મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા 'કાકા'ને ઝટકો, અજીત 'દાદા' પાસે જ રહેશે ઘડિયાળનું ચૂંટણી ચિહ્ન
Maharashtra Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. અજીત પવારને ઘડિયાળનું ચૂંટણી નિશાન ઉપયોગ ન કરવા દેવાની માગને સુપ્રીમ કોર્ટે નકારી દીધી છે. એનસીપી (શરદ પવાર)એ બીજી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં અજીત પવારને ચૂંટણી ચિહ્ન ઘડિયાળનો ઉપયોગ કરવા પર રોક લગાવવાની માગ કરી હતી.
અજીત પવારે આપવું પડશે સોગંદનામું
સુપ્રીમ કોર્ટે અજીત પવાર પાસે સોગંદનામું માંગી તેમાં ઘડિયાળના ચિહ્ન સાથે કોર્ટમાં વિચારાધીન ડિસ્ક્લેમર લગાવવાના આદેશનું પાલન કરવાની વાત લખવા કહ્યું. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું, 'અમે અજીત પવારને જવાબનો મોકો આપીશું. જેમાં તે સોગંદનામું આપે કે, ભવિષ્યમાં અમારા આદેશનું ઉલ્લંઘન નહીં થાય. આ સિવાય તેમાં લખે કે, ભૂતકાળમાં પણ અમે આવું નથી કર્યું. અજીત પવાર સોંગદનામું આપે કે, તે 19 માર્ચ અને 4 એપ્રિલના અમારા આદેશનું પાલન કરે છે.' આ મામલે આગળની સુનાવણી 6 નવેમ્બરે થશે.
શરદ પવારના વકીલનો આરોપ
ચૂંટણી પંચે અજીત પવારની એનસીપીને અસલી જાહેર કરી પાર્ટીના ચિહ્ન (ઘડિયાળ)નો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો હતો. કોર્ટમાં વિવાદ દરમિયાન શરદ પવારના વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું, 'માર્ચમાં કરવામાં આવેલી સુનાવણીમાં કોર્ટે ચૂંટણી પંચને અમારા માટે ચિહ્ન ફાળવવાનો આદેશ આપ્યો હતો. અજીત પવારે કહ્યું હતું કે, ઘડિયાળના ચિહ્ન સાથે લખશે કે, મામલો હજુ કોર્ટમાં વિચારાધીન છે. તેઓએ તેનું યોગ્ય રીતે પાલન નથી કર્યું. લોકો ઘડિયાળના ચિહ્નને શરદ પવારથી ઓળખે છે. અજીત પવારે કોર્ટના આદેશ અનુસાર ડિસ્ક્લેમર નથી લગાવ્યું. અમે કોર્ટને તસવીર આપી છે. હવે તેમને આની સજા મળવી જોઈએ.'
ડિસ્ક્લેમર ન લગાવવાનો આરોપ
આ વિષય પર અજીત પવારના વકીલ બલબીર સિંહે કહ્યું, 'આમને થોડી તો જવાબદારી બતાવવી જોઈએ. કોર્ટમાં ખોટી તસવીરો રજૂ કરવામાં આવી રહી છે. એક-બે મામલે ટેન્ટ હાઉસવાળા વ્યક્તિથી ભૂલ થઈ હોય શકે છે. તેના આધારે અમારા પર આરોપ ન લગાવી શકે. આ તસવીરો સીધી કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. અમે અચાનક તેનો જવાબ કેવી રીતે આપી શકીએ. અમને પહેલાં આ અરજીની કોપી મળવી જોઈતી હતી. શરદ પવારના જૂથે લોકસભા ચૂંટણી વખતે પણ આ જ વાતો કહી હતી. કોર્ટે ઘડિયાળનું ચિહ્ન અમારી પાસે જ રહેવા દીધું હતું, હવે આ અરજીને સાંભળવી જ ન જોઈએ.'