Get The App

ભાજપના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકાર પર દેવાનો બોજો, ઘણી કલ્યાણકારી યોજનાઓ બંધ કરવાનો વારો!

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
Maharashtra Government


Maharashtra Government May Shut Scheme:  હાલમાં જ બીજી વખત સત્તા પર આવેલી મહાયુતિની સરકાર મહારાષ્ટ્રમાં આર્થિક કટોકટીનો સામનો કરી રહી હોવાનો સંકેત મળ્યો છે. મહારાષ્ટ્રની સરકાર રાજ્યની નાણાકીય સમસ્યાઓ ઘટાડવા બે ટોચની યોજનાઓ શિવ ભોજન થાલી અને આનંદાચા શિધા બંધ કરવા વિચારણા કરી રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અધિકારીઓને બંને યોજનાની સમીક્ષા કરવા આદેશ આપ્યો છે. જેના પર અંતિમ નિર્ણય માર્ચમાં બજેટ સેશન દરમિયાન લેવામાં આવશે.

શિવ ભોજન થાલી સ્કીમ

મહારાષ્ટ્ર સરકારે 2020માં શરૂ કરેલી શિવ ભોજન થાલી સ્કીમનો ઉદ્દેશ ગરીબો અને જરૂરિયાતમંદોને સસ્તા દરે ભોજન ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના હેઠળ રૂ. 10માં બે રોટલી, શાક, દાળ-ભાતની થાળી આપે છે. શિવ ભોજન થાલી હેઠળ રાજ્યભરના 1,699 ભોજનાલયોમાં સસ્તા દરે ભોજન પીરસાય છે, જેમાં દરરોજ આશરે 1,80,000 થાળીનું વિતરણ કરવામાં આવે છે. રોજની 2 લાખ થાળી પીરસવાનો લક્ષ્યાંક છે. શિવ ભોજન થાલી હેઠળ રોજની બે લાખ થાળી પાછળ વાર્ષિક રૂ. 267 કરોડનો ખર્ચ થાય છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસે 'ફ્રીડમ ઓફ સ્પીચ'ને કચડી, બંધારણના ઘડવૈયાઓનો અનાદર કર્યો: રાજ્યસભામાં PM મોદી

આનંદાચા શિધા યોજનાઃ એક ફેસ્ટિવલ કિટ ડિસ્ટ્રિબ્યૂશન પ્રોગ્રામ

આનંદચા શિધા યોજના એ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ તહેવારો દરમિયાન કિટ વિતરણ કરતો કાર્યક્રમ છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દિવાળી, ગુડી પડવો અને ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ જેવા તહેવારો દરમિયાન પાત્ર લાભાર્થીઓને આવશ્યક ભોજન સામગ્રી પૂરી પાડવાનો છે. લાભાર્થીઓને 6 વસ્તુઓ સાથેની કીટ મળે છે, જેમાં 1 કિલો ખાંડ, 1 લીટર તેલ, 500 ગ્રામ રવો, 500 ગ્રામ ચણાની દાળ, 500 ગ્રામ મેંદો અને 500 ગ્રામ પૌંઆ સમાવિષ્ટ છે. લાભાર્થીઓને રૂ. 100ના રાહત દરે કિટ આપવામાં આવે છે. આનંદચા શિધા યોજનાનો વાર્ષિક ખર્ચ અંદાજે રૂ. 161 કરોડ (2022), રૂ. 159 કરોડ (2023) અને રૂ. 160 કરોડ (2024) છે.

યોજનામાં કાપનો વિરોધ

ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી છગન ભુજબળ અને NCP (SP)ના નેતા જીતેન્દ્ર આવ્હાડે આ બંને યોજનામાં સંભવિત કાપનો વિરોધ કર્યો છે. તેમણે દલીલ કરી હતી કે આ યોજનાઓ ગરીબો અને વંચિતોને જરૂરી સહાય પૂરી પાડે છે. છગન ભુજબળે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને માંગણી કરી છે કે રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે શરૂ કરાયેલી શિવ ભોજન થાલી યોજના ભવિષ્યમાં પણ પહેલાની જેમ ચાલુ રહે. જિતેન્દ્ર આવ્હાડે આ મહત્વપૂર્ણ યોજનાઓ પર કાપ અને અન્ય બિનજરૂરી યોજનાઓની જાહેરાતો પર કરોડો રૂપિયા ખર્ચવા બદલ પણ સરકારની ટીકા કરી હતી.

ભાજપના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકાર પર દેવાનો બોજો, ઘણી કલ્યાણકારી યોજનાઓ બંધ કરવાનો વારો! 2 - image


Google NewsGoogle News