજ્યસભા બેઠકો અને પાંચ વિધાન પરિષદની બેઠકો જીતી હતી. ઉલ્લેખનીય છે કે 11 વિધાન પરિષદની બેઠકો માટે 12મી જુલાઈએ મતદાન યોજાયું છે અને 11 બેઠકો માટે કુલ 12 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા, જેમાં ભાજપના પાંચ, એકનાથ શિંદેની પાર્ટી અને અજિત પવારની પાર્ટીના બે-બે ઉમેદવારો સામેલ છે અને આ તમામની જીત થઈ છે જ્યારે મહાવિકાસ અઘાડીના ત્રણ સાથી પક્ષોએ એક-એક ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા અને તેમાંથી એકની હાર થઈ છે.
કોણ કેટલા મતે જીત્યું ?
BJP
અમિત ગોરખે - 26 વોટથી જીત્યા
પંકજા મુંડે - 26 વોટથી જીત્યા
પરિણય ફૂકે - 26 વોટથી જીત્યા
યોગેશ ટીલેકર - 26 વોટથી જીત્યા
સદાભાઉ ખોત –26 વોટથી જીત્યા
NCP અજિત પવાર :
રાજેશ વિટ્ટેકર- 23 મતથી જીત્યા
શિવાજીરાવ ગર્જે- 24 મતોથી જીત્યા
શિવસેના શિંદે :
ભાવના ગવલી - 24 મતોથી જીત્યા
ક્રિપાલ તુમાને - 24 મતોથી જીત્યા
Congress :
પ્રજ્ઞા સાતવ- 25 મતોથી જીત્યા
આ પરિણામો બાદ MVAમાં કોંગ્રેસનું કદ ઘટશે અને સંભવિત છે કે આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસને ફાળે ઓછી બેઠકો જઈ શકે છે.