મહારાષ્ટ્રમાં 5 વાગ્યા પછી 76 લાખ વોટ ક્યાંથી આવ્યા? ચૂંટણીપંચ પાસે રાજ્યસભા સાંસદે માગ્યો ખુલાસો
Maharashtra Assembly Election Result: મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યા બાદ કોંગ્રેસે EVM સાથે છેડછાડ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. સાંજે 5 વાગ્યા પછી EVM સાથે છેડછાડ અને મતદાનની ટકાવારીમાં વધારો થવાના આરોપોને લઈને મહારાષ્ટ્રમાં હોબાળો થઈ રહ્યો છે. એવામાં હવે CPIMના રાજ્યસભાના સભ્ય જોન બ્રિટાસે મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારીમાં ચેડાં અંગે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. જેમાં મતદાનના આંકડામાં ચેડાં કરવાનો આરોપ લગાવ્યો છે.
મતદારોની સંખ્યામાં 7.83 ટકાનો વધારો
બ્રિટાસે જણાવ્યું હતું કે ડેટા દર્શાવે છે કે મહારાષ્ટ્રમાં સાંજે 5 વાગ્યે 58.22 ટકા મતદાન નોંધાયું હતું અને સાંજે 5 વાગ્યે લાઈનમાં ઉભેલા મતદારોનો સમાવેશ કર્યા પછી, 11:30 વાગ્યા સુધીમાં આ આંકડો વધીને 65.02 ટકા થયો હતો. મતગણતરી શરૂ થયાના કલાકો પહેલા, મતદાનની ટકાવારી 66.05 નોંધાઈ હતી, જે 7.83 ટકાનો વધારો દર્શાવે છે જે આશરે 76 લાખ વધારાના મતોની સમકક્ષ છે.
બ્રિટાસે ECI પાસેથી તાત્કાલિક સ્પષ્ટતાની માંગ કરી છે
ઝારખંડ ચૂંટણીના આંકડા દર્શાવે છે કે બે તબક્કામાં 1.79 અને 0.86 ટકાનો ખૂબ જ નાનો વધારો થયો છે. બ્રિટાસે કહ્યું કે મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા રાજ્યોમાં, જ્યાં ચૂંટણી પછી આંકડામાં વધારો થયો હતો, ત્યાં એનડીએની જીત થઈ, જ્યારે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી અને ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીમાં, જ્યાં આવો કોઈ વધારો થયો ન હતો, ત્યાં વિપક્ષોએ સારું પ્રદર્શન કર્યું. બ્રિટાસે આ સમગ્ર મામલે ચૂંટણી પંચ પાસેથી તાત્કાલિક સ્પષ્ટતાની માંગ કરી છે. જો કે, ચૂંટણી પંચે શનિવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં અપનાવવામાં આવેલી તમામ ચૂંટણી પ્રક્રિયાઓમાં પારદર્શિતા છે.
મહારાષ્ટ્રમાં EVM ફ્રિકવન્સી સાથે છેડછાડનો દાવો
આ પહેલા સૈયદ શુજા નામના વ્યક્તિએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં ઈવીએમની ફ્રીક્વન્સીમાં છેડછાડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીએ શુજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તેમણે કહ્યું કે સૈયદ શુજા દ્વારા કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો છે.
કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં શુજાએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેની ફ્રીક્વન્સી સાથે ચેડા કરીને EVMને હેક કરી શકે છે, ત્યારબાદ ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી હતી. પંચે કહ્યું છે કે EVM એક એવું મશીન છે જેને વાઈ-ફાઈ કે બ્લૂટૂથ સહિત કોઈપણ નેટવર્ક સાથે કનેક્ટ કરી શકાતું નથી. તેની સાથે કોઈપણ રીતે છેડછાડ કરી શકાય નહી.