મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-ઉદ્ધવ જૂથ વચ્ચે વાંધો પડતા શરદ પવાર અકળાયા, કહ્યું ‘ગઠબંધન ધર્મનું પાલન કરો’
શરદ પવારે કોંગ્રેસ-ઉદ્ધવ જૂથને કહ્યું, વાતચીત કર્યા વગર આ રીતે ઉમેદવારો જાહેર ન કરવા જોઈએ
શિવસેનાએ ઉમેદવારો જાહેર કરતા કોંગ્રેસે કહ્યું, ‘MVAના સાથી પક્ષોએ ગઠબંધન ધર્મનું પાલન કરવું જોઈએ’
Lok Sabha Elections 2024 : મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં બેઠક વહેંચણી મામલે કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથની શિવસેનાના નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો ચાલી રહ્યા છે, ત્યારે આ મામલે શરદ પવાર નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. મળતા અહેવાલો મુજબ બુધવારે એનસીપી સંસદીય બોર્ડની બેઠકમાં શરદ પવારે આ મામલે ચર્ચા કરી હતી. આ સાથે આજની બેઠકમાં 10 બેઠકો અંગે પણ ચર્ચા થઈ હતી.
કોંગ્રેસ-શિવસેના યુબીટીએ ગઠબંધન ધર્મનું પાલન કરવું જોઈએ : શરદ પવાર
બેઠકમાં શરદ પવારે (Sharad Pawar) કહ્યું કે, ‘કોંગ્રેસ (Congress) અને શિવસેના યુબીટી (Shiv Sena UBT)એ ગઠબંધન ધર્મનું પાલન કરવું જોઈએ. એકબીજા સાથે વાતચીત કર્યા વગર આ રીતે ઉમેદવારો જાહેર ન કરવા જોઈએ. યોગ્ય બાબત એ છે કે, જો માહા વિકાસ અઘાડી (Maha Vikas Aghadi) ગઠબંધનના ત્રણે પક્ષોએ સંયુક્ત રીતે ઉમેદવારોના નામ જાહેર કરવી જોઈએ. NCP ગઠબંધન ધર્મનું પાલન કરશે અને ઉમેદવારોની યાદી (Candidate List) જાહેર કર્યા પહેલા સાથી પક્ષોને જાણ કરશે.’
શરદ પવાર આ બેઠકો પર લડી શકે છે ચૂંટણી
શરદ પવારની પાર્ટીએ જે 10 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાનો વિચાર કરી રહી છે, તેમાં ભિવંડી, બારામતી, શિરુર, સતારા, અહમદનગર, વર્ધા, દિંડોરી, રાવેર, માઢા, બીડ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે.
ઉદ્ધવ જૂથે ઉમેદવારો જાહેર કરતા કોંગ્રેસ નારાજ
શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)એ ભિવંડી લોકસભા બેઠક, મુંબઈ દક્ષિમ-મધ્ય અને સાંગલીમાં ઉમેદવારોના નામ જાહેર કરતા કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે, એમવીએના સાથી પક્ષોએ ગઠબંધન ધર્મનું પાલન કરવું જોઈએ. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા બાલાસાહેબ થોરાટે શિવસેના યુબીટીએ કરેલા નિર્ણય પર પુનઃ વિચાર કરવાનો આગ્રહ કર્યો છે.
મહારાષ્ટ્રમાં 19 એપ્રિલથી પાંચ તબક્કામાં મતદાન
માહા વિકાસ અઘાડી ગઠબંધનના સાથી પક્ષો કોંગ્રેસ, શિવસેના યુબીટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકોની વહેંચણી મુદ્દે ઘણા સમયથી ચર્ચા કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 19 એપ્રિલથી પાંચ તબક્કામાં લોકસભા ચૂંટણી શરૂ થશે. સીટ શેયરિંગની ચર્ચા યોગ્ય તબક્કામાં પહોંચે તે પહેલા શિવસેના (યુબીટી)એ 17 ઉમેદવારોના નામ જાહેર કરી કહ્યું કે, તે રાજ્યમાં કુલ 22 બેઠકો પર ચૂંટણી લડશે. ત્યારબાદ બાલાસાહેબ થોરાટે (Balasaheb Thorat) કહ્યું કે, શિવસેનાની ઉમેદવાર જાહેર કરવાની પદ્ધતિ અયોગ્ય છે.