મહારાષ્ટ્રના પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી, હાર્ટમાં બ્લોકેજ થતા એન્જિયોપ્લાસ્ટી કરાઈ
Uddhav Thackeray Admitted To Hospital: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરેને હાર્ટની તકલીફ બાદ એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી. આજે (14મી ઓક્ટોબર) તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ બાદ તેની એન્જિયોગ્રાફી સર્જરી કરવામાં આવી હતી. હાલમાં ઉદ્ધવ ઠાકરે હોસ્પિટલમાં દાખલ છે અને ડોક્ટરોની ટીમ તેમની સંભાળ લઈ રહી છે.
2016માં ઉદ્ધવ ઠાકરેએ એન્જિયોગ્રાફી કરાવી હતી
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરેની અગાઉ વર્ષ 2012માં 16મી જુલાઈએ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. છાતીમાં દુ:ખાવાને કારણે તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને ત્રણ ધમનીઓમાં બ્લોકેજ દૂર કરવામાં આવ્યો. વર્ષ 2012માં એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદ, તેમને ફરી એકવાર હૃદયમાં દુ:ખાવાની ફરિયાદ કરી, જેના કારણે તેણે 2016માં લીલાવતી હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવી હતી.
ઉલ્લેખનીય છે કે, દશેરામાં રેલીને સંબોધિત કરતી વખતે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેએ એકબીજા પર જોરદાર નિશાન સાધ્યું હતું. એકનાથ શિંદેએ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં દશેરા રેલીને સંબોધિત કરતી વખતે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (ઉદ્ધવ જૂથ)ની સરખામણી અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી AIMIM સાથે કરી હતી, જ્યારે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શિવાજી પાર્કમાં સંબોધિત કરતા એકનાથ શિંદે પર પ્રહારો કર્યા હતા.