VIDEO: પોતે જ ખિસ્સામાં ડ્રગ્સ મૂકીને યુવકને ફસાવવા માંગતી હતી પોલીસ, CCTVમાં પકડાઈ કરતૂત
Maharashtra Police : મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેટલાક પોલીસકર્મીઓ વ્યક્તિને ફસાવવા માટે તેના ખિસ્સામાં ડ્રગ્સ રાખતા દરમિયાન પોલીસની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ હતી. આ પછી સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, પોલીસ દ્વારા એક વ્યક્તિને ડ્રગ્સના કેસમાં ફસાવવા માટે તેના ખિસ્સામાં ડ્રગ્સ રાખે છે. પોલીસની આ પ્રકારની કરતૂતની આખી ઘટના સીસીટીવીમાં કેદ થતા અંતે ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. ઘટનાને લઈને એક વરિષ્ઠ અધિકારીઓ કહ્યું કે, 'દરોડા દરમિયાન પોલીસકર્મીઓ એક વ્યક્તિના ખિસ્સામાં ડ્રગ્સ રાખતા સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે.'
ઘટના સીસીટીવીમાં કેદ થતા ડેનિયલને છોડી દીધો
મળતી માહિતી પ્રમાણે, ખાર પોલીસ સ્ટેશનની આતંકવાદ વિરોધી ટુકડી સાથે જોડાયેલા પોલીસકર્મીઓએ ગઈ કાલે (30 ઑગસ્ટે) સાંજે શહેરના કાલીના વિસ્તારમાં એક પ્લોટમાં દરોડો પાડ્યો હતો, ત્યારે પોલીસે ડેનિયલ નામના વ્યક્તિની અટકાયત કરી હતી. ડેનિયલે દાવો કર્યો હતો કે પોલીસકર્મીઓએ પહેલા તેને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) કેસમાં ફસાવવાની ધમકી આપી હતી, પરંતુ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા ડેનિયલને છોડી દીધો હતો.'
આ પણ વાંચો : સપ્ટેમ્બરમાં આફત બનીને વરસશે મેઘરાજા: ગુજરાત સહિત સાત રાજ્યોમાં ઍલર્ટ
ડેપ્યુટી પોલીસ કમિશનરે જણાવ્યું કે, 'સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં એક સબ ઈન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલ છે. ડ્રગ્સની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.'