‘ભાજપે ચંદ્રાબાબુને હેરાન કર્યા, તેઓ NDA છોડી શકે છે’, પરિણામો બાદ ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવો
Maharashtra Lok Sabha Elections Results 2024 : દેશની 543 લોકસભા બેઠકોમાંથી NDA 290થી વધુ બેઠકો પર અને ઈન્ડિ ગઠબંધન 230થી વધુ પર આગળ ચાલી રહી છે, ત્યારે શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે ભાજપના સાથી પક્ષ NDAએ અંગે મોટું નિવેદન આપી કહ્યું છે કે, ભાજપે ચંદ્રાબાબુને હેરાન કર્યા છે, તેઓ NDA છોડી શકે છે. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે, આપણે સરકાર બનાવવાનો દાવો કરવો જોઈએ.
ભાજપે ચંદ્રાબાબુ નાયડુને હેરાન કર્યા : ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આપણે સરકાર બનાવવાનો દાવો કરવો જોઈએ. હું કાલે સાંજે દિલ્હી જઈશ. ચોક્કસ આંકડા આવવાના બાકી છે. પરંતુ ભાજપના સાથી પક્ષો પણ ડરના કારણે તેમની સાથે છે. મને લાગે છે કે તેઓ (નાયડુ સહિત અન્ય ગઠબંધન સાથે) ગઠબંધનમાંથી બહાર આવશે. ભાજપે ચંદ્રાબાબુ નાયડુને પરેશાન કર્યા હતા.
વડાપ્રધાન મોદી જ્યાં ગયા ત્યાં ચૂંટણી હારી ગયા : ઠાકરે
તેમણે કહ્યું કે, સામાન્ય લોકોએ પોતાની તાકાત બતાવી દીધી છે. એક આંગળીમાં કેટલી શક્તિ છે, તે બતાવી દીધું છે. તેમણે કહ્યું કે, તેઓ ઈન્ડિ ગઠબંધનની બેઠક માટે બુધવારે (પાંચ જૂન) બપોરે દિલ્હી જશે. તેમણે કહ્યું કે, દિલ્હીની બેઠક પીએમ પદના ચહેરા માટે યોજાશે. પીએમ નરેન્દ્ર મોદી જ્યાં ગયા ત્યાં ચૂંટણી હારી ગયા. એટલે જ હું કહું છું કે તેમણે દરેક જગ્યાએ જવું જોઈતું હતું. તો અમે દરેક જીતી ગયા હતો. હું તે તમામ લોકોનો આભાર માનું છું જેમણે અમારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો.
મહારાષ્ટ્રનાં વલણોમાં ઈન્ડિયા ગઠબંધન આગળ
મહારાષ્ટ્રની 48 બેઠકો પરના વલણોની વાત કરીએ તો કોંગ્રેસ 13 બેઠકો પર, શિવસેના યુબીટી 9 બેઠકો પર અને શરદ પવારની પાર્ટી એનસીપી સાત બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 10 બેઠકો પર, શિંદેની શિવસેના 7, અજિત પવારની એનસીપી 1 બેઠક આગળ છે. આમ રાજ્યમાં ઈન્ડિ ગઠબંધન 29 બેઠકો પર જ્યારે એનડીએ 18 બેઠકો પર આગળ છે.
2019ની લોકસભા ચૂંટણીનું ચિત્ર
રાજ્યમાં ગત લોકસભા ચૂંટણીની વાત કરીએ તો, ભાજપે રાજ્યની 48 લોકસભા બેઠકો 25 બેઠકો પર ઉતારેલા ઉમેદવારોમાંથી 23 ઉમેદવારોનો વિજય થયો હતો, જ્યારે શિવસેનાએ રાજ્યના 23 ઉમેદવારોમાંથી 18, એનસીપીના 19માંથી ચાર, કોંગ્રેસના 25માંથી એક ઉમેદવારનો વિજય થયો હતો. જ્યારે AIMIMએ એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો હતો અને તેનો વિજય થયો હતો. જ્યારે એક બેઠક અપક્ષને ફાળે પણ ગઈ હતી.