મહારાષ્ટ્રમાં 22 મંત્રાલય ભાજપ પાસે, શિંદે-પવારના ભાગમાં કેટલા આવ્યા, CM પદનું કોકડું યથાવત્
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને મહત્ત્વની ખબર સામે આવી છે. પાંચ ડિસેમ્બરે મુખ્યમંત્રી સહિત મહારાષ્ટ્રના બે નાયબ મુખ્યમંત્રી શપથ લેશે. આ દરમિયાન સૂત્રો પાસેથી મહત્ત્વની માહિતી સામે આવી છે. જે મુજબ મહારાષ્ટ્રમાં ભાજપ 21થી 22 મંત્રાલયો પોતાની પાસે રાખશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રાલય ભાજપ પાસે જ હશે. આ સિવાય મહારાષ્ટ્ર સ્પીકર પદ પણ ભાજપને મળી શકે છે. જોકે, બાકી વિભાગો વિશે બાદમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ મહારાષ્ટ્રની નવી સરકારમાં એકનાથ શિંદેની શિવસેનાના 11થી 12 મંત્રીઓ હશે. જોકે, અજિત પવારની એનસીપી તરફથી સરકારમાં 10 મંત્રીઓ હશે. આ સિવાય એકનાથ શિંદેએ કેબિનેટમાં 16 મંત્રીઓની માગ કરી છે. એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રીના શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહ પાંચ ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં થશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વિશેષરૂપે પોતાની હાજરી આપશે.
આ પણ વાંચોઃ એકનાથ શિંદેએ હોસ્પિટલમાં કરાવ્યું ચેકઅપ, સંપૂર્ણ મેડિકલ તપાસ કરાવવા ડોક્ટરોનું સૂચન
કોને-કયું મંત્રાલય મળશે?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં ભાજપ ગૃહ અને મહેસૂલ વિભાગ પોતાની પાસે રાખી શકે છે. આ સાથે જ પાર્ટી સ્પીકર અને વિધાન પરિષદના ચેરમેનનું પદ પણ પોતાની પાસે રાખી શકે છે. એનસીપીને નાણાં અને શિંદેને શહેરી વિકાસ મંત્રાલય મળી શકે છે. આ સિવાય બાકીના મંત્રાલયો પર બાદમાં ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ અજિત પવારના જૂથને 'ચાંદી જ ચાંદી', ડે.સીએમની સાથે 11 નેતાઓને મંત્રી બનવાની શક્યતા
આ પહેલાં મુંબઈમાં મહાયુતિના ત્રણેય નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર બેઠક કરશે અને નવા મુખ્યમંત્રીથી લઈને મંત્રીમંડળના ફોર્મ્યુલા પર સંમતિ આપશે. જોકે, કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે હજુ પણ અસ્વસ્થ છે. જેના કારણે સતત બેઠકો ટળી રહી છે. શિંદે અમુક ટેસ્ટ કરાવવા માટે હૉસ્પિટલ જઈ રહ્યા છે. તેઓ તાવ અને કમજોરી જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે.