Get The App

મતદાન પૂર્ણ : મહારાષ્ટ્રમાં 58 ટકા અને ઝારખંડમાં 68 ટકા સરેરાશ વોટિંગ

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
Maharashtra - Jharkhand Assembly Election 2024 Voting


Maharashtra - Jharkhand Assembly Election 2024 Voting : મહારાષ્ટ્રમાં આજે (20 નવેમ્બર, 2024) વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આજે સવારે 7 વાગ્યાથી બંને રાજ્યોના મતદાન મથકો પર મતદાન થયું હતું. મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસનું ભાવિ EVMમાં કેદ થયું છે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો પર અને ઝારખંડમાં 38 બેઠકો (બીજો તબક્કો) પર મતદાન થયું. આ સિવાય ચાર રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ. આ ચૂંટણીઓનું પરિણામ 23મીએ જાહેર કરાશે. ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો છે, જ્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે જંગ છે.

મતદાનના સરેરાશ આંકડા

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે થયેલા સરેરાશ મતદાનના આંકડા સામે આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં 58.43 ટકા અને ઝારખંડમાં (બીજો તબક્કો) 67.76 ટકા મતદાન થયું છે.

મતદાન પૂર્ણ : મહારાષ્ટ્રમાં 58 ટકા અને ઝારખંડમાં 68 ટકા સરેરાશ વોટિંગ 2 - image

શાહરૂખ ખાન પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યો

સલમાન ખાન બાદ હવે એક્ટર શાહરૂખ ખાન પણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન બુથ પર પહોંચ્યો હતો. શાહરૂખ ખાને તેમના પત્ની ગૌરી ખાન, દીકરી સુહાના ખાન અને દીકરા આર્યન ખાન સાથે મતદાન કર્યું હતું.


ઉત્તરપ્રદેશમાં તમામ 9 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ

ઉત્તરપ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે. કરહલ, કુંદરકી, સીસામઉ, કટેહરી, ગાઝિયાબાદ, ખૈર, મઝવાં, મીરાપુર, ફૂલપુર આ નવ બેઠકો પર મતદાન થયું છે.


હાઈ સિક્યોરિટી સાથે વોટિંગ કરવા પહોંચ્યા સલમાન ખાન

બોલીવૂડ એક્ટર સલમાન ખાનનો પરિવાર મતદાન કરી ચૂક્યો છે. હવે સલમાન ખાન મુંબઈના માઉન્ટ મેરી સ્કૂલ પોલિંગ બૂથ પર મત આપવા માટે પહોંચ્યા છે.

સલમાન ખાન હાઈ સિક્યોરિટી વચ્ચે મતદાન આપવા પહોંચ્યા હતા. જણાવી દઈએ કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા સતત તેમને ધમકીઓ મળી રહી છે, જેના કારણે તેમની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે.

સેફ-કરીનાએ પણ આપ્યો મત

સેફ અલી ખાન અને કરીના કપૂરે મતદાન કર્યું. પાવર કપલ વ્હાઇટ આઉટફિટમાં ટ્વિનિંગ કરતું જોવા મળ્યું. એક્ટ્રેસ વ્હાઇટ કૂર્તા-બ્લૂ જિન્સમાં નજરે પડી. જ્યારે સેફ વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળ્યો. કરીનાની બહેન કરિશ્મા પણ મતદાન મથકે પહોંચી હતી.


યુપીમાં ચૂંટણી પંચની કડક કાર્યવાહી 

યુપીમાં પેટાચૂંટણીમાં ભારે હોબાળો, પથ્થરમારો અને લાઠીચાર્જના કારણે ચૂંટણી પંચ એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી પંચે યુપીમાં તૈનાત તમામ અધિકારીઓને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા કડક આદેશ આપ્યા છે. આટલું જ નહીં ચૂંટણી પંચે કહ્યું છે કે ક્યાંય પણ ગરબડ લાગે તો સોશિયલ મીડિયામાં ફરિયાદ કરવામાં આવે. 

ચૂંટણી પંચે યુપીના અધિકારીઓને આદેશ આપ્યા છે કે કોઈ પણ વ્યક્તિને મત આપવાથી રોકવામાં ન આવે. પક્ષપાત કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કાનપુરમાં પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

સત્ય સામે આવશે: ઠાકરે 

બિટકોઇન કાંડ મામલે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે, કે 'ભાજપ ગમે તેટલું જુઠ્ઠાણું ફેલાવે. સત્ય તો સામે આવીને જ રહેશે. લોકો મોટી સંખ્યામાં મતદાન કરે.' 

વિનોદ તાવડેને ફસાવાઈ રહ્યા છે: ફડણવીસ 

વિનોદ તાવડે પર કેશ આપીને વોટ ખરીદવાના આરોપ લાગી રહ્યા છે. એવામાં ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે તેમનો બચાવ કરતાં કહ્યું છે, કે ઈકો સિસ્ટમનો ખોટો ઉપયોગ કરીને વિનોદ તાવડેને ફસાવવામાં આવી રહ્યા છે. 

