મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા ત્રણ મોટી જાહેરાત: ગોપાલ શેટ્ટી-મનોજ જરાંગે રેસમાંથી હટ્યા, કોને થશે લાભ?
Maharashtra Elections: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા નામાંકન પાછું ખેંચવાનો આજે છેલો દિવસ છે. આ દરમિયાન બંને ગઠબંધને પોતાના બળવાખોર ઉમેદવારોને મનાવવાનો પ્રયાસ શરુ કરી દીધો છે. મહાયુતિ અને મહાવિકાસ આઘાડી (MVA) ખાસ કરીને એવા ઉમેદવારો પર ખાસ ભાર મૂકી રહી છે જેઓ જીત અને હારના સમીકરણને બદલી શકે છે.
અંધેરી ઇસ્ટ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારે નામ પાછુ ખેંચ્યું
આ દરમિયાન મહારાષ્ટ્રમાં ત્રણ મોટા ચહેરા આ ચૂંટણીમાંથી ખસી ગયા છે. આમાં પહેલું નામ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની પત્ની સ્વીકૃતિ શર્માનું છે. સ્વીકૃતિએ અંધેરી ઇસ્ટ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. તે શિવસેનાના ઉમેદવાર મુરજી પટેલ સામે ઉભી હતી. પરંતુ હવે સ્વીકૃતિએ પોતાનું નામાંકન પાછું ખેંચવાની જાહેરાત કરી છે.
બોરિવલી વિધાનસભા બેઠક પરથી પણ ઉમેદવારે નામ પાછુ ખેંચ્યું
આ જ લિસ્ટમાં બીજું નામ ગોપાલ શેટ્ટીનું છે. તેમણે બોરિવલી વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. પરંતુ હવે ભાજપ નેતા વિનોદ તાવડે સાથે વાતચીત બાત ગોપાલ શેટ્ટીએ પોતાનું નામાંકન પાછુ ખેંચવાની જાહેરાત કરી છે.
મરાઠા માટે અનામત માંગનાર ઉમેદવાર પણ રેસમાંથી બહાર
નામ પાછુ ખેંચવાની યાદીમાં ત્રીજું અને સૌથી મોટું નામ મનોજ જરાંગે પાટીલનું છે. મનોજે મરાઠા સમુદાય માટે આરક્ષણની માંગણી સાથે લાંબા સમય સુધી વિરોધ કર્યો.
મનોજ જરાંગેએ કહ્યું હતું કે, 'હું મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ ઉમેદવાર કે પક્ષનું સમર્થન નહિ કરું. હું મારા સમર્થકોને તેમના નામ પાછા ખેંચવા વિનંતી કરું છું.'
પત્રકારો સાથે વાત કરતા મનોજ જરાંગેએ જણાવ્યું હતું કે, 'ઘણી વિચાર-વિમર્શ બાદ મેં રાજ્યમાં કોઈ ઉમેદવાર ઊભા નહીં રાખવાનો નિર્ણય લીધો છે. મરાઠા સમાજ પોતે નક્કી કરશે કે કોને હરાવવા અને કોને ચૂંટવા. મારું કોઈ ઉમેદવાર કે રાજકીય પક્ષ સાથે કોઈ જોડાણ કે સમર્થન નથી.'