ખેડૂતોની લોન માફ, મહિલાઓને દર મહિને 2100 રૂ...', ભાજપે મહારાષ્ટ્ર માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો
BJP Released Manifesto For Maharashtra Election: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. પોતાના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે ખેડૂતોની લોન માફ, મહિલાઓને દર મહિને 2100 રૂપિયા, 25 લાખ નોકરી અને ખેડૂતો માટે ભાવાંતર યોજના જેવા વાયદા કર્યા છે.
ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓ, ખેડૂતો અને યુવાઓ પર ફોકસ
ભાજપે ચૂંટણી ઢંઢેરા દ્વારા ખેડૂતોની લોન માફ કરવાનું એલાન કરી દીધું છે. આ સાથે જ ખેડૂતો માટે ભાવંતર યોજના લાગુ કરવાની પણ જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં 25 લાખ નવી નોકરીઓનો પણ વાયદો કર્યો છે.રાજ્યમાં સ્કિલ સેન્ટર ખોલવાનું પણ એલાન કર્યું છે. ભાજપે વૃદ્ધા પેન્શન 2100 રૂપિયા પ્રતિ મહિને આપવાનો વાયદો કર્યો છે.
2027માં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે ભારત
પોતાના સંબોધનમાં ગૃહ મંત્રી અમિતશાહે કહ્યું કે, ચૂંટણી ઢંઢેરો અપેક્ષાઓનું પ્રતિબિંબ છે. આ દરમિયાન તેમણે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી પર ખૂબ નિશાન સાધ્યું. અમિત શાહે કહ્યું કે, 'હું ઉદ્ધવ ઠાકરેને પૂછવા માંગુ છું કે શું તમે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને વીર સાવરકર માટે બે સારા શબ્દો બોલવા માટે કહી શકો છો?'
ગૃહ મંત્રીએ આગળ કહ્યું કે, કોઈ નહોતું માનતું કે કલમ 370 ખતમ થઈ જશે. પરંતુ આજે કલમ 370ને ખતમ કરવાનું કામ NDA સરકારે કર્યું છે. અમે સમૃદ્ધ ભારતનો વાયદો કર્યો હતો. દસ વર્ષની અંદર જ અમે દેશના અર્થતંત્રને પાંચમા નંબર પર પહોંચાડી દીધું. અમારો વાયદો છે કે, 2027માં અમે ભારતને ત્રીજા નંબરનું અર્થતંત્ર બનાવીશું.
અમે સાત કરોડ ગરીબોને ઘર......
અમિતશાહે કહ્યું કે, અમે સાત કરોડ ગરીબોને ઘર, વીજળી, ગેસ, શૌચાલય, પીવાનું પાણી, મફત અનાજ અને મફત સારવાર આપી છે. બીજી તરફ અઘાડી છે, કોંગ્રેસના અધ્યક્ષે કહેવું પડે છે કે, કોંગ્રેસ જે પણ વાયદા કરે તે થોડા સમજી-વિચારીને કરે કારણ કે, વાયદા પૂરા ન થતા પછી જવાબ મારે આપવો પડે છે. અમારી સામે હિમાચલ, તેલંગાણા અને કર્ણાટક જેવા ઉદાહરણ છે.
20 નવેમ્બરના રોજ મતદાન
મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરના રોજ મતદાન થશે અને પરિણામ 23 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ગત ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. જોકે ચૂંટણી બાદ શિવસેના એનડીએથી અલગ થઈ ગઈ હતી અને તેણે એનસીપી-કોંગ્રેસની સાથે મળીને સરકાર બનાવી લીધી હતી. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા.
જૂન 2022માં શિવસેનામાં આંતરિક વિખવાદ થઈ ગયો હતો. ત્યારબાદ એકનાથ સિંદેએ પાર્ટીના 40 ધારાસભ્યો સાથે બળવો કર્યો હતો. એકનાથ ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બની ગયા હતા. હવે શિવસેના બે જૂથોમાં વહેંચાઈ ચૂકી છે. શરદ પવારની એનસીપી પણ બે જૂથ શરદ પવાર અને અજીત પવારમાં વહેંચાઈ ગયેલી છે.