NDAને ભારે પડશે આ મુદ્દા, વિપક્ષ થયો મજબૂત, મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતદારો કેમ નારાજ?
Maharastra Election 2024 | મહારાષ્ટ્રમાં મુંબઈ હોય, માલેગાંવ હોય કે મરાઠવાડા, દરેક મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારમાં મુસ્લિમ મતદારોના ધ્રુવીકરણના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. ભાજપ-શિવસેના (શિંદે) સિવાય લગભગ દરેક પક્ષમાં મુસ્લિમ મતદારો સુધી પહોંચવા અને તેમના મત મેળવવા માટે હોડ મચી છે.
કયા કયા મુદ્દાઓ ચર્ચામાં
મરાઠા સમુદાયના નવા નેતા મનોજ જરાંગે પાટિલ પણ તેમાં પાછળ નથી. ધ્રુવીકરણ માટે રાજકીય પક્ષો દ્વારા મુસ્લિમોને ઉમેદવાર ન બનાવવા, મુસ્લિમો વિરુદ્ધ ભડકાઉ નિવેદનો આપવા અને વક્ફ સુધારા બિલ જેવા મુદ્દાઓ જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યા છે. એક મોટા મુસ્લિમ નેતા કહે છે કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કેન્દ્રમાં મુસ્લિમો વગરની સરકાર બનાવી છે. હવે તેઓ ભારતમાં ફક્ત મુસ્લિમ મુક્ત રાજનીતિ કરવા માંગે છે.
શું કહે છે કે મુસ્લિમ નેતા...
તેમણે મહાયુતિ (એનડીએ) અને મહાવિકાસ અઘાડી(I.N.D.I.A.)નો ઉલ્લેખ કરતા કહ્યું કે મહારાષ્ટ્રમાં છ મોટી પાર્ટીઓ છે. પરંતુ લોકસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષે મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા ન હતા. તેમ છતાં લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયે મોટાભાગે વિરોધ પક્ષ I.N.D.I.A.ને સમર્થન આપ્યું હતું. અમને હવે આશા છે કે મહાવિકાસ અઘાડી વિધાનસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારશે.
મુસ્લિમ ઉમેદવારોનો મુદ્દો ચર્ચામાં
શિવસેના (UBT) એ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી નથી, પરંતુ તેમના ઘણા ઉમેદવારો મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમને આશા છે કે લોકસભાની ચૂંટણીની જેમ આ વખતે પણ મુસ્લિમ મતદારો તેમની સાથે ઉભા રહેશે અને તેમને જીતાડશે. ત્યારે મોટા મુસ્લિમ નેતાનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીની જેમ આ વખતે પણ અમે ભાજપ કે મહાયુતિના ઉમેદવારો સામે વિજેતા મુસ્લિમ ઉમેદવારને જ મત આપવાની અપીલ કરી રહ્યા છીએ.
મુસ્લિમો માટે કયા મુદ્દા મોટા
મહારાષ્ટ્રના દિગ્ગજ મુસ્લિમ નેતાઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નફરતભર્યા ભાષણોમાં વધારો થયો છે. આવા ભાષણો રોકવા માટે ઈશનિંદા કાયદો ઘડવામાં આવે. આ દરમિયાન તેમણે વક્ફ બિલમાં સુધારા મામલે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ બિલ દ્વારા કેન્દ્ર સરકાર મુસ્લિમોની જમીન પચાવી પાડવા માગે છે. આ તમામ મુદ્દાઓ એનડીએને ભારે પડી જવાના છે. જેનો સીધો ફાયદો વિપક્ષને થવાનો છે.