હું તો ખેડૂત છું: નાના પટોલે 

બિટકોઇન મામલે ભાજપે લગાવેલા ગંભીર આરોપ પર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ જવાબ આપ્યો છે. નાનાએ કહ્યું છે, 'ઓડિયોમાં મારો અવાજ નથી. હું તો ખેડૂત છું. બિટકોઇન એટલે શું એ મને સમજાતું નથી. અમે ભાજપ નેતાઓ પર બદનક્ષીનો કેસ કરીશું.' 

મહારાષ્ટ્રના CM અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કર્યું વોટિંગ 

મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ થાણેમાં મતદાન કર્યું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ મતદાન બાદ કહ્યું હતું, કે 'મહારાષ્ટ્રમાં પણ મહા વિકાસ આઘાડીની જ સરકાર બનશે. કોંગ્રેસને સૌથી વધુ મત મળવાના છે.'





યુપીમાં પેટાચૂંટણી: મુઝફ્ફરનગરમાં મતદાનની વચ્ચે હોબાળા બાદ પથ્થરમારો, પોલીસે કર્યો લાઠીચાર્જ 

યુપીની મીરાપુર તથા કુંદરકી વિધાનસભા બેઠક પર થઈ રહેલી પેટાચૂંટણીમાં પોલીસ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. આરોપ છે કે પોલીસ લોકોને મત આપવાથી રોકી રહી છે અને મતદાન કેન્દ્રથી ધક્કા મારીને કાઢવામાં આવી રહ્યા છે. જે બાદ ટોળેટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. 

મહારાષ્ટ્રમાં અત્યંત નીરસ મતદાન 

મહારાષ્ટ્રના નેતાઓ તથા ફિલ્મી સિતારાઓની અપીલ બાદ પણ ખૂબ ઓછું મતદાન થઈ રહ્યું છે. સવારના નવ વાગ્યા સુધીમાં માત્ર 6.03% મતદાન થયું છે. બીજી તરફ ઝારખંડમાં સરેરાશ 12.71 ટકા મતદાન થયું છે. 

રાહુલ ગાંધીની અપીલ 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે, કે 'તમારા હિતોની રક્ષા કરવા તથા ભવિષ્ય માટે મોટી સંખ્યામાં મતદાન કરો. તમારો મત જળ, જમીન, અને જંગલની રક્ષા કરશે.'



ભારત રત્ન સચિન તેંડુલકરે કર્યું મતદાન 

ભારતના પૂર્વ સ્ટાર ક્રિકેટર તથા ભારત રત્ન સચિન તેંડુલકરે પરિવાર સાથે મુંબઈમાં મતદાન કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયામાં તસવીર પણ શેર કરી છે. સચિને લોકોને અપીલ કરતાં કહ્યું છે, કે 'તમે પણ વોટ કરો, કારણ કે દરેક વોટ કિંમતી હોય છે.'



બિટકોઇન મામલે સુપ્રિયા સુલેની સ્પષ્ટતા 

NCP SP નેતા સુપ્રિયા સુલેએ આજે પરિવાર સાથે મતદાન કર્યું હતું. ભાજપ દ્વારા સુપ્રિયાની એક ઓડિયો વાઇરલ કરવામાં આવી રહી છે.  જેમાં પૈસાની હેરાફેરીનો આરોપ છે. એવામાં સુપ્રિયાએ કહ્યું છે કે મેં તો સાઇબર ક્રાઇમમાં આ મામલે ફરિયાદ આપી છે. આટલું જ નહીં ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદી સામે નોટિસ પણ આપી છે. 

મારા નામ સામે કાળું નિશાન કરાયું: રોહિત પવાર 

શરદ પવારના પૌત્ર રોહિત પવારનો આરોપ છે કે EVMમાં મારા નામ સામે કાળું નિશાન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ આ નિશાનને તાત્કાલિક હટાવે. 

ફિલ્મી સિતારાઓ કરી રહ્યા છે મતદાન 

અભિનેતા અક્ષય કુમાર, રાજ કુમાર રાવ, કબીર ખાન, સોનુ સૂદ, જોન અબ્રાહમ અને રિતેશ દેશમુખ વહેલી સવારે જ મતદાન કર્યું હતું. 










સલમાન અને શાહરુખ આવે તે પહેલા સુરક્ષા વધારવામાં આવી 

સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરુખ જે બૂથ પર મતદાન કરવાના છે ત્યાં પહેલેથી જ સુરક્ષા વધારવામાં આવી છે. સલમાન ખાનને હાલમાં જ ઘણી બધી ધમકીઓ પણ મળી હતી. જેના કારણે પોલીસ હાઇ ઍલર્ટ છે. 

