મહારાષ્ટ્રમાં એક સામાન્ય વ્યક્તિએ 100થી વધુ શેલ કંપની બનાવી 10000 કરોડનું કૌભાંડ આચર્યું
Illegal Money Transfer From Shell Companies: ઍન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે 11 સ્થળો પર દરોડા પાડી રૂ. 10 હજાર કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. થાણેમાં રહેતાં જિતેન્દ્ર પાન્ડેએ 269 બૅન્ક ખાતા મારફત રૂ. 10 હજાર કરોડ વિદેશ ટ્રાન્સફર કર્યા છે. આ કૌભાંડ માટે તેણે 98 નકલી કંપની અને 12 ખાનગી કંપની બનાવી હતી. આ કંપનીઓના નામે ફંડ ઉઘરાવી તેણે વિદેશમાં રકમ ટ્રાન્સફર કરી હતી. આરોપીએ હોંગકોંગ, સિંગાપોર અને થાઈલૅન્ડમાં સ્થિત કંપનીઓના ખાતામાં આ મોટી રકમ ટ્રાન્સફર કરી હતી.
જિતેન્દ્ર પાન્ડે માલભાડાના નામે આટલા મોટા વ્યવહાર કરતાં ઈડીના સંકજામાં ઘેરાયો હતો. 2 જાન્યુઆરીના રોજ મુંબઈ, થાણે અને વારાણસીમાં 11 સ્થળોએ ઈડીએ દરોડા પાડ્યા હતા. જેમાં વિદેશોમાં ગેરકાયદે રૂ. 10 હજાર કરોડ ટ્રાન્સફર થયા હોવાનો ખુલાસો થયો હતો. દરોડામમાં એજન્સીએ એક કરોડ રૂપિયા રોકડ અને જ્વેલરી પણ જપ્ત કરી હતી. આ સિવાય અમુક દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. જેમાં મોટાપાયે અચલ સંપત્તિ મળી આવી હતી. થાણે પોલીસે જિતેન્દ્ર પાન્ડે ઉપરાંત અન્ય લોકો સામે એફઆઇઆર ફાઇલ કરી હતી. જેના આધારે હાલ તપાસ જારી છે.
આ પણ વાંચોઃ 90 કલાક કામ કરવાની સલાહ આપનારા L&T ચેરમેન થયા ટ્રોલ, કંપનીએ કર્યો લૂલો બચાવ
શેલ કંપનીઓનું નેટવર્ક બનાવ્યું
જિતેન્દ્ર પાન્ડેએ અમુક લોકો સાથે કુલ 110થી વધુ શેલ કંપનીઓ બનાવી એક નેટવર્ક ઊભું કર્યું હતું. તેણે આ નકલી કંપનીઓના નામે 269 બૅન્ક ખાતા ખોલાવ્યા બાદ આ કૌભાંડને અંજામ આપ્યો હતો. પોલીસે જિતેન્દ્ર પાન્ડે સહિત અન્ય લોકોની ધરપકડ પણ કરી છે. ઈડીએ જણાવ્યું કે, અત્યારસુધી થયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે, વિદેશોમાં માલ-સામાનની આયાત અને નિકાસના નામે આ કૌભાંડ થયું હતું. આટલી મોટી રકમ કોની છે અને ક્યાંથી ભેગી કરી હતી, તેની હાલ કોઈ જાણ થઈ નથી. જિતેન્દ્ર પાન્ડે અને તેના સાથીઓને અમુક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ મદદ કરી રહ્યા હોવાની જાણ થઈ છે. આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે.