મહારાષ્ટ્રમાં મહાયુતિ જ નહીં વિપક્ષમાં પણ જબરી ખેંચતાણ! આ એક 'પદ' માટે ઉદ્ધવ સેના અને કોંગ્રેસ સામસામે
Maharashtra Maha Vikas Aghadi Dispute: વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો બાદ હવે મહાવિકાસ અઘાડીમાં નેતા પ્રતિપક્ષને લઈને હોબાળો થઈ રહ્યો છે. કોઈ વિપક્ષી પાર્ટી પાસે 29 સભ્યોનો આંકડો નથી, જે નેતા પ્રતિપક્ષના પદ માટે જરૂરી છે. તેમ છતાં ઉદ્ધવ સેનાએ વિધાનસભા ઉપાધ્યક્ષ અને નેતા પ્રતિપક્ષની માગ કરી છે. મળતી માહિતી મુજબ, નેતા પ્રતિપક્ષની રેસમાં કોંગ્રેસ પણ સામેલ છે. કોંગ્રેસ નેતા નાના પટોલેએ કહ્યું કે, નેતા પ્રતિપક્ષ માટે મહાવિકાસ અઘાડીમાં ચર્ચા થશે, બાદમાં તેના પર નિર્ણય લેવામાં આવશે. વિપક્ષી ગઠબંધનને નેતા પ્રતિપક્ષનો દરજ્જો મળશે કે નહીં, તેનો નિર્ણય વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને કરવાનો છે.
વિધાનસભા અધ્યક્ષ કરશે અંતિમ નિર્ણય
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીની કારમી હાર થઈ છે. શિવસેના (યુબીટી), કોંગ્રેસ અને શરદ પવારની એનસીપીએ મળીને ફક્ત 46 બેઠકો પર જીત મેળવી છે. શિવસેનાએ સૌથી વધુ 20 વિધાનસભા બેઠક હાંસલ કરી છે. કોંગ્રેસનો આંકડો 16 અને એનસીપી-એસપી 10 બેઠકો પર અટકી ગઈ હતી. 288 સભ્યોવાળી વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ માટે ઓછામાં ઓછી 29 બેઠક જરૂરી છે. નિયમાનુસાર, જો વિધાનસભા અધ્યક્ષ પોતાના વિવેકથી લેવામાં આવેલા નિર્ણયના આધારે દાવો કરનાર વિપક્ષી પાર્ટીને આ દરજ્જો આપી શકે છે. બીજો મહત્ત્વપૂર્ણ દાવો વિધાનસભા ઉપાધ્યક્ષના પદનો છે, જે પરંપરા અનુસાર વિપક્ષી પાર્ટીને આપવામાં આવશે. જો મહાયુતિની સરકાર તેના પર રાજી નહીં થાય તો વોટિંગથી નિર્ણય લેવામાં આવશે. વિધાનસભામાં મહાયુતિને 230 સભ્યોનું સમર્થન મળ્યું છે.
કોંગ્રેસના નાના પટોલે પણ નેતા પ્રતિપક્ષની રેસમાં
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ઉપાધ્યક્ષ અને નેતા પ્રતિપક્ષ પદ માટે દાવો કર્યો હતો, જોકે કોંગ્રેસની નજર પણ આ પદ પર છે. કોંગ્રેસ તરફથી વિજય વડેટ્ટીવાર અને નાના પટોલે પહેલાં પણ આ પદ સંભાળી ચુક્યા છે. શિવસેના (યુબીટી)એ ભાસ્કર જાધવને વિધાનમંડળના નેતા પસંદ કર્યા છે અને સુનીલ પ્રભુને ચીફ વ્હીપ બનાવવામાં આવ્યા. નાના પટોલેએ કહ્યું કે, જો વિપક્ષના નેતાનો દરજ્જો આપતા પહેલાં એમવીએ તેના પર ચર્ચા કરશે.