નાગપુરમાં સંઘ પ્રમુખે કર્યું મતદાન 

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે ભાઉસાહેબ સ્કૂલમાં મતદાન કર્યું. તેમણે લોકોને મતદાનની અપીલ કરતાં કહ્યું હતું, કે 'લોકતંત્રમાં મતદાન દરેક નાગરિકની ફરજ છે. હું ઉત્તરાખંડમાં હતો, કાર્યક્રમ ટૂંકાવીને મતદાન કરવા આવ્યો છું. 

PM મોદીએ લોકોને કરી અપીલ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને ઝારખંડ અને મહારાષ્ટ્રના લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું, કે તમારો એક એક મત રાજ્યની તાકાત છે. ઉત્સાહ સાથે લોકતંત્રના ઉત્સવની રોનક વધારો. 



મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડમાં 38 બેઠકો પર ચૂંટણી

મહારાષ્ટ્રમાં અલગ-અલગ મોરચા પર અલગ અલગ લડાઈઓ છે. બંને પવાર અને શિંદે-ઠાકરે પોતાની પાર્ટીઓ વચ્ચે જબરદસ્ત લડાઈ શરૂ છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર 2019માં યોજાઈ હતી. જ્યારે ઝારખંડની વાત કરીએ તો રાજ્યની તમામ 81 બેઠકો છે, જેમાં બીજા તબક્કામાં બાકીની 38 બેઠકો પર મતદાન યોજાયું. જેમાં 528 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થયું. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2019માં યોજાઈ હતી.

કોના કેટલા ઉમેદવારો મેદાનમાં?

ભાજપ 149 બેઠકો પર, શિવસેના 81 બેઠકો પર અને અજિત પવારની આગેવાની હેઠળની NCPએ 59 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસે 101, શિવસેના (UBT) 95 અને NCP (SP) 86 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. 50થી વધુ સીટો પર બંને શિવસેનાના ઉમેદવારો એકબીજાની સામે છે, જ્યારે 37 સીટો પર બંને પવારે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

કાકા અને ભત્રીજા વચ્ચે રસપ્રદ લડાઈ

પશ્ચિમ મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજાની લડાઈ રસપ્રદ છે, એક સમૃદ્ધ વિસ્તાર છે જ્યાં પવાર કુળના મૂળ છે. રાજ્યના ચાર વખત પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે 'દેશદ્રોહીઓને હરાવવા' અપીલ કરી છે. તે સ્પષ્ટ છે કે તેઓ તેમના ભત્રીજા અજિત પવાર અને તેમના ઉમેદવારો તરફ ઈશારો કરી રહ્યા છે. તેના બદલામાં ભત્રીજા અજિત પવારે તેમની વિરુદ્ધ તીક્ષ્ણ શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે. લોકસભા ચૂંટણીમાં NCP (SP) એ NCPની એક બેઠક સામે આઠ બેઠકો જીતી હતી. જ્યારે શિવસેના (UBT) નવ બેઠકો પર જીતી હતી જ્યારે શિવસેના સાત પર જીતી હતી.

શરદ પવાર લોકસભાના પ્રદર્શનની જેમ વિધાનસભામાં આશા રાખીને બેઠા

શરદ પવાર આવતા મહિને 84 વર્ષના થશે. તેમણે લોકસભા ચૂંટણીમાં પોતાના ભત્રીજાને જોરદાર ફટકો આપ્યો હતો. તેઓ વિધાનસભાની ચૂંટણીમાં પણ આનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે અજિત પવાર પુનરાગમન માટે આશાવાદી છે. શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) વિપક્ષી મહા વિકાસ અઘાડીનો ભાગ છે, જેમાં કોંગ્રેસ ત્રીજો મહત્વનો ખેલાડી છે. એનસીપી અને શિવસેના ભાજપની આગેવાની હેઠળની સત્તાધારી મહાયુતિ સાથે ગઠબંધનમાં છે.

ઝારખંડમાં 500થી વધુ ઉમેદવારો મેદાનમાં છે

ઝારખંડમાં આજે વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો છે. આ તબક્કો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, તેમની પત્ની કલ્પના સોરેન અને વિરોધ પક્ષના નેતા અમર કુમાર બઉરી (ભાજપ) ઉપરાંત અન્ય 500 થી વધુ ઉમેદવારોના ચૂંટણી ભાવિનો નિર્ણય કરશે. 14,218 મતદાન મથકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન યોજાયું. જેમાં 31 બૂથ સિવાય સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલ્યું. 31 બૂથ પર મતદાન સાંજે 4 વાગ્યે સમાપ્ત થયું. જણાવી દઈએ કે, ઝારખંડમાં કુલ 2.6 કરોડ મતદારો છે. 

ચૂંટણી પ્રચાર દરમિયાન, એનડીએએ બાંગ્લાદેશથી કથિત ઘૂસણખોરી અને જામીન પર બહાર છે તેવા મુખ્યમંત્રી સહિતના નેતાઓના ભ્રષ્ટાચારને લઈને જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધન પર પ્રહારો કર્યા હતા. ભાજપની આગેવાની હેઠળના ગઠબંધને હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો.


Google NewsGoogle News