મની લોન્ડરિંગ મામલે નવાબ મલિકને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, 17 મહિના બાદ મળ્યા જામીન
નવાબ મલિક કિડની અને અન્ય બિમારીઓના કારણે મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
અગાઉ બોમ્બે હાઈકોર્ટે જામીન અરજી નામંજુર કરતા તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા
નવી દિલ્હી, તા.11 ઓગસ્ટ-2023, શુક્રવાર
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકને રાહત આપી છે... કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં મલિકને મેડિકલ આધારે 2 મહિનાના જામીન પર છોડવાનો આદેશ આપ્યો છે. બીજીતરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ - EDએ પણ તેમને જામીન આપવા પર કોઈ વાંધો ઉઠાવ્યો નથી. નવાબ મલિકની ફેબ્રુઆરી-2022માં ધરપકડ થયા બાદ ત્યારથી તેઓ જેલમાં બંધ છે. તેઓ 17 મહિના બાદ જેલમાંથી બહાર આવશે.
અગાઉ બોમ્બે હાઈકોર્ટે જામીન અરજી રદ કરી હતી
અગાઉ બોમ્બે હાઈકોર્ટે 13 જુલાઈએ મલિકની જામીન અરજી રદ કરી હતી, જેને મલિકે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કેસની સુનાવણી કરનાર ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોસ અને એમ.ત્રિવેદીની ખંડપીઠે કહ્યું કે, મલિક કિડની અને અન્ય બિમારીના કારણે હોસ્પિટલમાં છે. અમે મેડિકલ શરતો પર કડકાઈથી આદેશ મંજુર કરી રહ્યા છે.
મલિકનું દાઉદ સાથે કથિત કનેક્શન
ઉલ્લેખનિય છે કે, ઈડીએ કથિત રીતે ભાગેડુ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીની ગતિવિધિતઓ સાથે જોડાયેલા કેસમાં મલિકની ફેબ્રુઆરી 2022માં ધરપકડ કરી હતી. એનસીપી નેતા ન્યાયીક કસ્ટડીમાં છે અને હાલ મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.