હેમંત કરકરેનો જીવ RSS સમર્પિત એક પોલીસવાળાની ગોળીથી ગયો હતો, કોંગ્રેસ નેતાના નિવેદનથી હંગામો
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી ટાણે મહારાષ્ટ્ર વિધાનસભામાં કોંગ્રેસના વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે (Vijay Wadettiwar) મુંબઈ હુમલા (Mumbai Attack 2008) કેસ મુદ્દે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ‘મુંબઈ હુમલા કેસમાં આઈપીએસ અધિકારી હેમંત કરકરેનું મૃત્યુ કસાબ કે આતંકવાદીઓની ગોળીથી નહોતું થયું, પરંતુ RSS સમર્પિત એક પોલીસવાળાની ગોળીથી તેમનું મૃત્યુ થયું હતું.’
કસાબ કે આતંકવાદીઓએ કરકરેને ગોળી નહોતી મારી
કોંગ્રેસ નેતાના આ નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ભારે હોબાળો મચ્યો છે. તેમણે દાવો કર્યો કે, ‘વર્ષ 2008માં થયેલા મુંબઈ હુમલા કેસમાં રાજ્યની ATSના પૂર્વ વડા આઈપીએસ હેમંત કરકરેને આતંકવાદીઓએ માર્યા ન હતા. તેમના પર અજમલ કસાબ (Ajmal Kasab) અથવા આતંકવાદીઓએ ગોળી ચલાવી ન હતી, પરંતુ આરએસએસ સમર્પિત એક પોલીસ અધિકારીના હથિયારમાંથી કરકરેને ગોળી વાગી હતી.’
મહારાષ્ટ્ર વિધાનસભામાં કોંગ્રેસના વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવાર |
મુંબઈ હુમલાના સરકારી વકીલ ઉજ્જવલ નિકમને ગદ્દાર કહ્યા
વિજય વડેટ્ટીવારે હેમંત કરકરેનો ઉલ્લેખ કરી મુંબઈ ઉત્તર-મધ્યના ભાજપ ઉમેદવાર અને કસાબ કેસમાં સરકારી વકીલ ઉજ્જવલ નિકમ (Ujjwal Nikam) પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘કસાબને બિરિયાની પીરસાતી હતી એવો મુદ્દો ઉઠાવીને ઉજ્જવલ નિકમે કોંગ્રેસને બદનામ કરી. બાદમાં તેમણે સ્વીકાર્યું પણ ખરું કે, આવી કોઈ વાત જ ન હતી. તેઓ કેવા વકીલ છે, તેઓ ગદ્દાર છે, તેમણે કોર્ટમાં જુબાની જ ન આપી કે, કરકરેનું મોત કસાબની બંદૂકથી થયું જ ન હતું. જો ભાજપ (BJP) કોર્ટમાં સત્ય છુપાવનારને આવા લોકોને ટિકિટ આપે છે, તો એવો સવાલ ઉઠે છે કે, ભાજપ આવા ગદ્દારોનું સમર્થન કેમ કરી રહી છે.’
આ મારા શબ્દો નહીં, મુશ્રીફના પુસ્તકમાં લખ્યું હતું : વડેટ્ટીવાર
કરકરે મુદ્દે વિવાદ વધતા કોંગ્રેસ નેતા વડેટ્ટીવારે પોતાના નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, ‘આ મારા શબ્દો નથી, મેં માત્ર પોલીસ અધિકારી એસ.એમ. મુશ્રીફ (સમશુદ્દીન મુશ્રીફ)ના પુસ્તકમાં લખેલું છે. મેં એ જ વાત કરી છે. આ પુસ્તકમાં તમામ માહિતી અપાઈ છે. જે ગોળીથી કરકરેનું મોત થયું, તે આતંકવાદીની ગોળી નહોતી. કરકરેની હત્યા આતંકવાદીઓની ગોળીથી થઈ નથી, તેવું એસ.એમ.મુશ્રીફના પુસ્તકમાં લખ્યું છે. ઉજ્જવલ નિકમ આ વાતને સામે કેમ લાવતા નથી. મુશ્રીફે પુસ્તકમાં લખ્યું છે કે, જે ગોળીથી હેમંત કરકરેની હત્યા થઈ, તે આતંકવાદીઓની નહોતી. અજમલ કસાબને ફાંસી આપવી મોટી વાત નથી. કોઈપણ સામાન્ય વકીલ અને બેલઆઉટ કરનારો વકીલ આ કામ કરી શકતો હતો.’
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડ |
વિજય વડેટ્ટીવારના નિવેદન પર ભાજપ ભડક્યું, આપ્યો જવાબ
વિજય વડેટ્ટીવારે કરકરે અંગે કરેલા નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ (Congress) પર પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહા સચિવ વિનોદ તાવડે (Vinod Tawde)એ કહ્યું કે, ‘કોંગ્રેસ પોતાની ખાસ વોટબેંકને ખુશ કરવા કોઈપણ હદે જઈ શકે છે. વિજય વડેટ્ટીવારે 26/11ના આતંકવાદીઓને ક્લિનચીટ આપી આ વાત સાબિત કરી દીધી છે. તેમના જણાવ્યા મુજબ શહીદ હેમંત કરકરેજી પર કસાબે ગોળી ચલાવી નહોતી. શું આતંકવાદીઓનું સમર્થન કરવા બદલ કોંગ્રેસને શરમ ન આવી? આજે દેશભરના લોકોને ખબર પડી ગઈ છે કે, કોંગ્રેસ અને શહેજાદાની જીત માટે કેમ પાકિસ્તાનમાં દુઆ માંગવામાં આવી રહી છે.’