મરાઠા અનામત આંદોલનમાં લાઠીચાર્જ બાદ ભડકી હિંસા, બસો ફૂંકી મારી, 42 પોલીસ કર્મી ઈજાગ્રસ્ત
મનોજ જરાંગેના નેતૃત્વમાં પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કરતાં આંદોલનમાં હિંસા ફાટી નીકળી
મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં મરાઠા અનામત માટે ગઈકાલે આંદોલન હિંસક બન્યું હતું, જેમાં 42 પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ બે બસોને આગ ચાંપી દીધી હતી અને અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. મરાઠા સમુદાય માટે આરક્ષણની માગ કરી રહેલા મનોજ જરાંગેના નેતૃત્વમાં પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કરતાં આંદોલનમાં હિંસા ફાટી નીકળી હતી.
મરાઠા આરક્ષણ આંદોલન શા માટે થયું?
મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે આરક્ષણની માંગ લાંબા સમયથી ચાલી રહી હતી, જેના કારણે મહારાષ્ટ્ર સરકારે 30 નવેમ્બર 2018 ના રોજ રાજ્ય વિધાનસભામાં મરાઠા આરક્ષણ બિલ પસાર કર્યું હતું. આ અંતર્ગત રાજ્યની સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠાઓને 16 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ મરાઠા આરક્ષણની આગને બળ ત્યારે મળ્યું જયારે 2021 સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કર્યું.
સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન
બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. અરજદારોએ દલીલ કરી હતી કે મરાઠા આરક્ષણનો અમલ 50 ટકા આરક્ષણની મર્યાદાને ઓળંગે છે, જે ઈન્દિરા સાહની કેસ અને મંડલ કમિશન કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે. 5 મે, 2021ના રોજ, સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠા સમુદાય માટે અનામતને ગેરબંધારણીય ગણાવીને રદ કર્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેનો અમલ 50 ટકાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 50 ટકાની મર્યાદા પર પુનર્વિચાર કરવાની જરૂર નથી.
મહારાષ્ટ્રમાં અનામતની વર્તમાન સ્થિતિ
અનુસૂચિત જાતિ | 15 ટકા |
અનુસૂચિત જનજાતિ | 7.5 ટકા |
અન્ય પછાત વર્ગો | 27 ટકા |
અન્ય | 2.5 ટકા |
કુલ | 52 ટકા |