ઠાકરે પરિવારમાંથી પહેલીવાર બે સભ્યો ચૂંટણી મેદાનમાં, જાણો શિવસેનાનો ઈતિહાસ
Shiv Sena History : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું 20મી નવેમ્બરે મતદાન યોજાય તે પહેલા તમામ મતદારો રાજ્યમાં રેલીઓ-સભાઓ ગજવી, જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી મતદારોને રિઝવવાના તમામ પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત રાજ્યના રાજકારણમાં બહોળો પ્રભાવ ધરાવતા અનેક પરિવારો પણ કિસ્મત અજમાવી રહ્યા છે, જેમાંથી એક છે ઠાકરે પરિવાર... આ પરિવારના ઈતિહાસની વાત કરીએ તો શિવસેનાની સ્થાપના કરનાર બાલાસાહેબ ઠાકરે અને તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે આજ સુધી ચૂંટણી લડ્યા નથી. જોકે હવે વર્ચસ્વની સાથે સ્થિતિ પણ બદલાઈ ગઈ છે, જેના કારણે શિવસેનાના 53 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મોટી ઘટના બની છે. આમ તો ઠાકરે પરિવારમાંથી કોઈપણ સભ્યો ચૂંટણી લડ્યા નથી, જોકે પાર્ટીના 53 વર્ષના ઈતિહાસમાં ઠાકરે પરિવાર તરફથી આદિત્ય ઠાકરેને 2019માં ચૂંટણી મેદાનમાં ઉતાર્યા બાદ 2024ની ચૂંટણીમાંથી પરિવારના બે સભ્યો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
બાલાસાહેબે 1966માં શિવસેનાની સ્થાપના કરી
મહારાષ્ટ્રના ઈતિહાસમાં સૌથી મોટું નામ ધરાવતા બાલાસાહેબ ઠાકરે વર્ષ 1960ના દાયકાથી રાજકારણમાં ઘણા સક્રિય થઈ ગયા હતા. તેમણે 19 જૂન 1966માં શિવસેનાની સ્થાપના કરી હતી. પત્રકાર અને વ્યંગ્ય કાર્ટૂનિસ્ટ બાલ ઠાકરેએ ‘મરાઠી અસ્મિતા’ના મુદ્દાઓને ધ્યાને રાખીને શિવસેનાની શરૂઆત કરી હતી. વાસ્તવમાં તેમણે પોતાના વિચારો રજૂ કરવા 1960માં મરાઠી સાપ્તાહિક રાજકીય સામયિક ‘માર્મિક’માં કટાક્ષભર્યા લેખો લખવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે ‘મહારાષ્ટ્ર મહારાષ્ટ્રીયનો માટે’નો નારો પણ આપ્યો હતો. ત્યારબાદ શિવસેના પાર્ટીએ 1968માં ગ્રેટર બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાનિક ચૂંટણીમાં 140માંથી 42 બેઠકો જીતી હતી. વ્યંગ, કટાક્ષ અને વિચારધારાના કારણે તેઓ મહારાષ્ટ્ર સહિત દેશભરમાં છવાઈ ગયા હતા.
આ પણ વાંચો : મારા પર ભાજપમાં સામેલ થવાનું દબાણ હતું: સંજય રાઉતના દાવાથી રાજકારણ ગરમાયું
બાલ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના દેશભરમાં તાકાત બનીને ઉભરી
ભારતમાં મજબૂત હિંદુ સમર્થકની નીતિ ધરાવતા બાલ ઠાકરેની વિચારધારા, ભાષણો, કટાક્ષો માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં દેશભરમાં ચર્ચાવા લાગ્યા, જેના કારણે શિવસેના મહારાષ્ટ્રમાં એક મજબૂત અને શક્તિશાળી પાર્ટી બનીને ઉભરી આવી. બાલ ઠાકરેની સૌથી મોટી વાત એ છે કે, તેમણે ક્યારેક કોઈ સત્તાવાર પદ સંભાળ્યું નથી તેમજ તેમણે ક્યારે ચૂંટણી પણ લડી નથી, તેમ છતાં તેમને મહારાષ્ટ્રના શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવતા હતા.
શિવસેનાએ 1995માં મહારાષ્ટ્રમાં પ્રથમવાર સરકાર બનાવી
1985માં શિવસેના પ્રથમવાર મુંબઈ મહાનગરપાલિકામાં સત્તામાં આવી હતી. 1989માં બાલાસાહેબ ઠાકરે, પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડેના નેતૃત્વમાં શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારબાદ 1995માં શિવસેના-ભાજપ ગઠબંધન સરકાર રાજ્યમાં અસ્તિત્વમાં આવી હતી. બંને પાર્ટીના ગઠબંધને વિધાનસભાની 288 બેઠકોમાંથી 138 બેઠકો જીતી હતી અને ગઠબંધનની સરકાર બનાવી હતી. તે વખતે શિવસેનાના નેતા મનોહર જોશીને મુખ્યમંત્રી બનાવાયા હતા. આ ઉપરાંત કેન્દ્રમાં 1999માં બનેલી વાજપેયી સરકારમાં મનોહર જોશીને લોકસભા અધ્યક્ષ બનાવાયા હતા.
આ પણ વાંચો : કલમ 370 મુદ્દે બબાલ! જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં સતત ત્રીજા દિવસે ધારાસભ્યોની ધમાચકડી
રાજ ઠાકરેએ અલગ થઈને અલગ પાર્ટી બનાવી
2004ની ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધન હારી જતા સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. પછી શિવસેનાના નેતા બાલ ઠાકરેના ઉત્તરાધિકારી કોણ બનશે, તેની અટકળો શરૂ થઈ ગઈ હતી. તે વખતે એવી ચર્ચાઓ હતી કે, તેમના ભત્રીજા રાજ ઠાકરેને તક મળશે. જો કે વિવાદો બાદ બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવને ઉત્તરાધિકારી બનવાયા અને 2003માં શિવસેનાના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ રાજ ઠાકરેએ પાર્ટી છોડી દીધી અને 9 માર્ચ 2006ના રોજ મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સ્થાપના કરી.
બાલાસાહેબ ઠાકરેનું 17 નવેમ્બર-2012ના રોજ નિધન થયું હતું. ઉદ્ધવ ઠારરેએ 2010માં પક્ષની વાર્ષિક દશેરા રેલી દરમિયાન પુત્ર આદિત્ય ઠાકરેને ‘યુવા સેના’ના વડા જાહેર કર્યા હતા. 2014ની ચૂંટણીમાં શિવસેના-ભાજપ ગઠબંધન તૂટ્યું, જોકે પછી બંને ફરી એક થયા અને ફરી ગઠબંધન અસ્તિત્વમાં આવ્યું અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી. જેમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા હતા.
ઠાકરે પરિવારના સભ્ય પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા
આમ શિવસેનાના 53 વર્ષના ઈતિહાસમાં ઠાકરે પરિવારમાંથી કોઈ ચૂંટણી લડ્યું નથી, તેમ છતાં તેમનો દબદબો ચાલતો હતો. જોકે પછી સમય અને સંજોગો બદલાયા, ઘણી રાજકીય ઉથલપાથલ ચાલતી રહેતી હતી, એક-એક બેઠકોનું મહત્તવ હતું, તેથી ઠાકરે પરિવારે પ્રથમવાર મોટો નિર્ણય લઈ ઘરના સભ્ય આદિત્યને 2019ની વિધાનસભા ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. આદિત્ય ચૂંટણી લડનારા ઠાકરે પરિવારના પ્રથમ સભ્ય બન્યા હતા. તેમણે શિવસેનાની ગઢ કહેવાતી મુંબઈની વર્લી બેઠક પર 70 હજાર મતોથી જીત મેળવી.
આ પણ વાંચો : ભાજપના દિગ્ગજ સાંસદ 'ફેક ન્યૂઝ' ફેલાવવાના આરોપમાં ફસાયા, પોલીસે એફઆઈઆર દાખલ કરી
શિવસેના-ભાજપમાં ઉભો થયો ડખો ને તૂટ્યું ગઠબંધન
2019ની ચૂંટણી બાદ શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદનો વિવાદ ઉભો થયો હતો, જેના કારણે ગઠબંધન તૂટી ગયું હતું. પછી રાજકીય સ્થિતિ બદલાયા ઉદ્ધવ ઠાકરેએ શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરી રાજ્યના મુખ્યમંત્રી બન્યા. આ ગઠબંધનને મહાવિકાસ અઘાડી નામ આપવામાં આવ્યું.
ઉદ્ધવના મુખ્યમંત્રી બનતાની સાથે જ શિવસેનામાં ઈતિહાસ રચાયો. તેઓ ઠાકરે પરિવારમાંથી મુખ્યમંત્રી બનનારા પ્રથમ સભ્ય બન્યા. આ પહેલા તેમણે ક્યારે ચૂંટણી લડી ન હતી. સીએમ બન્યા બાદ ઉદ્ધવએ છ મહિનાની અંદર મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી જીતી ગયા હતા. તેમના પુત્ર આદિત્યના મહાવિકાસ અઘાડી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવાયા હતા.
શિંદેએ બળવો કરી શિવસેનાનું બધુ જ છિનવી લીધું
શિવસેનામાં સૌથી મોટી ઉથલપાથલ 2022માં ઉભી થઈ. આ દરમિયાન શિવસેના નેતા અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદેએ અંદરના કેટલાક સાંસદોને સાથે રાખી ઉદ્ધવ નેતૃત્વ વિરુદ્ધ બળવો કર્યો, જેના કારણે માત્ર અઢી વર્ષમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ભાંગી. આ દરમિયાન ઉદ્ધવએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું. શિંદેએ ભાજપ સાથે ગઠબંધન કર્યું અને 30 જૂન-2022ના રોજ રાજ્યના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા. આમ શિવસેનાના બે ભાગલા પડી ગયા. એટલું જ નહીંત શિવસેનાનો અધિકાર અને ચૂંટણી ચિન્હ પણ શિંદે પાસે જતું રહ્યું. ત્યારબાદ બાલાસાહેબ ઠાકરેની રાજકીય વિરાસત પર દાવાનું યુદ્ધ પણ શરૂ થઈ ગયું.
આ વખતે ઠાકરે પરિવારમાંથી બે સભ્યો ચૂંટણી મેદાનમાં
વર્ષ 2024ની ચૂંટણીની વાત કરીએ તો ઠાકરે પરિવારના બે સભ્યો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય વર્લી બેઠક પરથી ફરી ચૂંટણી લડી રહ્યા છે. આદિત્ય શિવસેના યુબીટીના મુખ્ય નેતા અને યુવા સેનાના અધ્યક્ષ છે. આ વખતે તેમનો મુકાબલો પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભા સાંસદ મિલિંદ દેવડા સામે છે. બીજીતરફ ઠાકરે પરિવારના વધુ એક સભ્ય રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને માહિત બેઠક પરથી પ્રથમવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઉદ્ધવએ ભત્રિજા સામે દિગ્ગજ નેતા મહેશ સાવંતને ટિકિટ આપી છે. તો બીજીતરફ શિંદેની શિવેસના તરફથી વર્તમાન ધારાસભ્ય સદા સરવણકરને ઉમેદવાર બનાવાયા છે. આ જોતા માહિમ બેઠક પર મનસે, શિંદે સેના અને શિવસેના યુબીટી વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળવાનો છે.