બટેંગે તો કટેંગેનો નારો ભાજપને ફળ્યો! મહારાષ્ટ્રના પરિણામો બાદ હવે યોગીનું વધશે કદ
Maharashtra Assembly Election Result: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામના વલણોમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધનને મોટી બહુમતી મળતી જોવા મળી રહી છે. વળી, કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારનું મહાવિકાસ આઘાડી ગઠબંધન ઘણું પાછળ છે. સ્થિતિ એવી છે કે હાલ ભાજપ અને તેમની સહયોગી પાર્ટીઓની લહેર જોવા મળી રહી છે. જ્યારે શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ માટે નિરાશા છે. આવી સ્થિતિમાં રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, કદાચ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના 'બટેંગે તો કટંગે' ના નારાની અસર મહારાષ્ટ્રમાં જોવા મળી છે. મુખ્યમંત્રી યોગીએ ઘણી રેલીઓમાં આ નારા લગાવ્યા હતા અને તેની ખૂબ ચર્ચા પણ થઈ હતી.
યોગીના નારાની અસર?
માનવામાં આવી રહ્યું છે કે, આ નારાની અસર થઈ છે અને જોરદાર ધ્રુવીકરણ જોવા મળ્યું છે. આ નારાની અસર એવી હતી કે, વડાપ્રધાન મોદીએ પણ અલગ સ્વરમાં પરંતુ આ જ વાતનું પુનરાવર્તન કરતાં 'એક હૈ તો સેફ હૈ'ની વાત કરી હતી, જે યોગીના નારાનો વિસ્તરણ કરવા સમાન હતું. અત્યાર સુધીના ટ્રેન્ડમાં વિદર્ભ સિવાય મુંબઈ અને પશ્ચિમ મહારાષ્ટ્ર જેવા વિસ્તારોમાં ભાજપને લીડ મળી રહી છે. જ્યાં તમામ એક્ઝિટ પોલ રસાકસીના જંગની વાત કરી રહ્યા હતાં, ત્યાં આ પ્રકારની લીડે ભાજપને રાહત અપાવી છે. એટલું જ નહીં 4 જૂને આવેલા લોકસભાના પરિણામોમાં ભાજપને ભારે ફટકો પડ્યો હતો, જે મુજબ માનવામાં આવતું હતું કે, જો જનતાનું વલણ આવું જ રહ્યું હતો મહાવિકાસ અઘાડીને મોટી જીત મળી શકે છે.
એક્ઝિટ પોલની અટકળો પડી ખોટી?
હવે તમામ અટકળો ખોટી સાબિત થઈ રહી છે અને ભાજપ તેમજ તેના સાથી પક્ષોને મોટી સફળતા મળી છે. હકીકતમાં લોકસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીની પાર્ટીઓએ અનામત છીનવી અને બંધારણ બદલવાનો પ્રચાર કર્યો હતો. એવું માનવામાં આવતું હતું કે, આ કારણે તેમને ચૂંટણીમાં ફાયદો થયો હતો. આ વખતે મહાયુતિએ અગાઉથી આયોજન કર્યું હતું. ઓબીસી યાદીમાં ઘણી જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સિવાય ટિકિટ ફાળવણીમાં પણ તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આટલું જ નહીં ચૂંટણીના થોડા મહિના પહેલા જાહેર કરવામાં આવેલી લાડકી બહિન યોજનાની પણ અસર જોવા મળી રહી છે.
મતની ટકાવારી વધતા ભાજપને ફાયદો
નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તો પહેલાં જ કહી દીધું હતું કે, રાજ્માં વધેલા મત અમારા પક્ષમાં છે. ઈતિહાસ જણાવે છે કે, જ્યારે પણ મતદાનની ટકાવારી વધે છે તો અમને જ ફાયદો થયો છે. લાડકી બહિન યોજનાને લોકોએ પસંદ કરી છે અને તેના સમર્થનમાં લોકો બહાર નીકળી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં યોગીની સક્રિયતા
આ સિવાય મહારાષ્ટ્રમાં આ વખતે યોગી આદિત્યનાથ પણ ઘણાં સક્રિય જોવા મળ્યા હતાં. તેઓએ એવા વિસ્તારમાં સભાઓ કરી હતી, જ્યાં યુપી અને બિહારના રહેવાસી લોકોની સંખ્યા વધારે છે.