મહારાષ્ટ્રની ચૂંટણીમાં મોટો ખેલ: મરાઠા આગેવાનની મોટી જાહેરાતથી એક ઝાટકે 46 બેઠકો પર અસર
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. મરાઠા આરક્ષણ આંદોલનના અગ્રણી નેતા મનોજ જરાંગે પાટીલે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. અગાઉ તેમણે ઘણી વિધાનસભા બેઠકો પર મરાઠા ઉમેદવારોને ઊભા રાખવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ન તો કોઈ પક્ષને સમર્થન આપશે કે ન તો પોતાના ઉમેદવારો ઊભા કરશે. આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
'અમે ચૂંટણી લડી રહ્યા નથી'
મનોજ જરાંગે પાટીલે તેમના સમર્થકોને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રહેવાની અપીલ કરી હતી, પરંતુ કોઈપણ ઉમેદવાર કે પક્ષને સમર્થન ન આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, 'અમે ચૂંટણી લડી રહ્યા નથી, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તમે લોકો જાતે જ નક્કી કરો કે કોને હરાવવા અને કોને જીતાડવા.'
આ પણ વાંચો: ગુજરાતમાં બુટલેગરો બેખૌફ: દારૂ ભરેલી કારનો પીછો કરતી પોલીસ જીપને ટ્રેલરે મારી ટક્કર, PSIનું મોત
અગાઉ મનોજ જરાંગે પાટીલે મરાઠા સમુદાય માટે ઘણી બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કરી હતી. રવિવારે તેમણે પાર્વતી અને દૌડ વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારોને સમર્થન આપવાની વાત પણ કરી હતી. જો કે, હવે તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને ચૂંટણીના મેદાનમાં કોઈ ઉમેદવાર ઉતારશે નહીં. આ પરિવર્તન રાજકીય દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેનાથી મરાઠા સમુદાયના મતોના વિભાજનની શક્યતા ઘટી ગઈ છે.
છેલ્લી ચૂંટણીમાં મહાયુતિને મરાઠવાડામાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં મરાઠવાડાની 46 બેઠકોમાંથી ભાજપને 16, શિવસેનાને 12, કોંગ્રેસને 8 અને NCPને 8 બેઠકો મળી હતી. જ્યારે અન્ય પક્ષોએ 2 બેઠકો જીતી હતી. આ વખતે જો મરાઠા મતો એકજૂટ રહેશે તો મહાવિકાસ આઘાડી માટે સ્થિતિ સારી થઈ શકે છે.
આ મુદ્દા ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે
મહારાષ્ટ્રમાં 23 ટકાથી વધુ લોકો મરાઠા સમુદાયના છે, આ સમુદાય ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તાજેતરના સર્વે અનુસાર, 23% લોકોએ મરાઠા આરક્ષણને ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો ગણાવ્યો હતો. જ્યારે 12.2% લોકોએ પીએમ મોદીના પ્રદર્શનને મહત્ત્વનો મુદ્દો ગણાવ્યો અને 8.2% લોકોએ સરકારી હોસ્પિટલોની સ્થિતિને મહત્ત્વપૂર્ણ મુદ્દો ગણ્યો. આ આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે મરાઠા આરક્ષણ જેવા મુદ્દા ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
20મી નવેમ્બરે મતદાન થશે
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20મી નવેમ્બરે મતદાન થશે અને 23મી નવેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર થશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે મરાઠા સમુદાય માટે ચૂંટણી પરિણામોમાં શું બદલાવ આવશે. શું તેઓ મત દ્વારા સરકાર સુધી પોતાની નારાજગી પહોંચાડશે કે સરકારની તરફેણમાં ઊભા રહેશે?