મહારાષ્ટ્રમાં મહાયુતિને બહુમતીઃ જાણો હવે ભાજપના મુખ્યમંત્રી બનશે કે શિંદેને જ સુકાન સોંપાશે
Maharashtra Election Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપ આણિ મંડણીનો NDA-રથ સૌથી આગળ ચાલી રહ્યો છે, એમાંય ભાજપ એકલે હાથે સરકાર બનાવી શકે એવા આંકડા આવી રહ્યા છે. જો એમ થશે તો શું એકનાથ શિંદેના હાથમાંથી મુખ્યમંત્રી પદ સરકી જશે? શું ભાજપના જ કોઈ નેતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે બિરાજમાન થશે? જો કે આ મહાયુતિની સફળતા પછી એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, અમને બેઠકો વધુ મળી એનો અર્થ એ નથી કે, હું જ મુખ્યમંત્રી. હવે ત્રણેય પક્ષ ભેગા થઈને મુખ્યમંત્રી કોણ બનશે તે નક્કી કરશે. મહાયુતિને બમ્પર બહુમતી મળી છે, જેનું કારણ અમારું કામ છે. અમને અમારા કામનું ફળ મળ્યું છે. હું મહારાષ્ટ્રની જનતાનો આભારી છું.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને બમ્પર જીત મળી ગઈ છે. એવામાં શિવસેનાએ ફરીથી શિંદેને જ CM બનાવવાની માંગ કરી છે. શિવસેના સાંસદ નરેશ મ્હસ્કેએ માંગ કરી છે, કે 'હું શિવસેના કાર્યકર્તા છું અને હું ઈચ્છું છું કે શિંદે જ ફરી રાજ્યની સત્તા સંભાળે.'
ભાજપનો ભગવો ભરપૂર લહેરાઈ રહ્યો છે
આ લખાય છે ત્યારે NDA 210 સીટો પર આગળ છે, જેમાં એકલું ભાજપ 124 સીટો પર આગળ છે. શિવસેના 55 બેઠકો પર અને અજિત પવારની એનસીપી 34 બેઠકો પર આગળ છે. મહાવિકાસ આઘાડી 67 બેઠકો પર બહુમત ધરાવી રહ્યું છે.
તો ભાજપ પોતાના દમ પર સરકાર બનાવશે
અત્યારે જે વલણ ચાલુ છે એ જ જો છેવટના પરિણામમાં પલ્ટાશે તો ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે અને એ પોતાના દમ પર સરકાર બનાવી શકશે. એની સીધી અસર એનડીએ ગઠબંધનના ઘટક પક્ષો એટલે કે એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી પર પડશે.
શું થશે સાથે પક્ષોનું?
સરકાર બનાવવા માટે ભાજપને સાથી પક્ષોના ઓશિયાળા નહીં રહેવું પડે તો શિવસેના અને એનસીપીના હાથમાં મોટા મંત્રી પદો નહીં આવે. રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવતાં ભાજપ પોતાના પક્ષની વ્યક્તિને જ મુખ્યમંત્રી બનાવશે અને અન્ય મહત્ત્વના ખાતાં પણ પોતાની પાસે જ રાખશે. ભાજપનું નાક દબાવીને મનગમતાં પદ મેળવી લેવાની સોદાબાજી કરવાની તક આ વખતે શિવસેના અને એનસીપી પાસે નહીં રહે.
ફરી સત્તાધીશ થશે દેવેન્દ્ર ફડણવીસ?
ચૂંટણીના પરિણામોમાં ભાજપને પ્રચંડ લીડ મળતાં સોશિયલ મીડિયા પર દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે. નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પર દેવેન્દ્ર ફડણવીસ 12402 મતોની લીડથી આગળ ચાલી રહ્યા છે.
એકનાથ શિંદેનું શું થશે?
મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી બનશે તો વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેનું શું થશે? તેમને કદાચ દિલ્હી મોકલી દેવાશે અથવા તો ઉપ મુખ્યમંત્રી પદ અપાશે. પણ શું શિંદે એનો સ્વીકાર કરશે? એનસીપીના અજિત પવારે પણ ભાજપની મહેરબાનીથી જે કંઈ મળે એનાથી ચલાવી લેવાનો વારો આવશે. ટૂંકમાં, રાજ્યમાં એકલે હાથે સત્તા હાંસિલ કરવાની તક મળશે તો એનડીએમાં ભાજપ પહેલાં કરતાં વધુ મજબૂત બની જશે.