OBCમાં ક્રિમી લેયર વધારીને રૂ.15 લાખ કરાશે? આ રાજ્યની NDA સરકારે જ કેન્દ્ર સમક્ષ કરી માંગણી
Maharashtra Govt. Increase The Limit Of Non Creamy Layer : મહારાષ્ટ્ર કેબિનેટે ગુરુવારે કેન્દ્ર સરકાર પાસે નોન-ક્રિમી લેયરની શરત 8 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાની માગ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે રાજ્યમાં આગામી મહિને ચૂંટણી છે. પછાત વર્ગ કેટેગરીમાં અનામતનો લાભ મેળવવા માટે નોન-ક્રિમી લેયર પ્રમાણપત્ર જરૂરી હોય છે. જેના દ્વારા નક્કી કરવામાં આવે છે કે, વ્યક્તિની પારિવારિક આવક નિર્ધારિત મર્યાદા કરતા ઓછી છે. હાલમાં આ મર્યાદા 8 લાખ રૂપિયા છે. જ્યારે હવે મહારાષ્ટ્ર સરકાર આને વધારીને 15 લાખ કરવા ઈચ્છે છે.
વટહુકમને વિધાનસભાના આગામી સત્રમાં રજૂ કરાશે
મુખ્યમંત્રી શિંદેના કાર્યાલયમાંથી જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્ર રાજ્ય અનુસૂચિત જાતિ આયોગને બંધારણીય દરજ્જો આપવા માટેના ડ્રાફ્ટ વટહુકમને પણ મંજૂરી આપવામાં આવી છે. આ વટહુકમને વિધાનસભાના આગામી સત્રમાં રજૂ કરાશે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કમિશન માટે 27 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.
આ પણ વાંચો : દિલ્હીના CM આતિશીએ કેમ ખાલી કરવો પડ્યો સરકારી બંગલો, AAP નેતાઓ ભડક્યા: જાણો સમગ્ર વિવાદ
આના સિવાય કેબિનેટના અન્ય નિર્ણયમાં, કેબિનેટે પત્રકારો અને અખબાર વિક્રેતાઓ માટે કલ્યાણ નિગમની સ્થાપનાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. હિંગોલી જિલ્લામાં બાલાસાહેબ ઠાકરે હળદર સંશોધન કેન્દ્ર માટે 709.27 કરોડ રૂપિયા વધારાના ભંડોળને મંજૂરી આપવામાં આવી હતી.
વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી કમિશનરે શું કહ્યું?
મહારાષ્ટ્રમાં આગામી મહિનામાં વિધાનસભા ચૂંટણી થવાની નક્કી છે, ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, અમે વિધાનસભાની મુદત પૂરી થાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયાને સમાપ્ત કરવાની તૈયારી કરી રહ્યા છીએ. અમે ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લઈશું. મહારાષ્ટ્રમાં બે ગઠબંધન વચ્ચે ચૂંટણી યોજાવાની છે.
સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં ભાજપ અને શિવસેના એકનાથ જૂથ અને NCP અજિત પવાર જૂથનો સમાવેશ થાય છે. જ્યારે મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં શિવસેના ઉદ્ધવ જૂથ, એનસીપી શરદ પવાર જૂથ અને કોંગ્રેસ સામેલ છે.