શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવા પર શિંદે સરકારનું 'પ્રાયશ્ચિત', હવે 60 ફૂટની પ્રતિમા બનાવવા માટે ટેન્ડર જારી
Chhatrapati Shivaji Maharaj Statue: મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ તૂટી પડવા મુદ્દે રાજકીય હોબાળા બાદ હવે રાજ્ય સરકારે નવી પ્રતિમા બનાવવાનું ટેન્ડર જારી કરી દીધું છે. જાહેર બાંધકામ વિભાગના કાનકાવલી ડિવિઝને ટેન્ડર જારી કર્યું છે. બીજી તરફ રાજ્ય સરકારે પ્રતિમા બનાવવા માટે 20 કરોડ રૂપિયા ફાળવ્યા છે. તમને જણાવી દઈએ કે, છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડ્યા બાદ વડાપ્રધાન મોદીએ પણ માફી માગી હતી.
60 ફૂટની પ્રતિમા બનાવવામાં આવશે
કાનકાવલીમાં PWDના એક્ઝ્યુકેટિવ એન્જિનિયર અજય કુમારે જણાવ્યું કે, હવે અમે ખૂબ જ સાવધાન રહીશું. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની તર્જ પર નવી પ્રતિમા બનાવવામાં આવશે. અગાઉની પ્રતિમા 33 ફૂટની હતી. બીજી તરફ હવે 60 ફૂટની પ્રતિમા બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, જે પણ કંપનીને ટેન્ડર મળશે તેણે ઓછામાં ઓછા 100 વર્ષની ગેરેન્ટી આપવી પડશે. આ ઉપરાંત કંપનીએ 10 વર્ષ સુધી તેની દેખરેખ પણ કરવી પડશે. આ સાથે જ એ પણ શરત રાખવામાં આવી છે કે 6 મહિનામાં પ્રતિમાનું બાંધકામ થઈ જવું જોઈએ.
26 ઓગષ્ટના રોજ આ પ્રતિમા તૂટી પડી હતી
તમને જણાવી દઈએ કે, આ પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 ડિસેમ્બરના રોજ કર્યું હતું. બીજી તરફ 26 ઓગષ્ટના રોજ આ પ્રતિમા તૂટી પડી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે મૂર્તિ તૂટી પડવાની તપાસ માટે બે કમિટીની રચના કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ અજિત પવારે આ માટે જાહેરમાં માફી માગી હતી.
કેટલાક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, પહેલા અહીં 6 ફૂટની પ્રતિમા બનાવવાની જ મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને 33 ફૂટી ઊંચી બનાવી દેવામાં આવી. બીજી તરફ વિપક્ષે સરકારને આ મુદ્દે ખૂબ ઘેરી. વિપક્ષે એકનાથ શિંદેના રાજીનામાની માગ કરી હતી. આ મામલે પોલીસે સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર ચેતન પાટીલની ધરપકડ કરી હતી.
ડેપ્યુટી સીએમ અજિત પવારે પહેલા જ કહી દીધું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજ અમારા દેવતા છે અને ઈતિહાસને તેમના પર ગર્વ છે. આવી સ્થિતિમાં બજી વખત તેમનું સ્મારક બનાવવામાં આવશે અને દોષિતો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.