મહારાષ્ટ્રના ચૂંટણીમાં મહા વિકાસ અઘાડીની હારથી કોંગ્રેસના મુખ્યાલય પર નિરાશાનો માહોલ, ઈવીએમ પર આરોપ
Congress On Maharashtra Election Results: લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે 4 જૂને કોંગ્રેસ મુખ્યાલયમાં પક્ષના મહાસચિવ મુકુલ વાસનિકના રૂમમાં નેતાઓનો મેળાવડો હતો અને ઉજવણીનો માહોલ હતો, પરંતુ હાલમાં આયોજિત મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જીત નિશ્ચિત થતાં તમામ ઉત્સાહ નિરાશામાં ફેરવાયો હતો. હરિયાણા બાદ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પક્ષ અને તેના સમર્થકોની કારમી હારના પગલે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ નિરાશ થયા હતા.
કોંગ્રેસનો ઉત્સાહ પડી ભાંગ્યો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના મહા વિકાસ અઘાડી ગઠબંધનને પાક્કો વિશ્વાસ હતો કે, તેની જીત થશે, તેઓ તમામ તૈયારીઓ સાથે કોંગ્રેસના મુખ્યાલયે ઉપસ્થિત થયા હતા. પરંતુ મત ગણતરીની શરૂઆત સાથે જ આ જોશ પડી ભાંગ્યો હતો.
આ પણ વાંચોઃ શું છે માધવ ફોર્મ્યુલા? OBC મતોની મદદથી ભાજપે જીત્યો મહારાષ્ટ્રનો ગઢ
બપોરે 12 વાગ્યે ચિત્ર સ્પષ્ટ થયું
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર બપોરે 12 વાગ્યા સુધી સ્પષ્ટ થતાં જ કોંગ્રેસના મુખ્યાલયમાં ઉમટી પડેલી ભીડ વિખેરાઈ ગઈ હતી. વરિષ્ઠ નેતાઓ તો મુખ્યાલય સુધી પહોંચ્યા જ ન હતાં.
સન્નાટો છવાયો
કોંગ્રેસના મુખ્યાલયની બહાર અને કેન્ટિનમાં પણ ખૂબ ઓછા કાર્યકરોની ભીડ જોવા મળી હતી. પક્ષના કાર્યકરોના ચહેરા પર નિરાશા છવાઈ હતી. કોંગ્રેસની હાર પર ઘણા કાર્યકરો અને સમર્થકોએ ઈવીએમ સાથે ચેડાં થયા હોવાનો દાવો કર્યો હતો. કેન્ટિનમાં બાલૂશાહી, લાડુ, અને રસગુલ્લા જેવી મીઠાઈઓ બનાવવામાં આવી હતી. પરંતુ તેના અપેક્ષિત ખરીદદાર રહ્યા નહીં. પક્ષના એક નેતાએ કહ્યું કે, હરિયાણા બાદ ફરી એકવાર અમારી આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ઝારખંડના પરિણામોથી રાહત જરૂર મળી છે. પરંતુ મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યમાં કારમી હારથી નિરાશ છીએ.