દગાબાજોની ઓળખ થઈ ગઈ છે: ક્રોસ વોટિંગ બાદ ભડકી કોંગ્રેસ, કહ્યું- કાર્યવાહી થશે જ
Maharashtra MLC Elections Result 2024 : મહારાષ્ટ્ર વિધાનસભામાં તાજેતરમાં જ વિધાન પરિષદની 11 બેઠકો માટે મતદાન યોજાયું હતું, જેમાં મહાયુતિ ગઠબંધનની ભાજપે પાંચ, શિંદેની શિવસેના અને અજિતની એનસીપીએ બે-બે બેઠકો જીતી છે, જ્યારે MVA તરફથી કોંગ્રેસ અને શિવસેના યુબીટીએ એક-એક બેઠક જીતી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરતાં કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે અને ગદ્દારો સામે કાર્યવાહી સુધીની પ્રક્રિયા શરૂ કરી દીધી હોવાના અહેવાલો સામે આવ્યા છે.
ક્રોસ વોટિંગ કરનારા ગદ્દારોની ઓળખ કરાઈ : નાના પટોલે
આ મુદ્દે કોંગ્રેસ (Congress) અધ્યક્ષ નાના પટોલે (Nana Patole)એ કહ્યું કે, ‘વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા પાર્ટીના ગદ્દારોની ઓળખ કરી લેવાઈ છે. આ લોકો સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. આ જ ગદ્દારો બે વર્ષ પહેલાની પરિષદની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા ચંદ્રકાંત હંડોરેને હરાવ્યા હતા. તેથી હવે કોઈપણ નેતા પાર્ટી સાથે વિશ્વાસઘાત કરવાની હિંમત ન કરે તે માટે આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.’
બંધારણના અસલી હત્યારા ભાજપ છે : સંજય રાઉત
બીજીતરફ શિવસેના યુબીટી (Shiv Sena UBT)ના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) મીડિયા સમક્ષ કહ્યું કે, ‘વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું હોવાનું કોંગ્રેસે સ્વિકારી લીધું છે અને હવે તેઓ નિયમ મુજબ કાર્યવાહી કરશે.’ તેમણે એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકારે ઇમરજન્સી (Emergency-1977)ની યાદમાં 25 જૂને 'સંવિધાન હત્યા દિવસ' ઉજવવાની જાહેરાત કરી છે. શું અયોગ્યતાનો સામનો કરી રહેલા ધારાસભ્યો દ્વારા એમએલસી ચૂંટણી કરાવવી ગેરબંધારણીય નથી? શું લાંચ આપીને ધારાસભ્યોને ખરીદવા ગેરબંધારણીય નથી? સંજય રાઉતે આક્ષેપ કર્યો છે કે, બંધારણના અસલી હત્યારા ભાજપ છે.