Get The App

મહારાષ્ટ્રમાં મહાયુતિને જંગી બહુમતી મળવાનું કારણ શું? જાણો કયા છ મુદ્દાથી ભાજપને લાભ થયો

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં મહાયુતિને જંગી બહુમતી મળવાનું કારણ શું? જાણો કયા છ મુદ્દાથી ભાજપને લાભ થયો 1 - image


Maharashtra Election Results: મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવા શરુ થઈ ચૂક્યા છે અને એનડીએ લીડમાં છે. એમાંય ભાજપ એકલે હાથે સરકાર બનાવી શકે એવી સ્થિતિમાં છે. એનડીએને મળી રહેલ આ સફળતામાં પાંચ મુખ્ય મુદ્દા કારણભૂત છે. ચાલો, જાણીએ કે એ મુદ્દા કયા છે જેને લીધે એનડીએ ગઠબંધન મહારાષ્ટ્રમાં આગળ નીકળી ગયું છે.

1. શિંદેને મુખ્યમંત્રી તરીકે જાળવી રાખ્યા

એકનાથ શિંદે જેવા નખશીખ મરાઠી માણુસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવીને ભારતીય જનતા પાર્ટીએ મરાઠી પ્રજાને પોતાના પક્ષે કરી લીધી હતી, કેમ કે મરાઠી પ્રજા શિંદેને મરાઠા આદરનું પ્રતિક માને છે. વિપક્ષી ગઠબંધન ‘મહા વિકાસ અઘાડી’ જારંગર પાટીલના મરાઠા આંદોલનથી ખૂબ ખુશ હતું, પરંતુ ભાજપે વારેવારે એવો સંદેશો આપ્યા કર્યો કે એકનાથ શિંદે ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બની શકે છે. જેને લીધે એનડીએ પ્રત્યે મરાઠી પ્રજાનો વિશ્વાસ જળવાઈ રહ્યો અને જનતાએ UBT (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) શિવસેનાને બદલે એનડીએ વહાલી કરી. આમ, મહારાષ્ટ્રમાં શિંદેને આગળ કરીને મરાઠા ગૌરવને એનકેશ કરવાની ભાજપની વ્યૂહરચના કામ કરી ગઈ.

2. સ્થાનિક નેતાગીરીની વ્યૂહનીતિ સફળ થઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરિયાણામાં બહુ પ્રસિદ્ધિ આપવામાં આવી ન હતી, એને બદલે સ્થાનિક નેતાગીરીને આગળ કરવામાં આવી હતી, જેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને હરિયાણામાં થયો હતો. બિલકુલ એ જ રણનીતિ આ વખતે મહારાષ્ટ્રમાં પણ અપનાવવામાં આવી. શરુઆતથી જ સ્થાનિક રાજકારણને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હતું. પ્રચારમાં સ્થાનિક નેતાઓને આગળ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં સૌથી વધુ રેલીઓ અને સભાઓનું આયોજન ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું. આ દાવ પણ લેખે લાગ્યો.

3. ભાજપને સંઘનો સાથ પણ ફળ્યો

ભાજપ આ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સાથ લઈને આગળ વધ્યું એનો ફાયદો પણ થયો. સંઘના કાર્યકર્તાઓ ભાજપનો સંદેશ લઈને ઘરે ઘરે ફર્યા. એમણે લોકોને લોકસભા ચૂંટણીના પરિણામોમાંથી શીખવા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને મત આપવા અપીલ કરી. પ્રચાર દરમિયાન તેમણે લૅન્ડ જેહાદ, લવ જેહાદ, ધર્મ પરિવર્તન અને રમખાણો વગેરે વિશે પ્રજાને માહિતગાર કરી. આમ, સંઘનો પ્રચાર ભાજપ માટે કામ કરી ગયો.

4. કલ્યાણકારી યોજનાનો પણ લાભ મળ્યો  

મહારાષ્ટ્ર સરકાર દ્વારા 2023 માં ‘સીએમ લાડલી બહના યોજના’ની શરુઆત કરવામાં આવી હતી. આ યોજનાના માધ્યમથી 21થી 60 વર્ષની મહિલાઓને દર મહિને 1250 રૂપિયા મળે છે. સામાન્ય લોકોને લાગે છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદેના કારણે જ તેમના ખાતામાં દર મહિને પૈસા આવવા લાગ્યા છે. તેથી જો તેઓ ફરીથી સીએમ બનશે તો તેનાથી પણ વધુ પૈસા આવશે. આ કારણસર પણ પ્રજાના મત એનડીએ તરફ ઢળ્યા.

5. ટોલ ટેક્સ નાબૂદીનો પણ લાભ મળ્યો  

ચૂંટણીની જાહેરાતના થોડા દિવસો પહેલા શિંદે સરકાર દ્વારા રાજ્યના ઘણા બધા ટોલ પ્લાઝા પરથી ટોલ ટેક્સ દૂર કરી દેવાયો હતો. ટોલ ટેક્સ નાબૂદીનું પગલું પણ એનડીએને ફાયદો કરાવી ગયું.

6. મુસ્લિમોને પણ સાચવી લીધા

એનડીએ ગઠબંધન સ્પષ્ટપણે હિંદુ મતદારોને લક્ષ્યમાં રાખીને આગળ વધે છે, પણ આ વખતે આ ગઠબંધને મુસ્લિમ મતદારોના મનમાં સફળતાપૂર્વક એ વાત ઉતારી દીધી કે તેઓ મુસ્લિમોની વિરુદ્ધ નથી. ચૂંટણી પહેલાં એકનાથ શિંદે સરકારે મદરેસામાં ભણાવતા શિક્ષકોના પગારમાં વધારો કરી દીધો હતો, જેને લીધે મુસ્લિમોનું એનડીએ પ્રત્યે વલણ બદલાયું અને એનો સીધો ફાયદો ચૂંટણી પરિણામોમાં જોવા મળ્યો.


Google NewsGoogle News