મહારાષ્ટ્રમાં પરાજય બાદ MVAમાં ડખાં શરૂ! કોંગ્રેસે ઠાકરે-પવાર પર લગાવ્યા આક્ષેપ
Maharashtra Assembly Election Results 2024 : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહા વિકાસ અઘાડી ગઠબંધન (MVA)ના સાથી પક્ષો કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી અને શરદ પવારની NCPSPની શરમજનક હાર થયા બાદ ગઠબંધનમાં ડખાં શરૂ થઈ ગયા છે. હાર બાદ કર્ણાટકના ગૃહમંત્રી અને મહારાષ્ટ્ર ચૂંટણીમાં કોંગ્રેસના પ્રભારી બનેલા જી.પરમેશ્વરે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટી અંગે મોટું નિવેદન આપ્યું છે.
ત્રણેય પાર્ટીઓનું વલણ એક જેવું : જી.પરમેશ્વર
જી.પરમેશ્વરે કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે સહકારના અભાવને કારણે કોંગ્રેસની શરમજનક હાર થઈ છે. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસે ઘણી બેઠકો પર શિવસેના યુબીટીને સંપૂર્ણ સમર્થન આપ્યું નથી, જ્યારે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટીનું વલણ પણ આવું જ રહ્યું હતું.
MVAના સાથી પક્ષોએ એકબીજાને સમર્થન ન આપ્યું !
તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ‘કોંગ્રેસે ઘણી બેઠકો પર સાથી પક્ષો માટે કામ કર્યું નથી અને સાથી પક્ષોએ અમારા માટે કામ કર્યું નથી. જ્યારે આપણે ગઠબંધનમાં હોઈએ, ત્યારે શિવસેનાના ઉમેદવારનું સમર્થન કરવું જોઈએ અને શિવસેનાએ અમારા ઉમેદવારનું સમર્થન કરવું જોઈએ. આવી જ સમસ્યા શરદ પવારની પાર્ટીમાં પણ હતી.’
વિદર્ભમાં 50 બેઠકો આશા ને આઠ બેઠકો જ મળી
પરિણામો અંગે પરમેશ્વરે કહ્યું કે, ‘કોંગ્રેસ વધુ બેઠકો જીતશે, તેવી આશા હતી. કોંગ્રેસ વિદર્ભમાં વધુ બેઠકો જીતવી જોઈતી હતી. અમે વિદર્ભમાં 50 બેઠકો જીતવાની આશા રાખી હતી, જોકે અમારી પાર્ટીએ માત્ર આઠ બેઠકો જીતી છે. 150 બેઠકોમાંથી 60-70 બેઠકો જીતવાની આશા હતી, જોકે અમે સારું પ્રદર્શન ન કરી શક્યા.’
‘EVM જવાબદાર, અન્ય પાર્ટીઓનું સત્તામાં આવવું મુશ્કેલ’
કોંગ્રેસ નેતાએ મહાયુતીના અન્ય નેતાઓના દાવાઓનો ઉલ્લેખ કરી EVMનો પણ જવાબદાર ઠેરવું છે. તેમણે કહ્યું કે, ‘અમે અમારા નેતાઓ વચ્ચે ચર્ચા કરી હતી, તે મુજબ આપણા દેશમાં જ્યાં સુધી EVM છે, ત્યાં સુધી કોંગ્રેસ અથવા કોઈ અન્ય પાર્ટીનું સત્તામાં આવવું મુશ્કેલ છે. તેઓ (BJP) ઈવીએમ હેક કરવામાં માહિર છે, તે લોકો જ્યાં ઈચ્છે ત્યાં હેરફેર કરી શકે છે.’