મહારાષ્ટ્રમાં એનડીએમાં બેઠક વહેંચણી પર સહમતિ સધાઈ! જાણો ભાજપે શિંદે-અજિત પવારને શું આપ્યું?
Maharashtra Election: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, મહાયુતિ (ભાજપની આગેવાની હેઠળની એકનાથ શિંદે-અજિત પવારની એનસીપી)માં 260 બેઠક પર સહમતિ સધાઈ છે. 260 બેઠકોમાંથી ભાજપ 142 બેઠકો પર એકલા ચૂંટણી લડશે, જ્યારે શિંદે જૂથને 66 બેઠકો અને અજિત પવારને 52 બેઠક મળી શકે છે. હજુ સત્તાવાર રીતે આ અંગે જાહેરાત કરવામાં આવી નથી.
20મી નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. રાજ્યમાં 20મી નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. વિધાનસભાની 288 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જ્યારે 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં શરમજનક ઘટના! એક જ દિવસમાં બે સગીરાને પીંખી નખાઈ, એકની હત્યા કરાઈ
મહારાષ્ટ્રમાં 22મી ઓક્ટોબરે નોમિનેશન તારીખ
ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં નામાંકન ભરવાની તારીખ 22મી ઓક્ટોબર નક્કી કરી છે. છેલ્લી તારીખ 29મી ઓક્ટોબર રાખવામાં આવી છે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ ચોથી નવેમ્બર, મતદાનની તારીખ 20 નવેમ્બર અને પરિણામની તારીખ 23 નવેમ્બર છે. અત્યારે જો આપણે મહારાષ્ટ્ર વિધાનસભાની વાત કરીએ તો 288 વિધાનસભા સીટોમાંથી શાસક પક્ષ એટલે કે મહાયુતિ ગઠબંધન પાસે 218 સીટો છે.
મહાવિકાસ આઘાડીમાં 260 બેઠક પર સહમતિ
નોંધનીય છે કે, મહાવિકાસ આઘાડી પણ માત્ર 260 બેઠક પર સહમતિ થઈ છે. ત્યાં પણ થોડા દિવસોમાં બેઠક વહેંચણી અંગેની જાહેરાત થવાની છે. માત્ર થોડી જ બેઠકો બાકી છે જેના પર મામલો અટક્યો છે, બાકીની તમામ બેઠકો અંગે સ્થિતિ સ્પષ્ટ માનવામાં આવે છે. પરંતુ ઉદ્ધવ જૂથ અને કોંગ્રેસ વચ્ચે વધુ સંઘર્ષ જોવા મળી રહ્યો છે, આવી બેઠકો સામે આવી છે જ્યાં બંને પક્ષો દાવો કરી રહ્યા છે.