મહારાષ્ટ્રમાં 'મહા'મતદાન, 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો: કોને થશે ફાયદો?
Maharashtra Election: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે. આ પહેલા પણ રાજ્યના મતદારોએ નવો રેકોર્ડ બનાવ્યો છે. અહેવાલો અનુસાર, પશ્ચિમી રાજ્યમાં 1995 પછી બીજી વખત સૌથી વધુ મતદાન થયું છે. બુધવારે (20મી નવેમ્બર) મતદાનનો આંકડો 65 ટકાને વટાવી ગયો હતો. હવે બે મોટા ગઠબંધન, મહાયુતિ અને મહાવિકાસ અઘાડી આ સંબંધમાં પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે.
વર્ષ 1995માં રાજ્યમાં 71 ટકાથી વધુ મતદાન થયું હતું
મહારાષ્ટ્રમાં રાત્રે 11:45 વાગ્યા સુધીમાં મતદાનનો આંકડો 65.1 ટકાને પાર કરી ગયો હતો. અગાઉ વર્ષ 1995માં રાજ્યમાં 71.69 ટકા મતદાન થયું હતું. ખાસ વાત એ છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં મતદાનનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. તે દરમિયાન રાજ્યમાં 61.39 ટકા મતદાન થયું હતું. 2019ની વિધાનસભા ચૂંટણીમાં પણ 61.4 ટકા મતદાન થયું હતું.
મહા મતદાન થવાનું કારણ શું છે?
રાજ્યમાં ભારે મતદાનનું કારણ એમવીએ અને મહાયુતિના જોરદાર પ્રચારને જવાબદાર ગણવામાં આવે છે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક તરફ મહાયુતિને 42.1 ટકા મત મળ્યા હતા અને મહાવિકાસ અઘાડીએ 43.91 ટકા મત મેળવ્યા હતા. સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP અજિત પવાર જૂથ)નો સમાવેશ થાય છે. જ્યારે એમવીએમાં કોંગ્રેસ, શિવસેના(ઉદ્ધવ જૂથ)અને એન સીપી (શરદ પવરા જૂથ) સમાવેશ થાય છે.
નેતાઓએ શું કહ્યું?
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કહેવું છે કે, 'જ્યારે પણ મતદાનમાં વધારો થાય છે ત્યારે ભાજપને રાજકીય લાભ મળે છે. અગાઉની ચૂંટણીની સરખામણીએ વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધી હોવાનું સાબિત થયું છે. તેનાથી ભાજપ અને મહાયુતિ બંનેને મદદ મળશે.'
કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ એમવીએની જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું, 'વિધાનસભા ચૂંટણીમાં લોકોમાં ઘણો ઉત્સાહ હતો અને મહારાષ્ટ્રના સ્વાભિમાની નાગરિકો એવી સરકારને પસંદ કરશે જે રાજ્યના કલ્યાણને પ્રાથમિકતા આપે. જનતાના પ્રતિભાવને ધ્યાનમાં લેતા કોંગ્રેસ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. મહાવિકાસ અઘાડી સરકાર બનાવશે તે નિશ્ચિત છે.'
મતદારોની સંખ્યામાં વધારો થયો
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં મતદારોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2019માં રાજ્યમાં 8.85 કરોડ મતદારો હતા, જે હવે વધીને 9.69 કરોડ થઈ ગયા છે. આવી સ્થિતિમાં મતદારોની સંખ્યા પણ ચૂંટણી પરિણામોમાં મોટી ભૂમિકા ભજવે છે.