મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કરી મોટી માગ, ચૂંટણી પંચ લેશે નિર્ણય
Maharashtra Politics: કોંગ્રેસે શુક્રવારે (29 નવેમ્બર 2024) ચૂંટણી પંચને પત્ર લખીને હાલમાં જ યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાન અને ગણતરી પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે આ મુદ્દે વ્યક્તિગત સુનાવણીની માગ પણ કરી છે.
કોંગ્રેસ આરોપ લગાવ્યો છે કે, 'મતદાર યાદીઓથી મનમાની રીતે મતદારોને હટાવવામાં આવ્યા અને દરેક વિધાનસભા વિસ્તારમાં 10,000થી વધુ મતદારોને જોડવામાં આવ્યા. મહારાષ્ટ્રના મતદાર યાદી પર એક પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારીએ પણ સવાલ ઉઠાવ્યા છે.'
કોંગ્રેસે પોતાના લેટરમાં ઉલ્લેખ કર્યો છે કે, 'મનમાનીથી હટાવવા અને જોડવાની આ પ્રક્રિયાના કારણે જુલાઈ 2024થી નવેમ્બર 2024 વચ્ચે મહારાષ્ટ્રમાં મતદાર યાદીમાં લગભગ 47 લાખ નવા મતદાર સામેલ કરાયા.'
પાર્ટીએ દાવો કર્યો કે, 'જે 50 વિધાનસભા વિસ્તારોમાં સરેરાશ 50,000 નવા મતદારોને જોડવામાં આવ્યા, તેમાંથી 47 બેઠકો પર સત્તાધારી ગઠબંધન અને તેમના સહયોગીઓને જીત મળી.'
મતદાન ટકાવારીમાં અચાનક વધારા પર સવાલ
કોંગ્રેસે ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલા આંકડા પર પણ સવાલ ઉઠાવ્યા. પાર્ટીએ કહ્યું કે, '21 નવેમ્બર 2024ના રોજ સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે લગભગ 76 લાખ મત પડ્યા.'
EVM પર કોંગ્રેસે વાંધો દર્શાવ્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતા મતપત્રોના ઉપયોગની માગ કરી. તેમણે કહ્યું કે, 'અમારે ઈવીએમ નહીં, બેલેટ પેપર જોઈએ.'
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં નવા-જૂનીના એંધાણ? મહાયુતિની આજની બંને બેઠકો રદ
ઉલ્લેખનીય છે કે, હાલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપના નેતૃત્વવાળા મહાયુતિ ગઠબંધનને 288માંથી 230 બેઠકો પર જીત મળી. ભાજપે 132, શિવસેનાએ 57 અને NCPએ 41 બેઠકો જીતી. ત્યારે, મહાવિકાસ અઘાડી (MVA)ને કુલ 46 બેઠકો મળી, જેમાં કોંગ્રેસની ભાગીદારી માત્ર 16 બેઠકો પર રહી.