મહારાષ્ટ્રમાં પૂર્વ CMની હાર, નવાબ મલિક હાર્યા, પુત્રી જીતી... જુઓ ચર્ચાસ્પદ બેઠકોના પરિણામ
Maharashtra Assembly Election Result-2024 : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ 234 બેઠકો પર પ્રચંડ જીત નોંધાવી છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી ગઠબંધને 50 બેઠકો જીતી છે, આમ વિધાનસભા ચૂંટણીના આંકડા લગભગ સ્પષ્ટ સામે આવી ગયા છે. 288 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં તમામની નજર મોટા નેતાઓની હાર-જીત પર હતી. ચૂંટણી દરમિયાન અનેક મોટા ચહેરાઓએ ચૂંટણી મેદાનમાં જંપ લાવ્યું હતું, જેમાંથી કેટલાક નેતાઓ દબદબો બનાવવામાં સફળ રહ્યા છે, તો કેટલાકની હાર થઈ છે.
શિંદે, ફડણવીસ, અજિતની શાનદાર જીત
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પર શાનદાર જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના પ્રફુલ ગુદાધેને હરાવ્યા છે.
શિવસેનાના વડા અને મહારાષ્ટ્રના મુખ્મયંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)એ કોપરી-પચપખડી બેઠક પર જીત નોંધાવી છે. તેમણે શિવસેના યુબીટીના કેદાર દિધેને હરાવ્યા છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) બારામતી બેઠક પર જીત નોંધાવી છે. તેમણે શરદ પવારની પાર્ટી એનસીપીના ઉમેદવાર યુગેન્દ્ર પવારને હાર આપી છે.
કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીની હાર
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ (Prithviraj Chavan)ની કરાડા દક્ષિણ બેઠક પર હાર થઈ છે. ભાજપના અતુલ ભોસલેએ તેમને 39000 મતોના અંતરથી હરાવ્યા છે.
કોંગ્રેસના વધુ એક જાણીતા ઉમેદવાર નાનાભાઉ પટોલે (Nana Patole) ભાજપના અવિનાશ બ્રહ્મણકરથી ગણા પાછળ છે. આ પરીણામ કોંગ્રેસ માટે ઝટકા સમાન છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના છગન ભુજબળ (Chhagan Bhujbal) યેવલા બેઠક જીતવામાં સફળ રહ્યા છે અને તેમણે NCPSPના માણિકરાવ શિંદેને હરાવી પોતાની સાખ બચાવી છે.
શાયના એનસીની હાર, સના મલિકની જીત
ભાજપના પૂર્વ નેતા શાયના એનસી શિવસેનાની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, જોકે તેમણે હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના નેતા અમીન પટેલે તેમને હરાવ્યા છે.
મહારાષ્ટ્રમાં ચર્ચામાં રહેલા NCP નેતા નવાબ મલિકની પુત્રી સના મલિકની જીત થઈ છે. તેમની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતરેલા NCPSPના ફવદ અહમદે બેઠક ગુમાવવી પડી છે.
સંજય નિરુપમનું શું થયું ?
કોંગ્રેસના પૂર્વ નેતા સંજય નિરુપમ, જેઓ શિંદે જૂથમાં સામેલ થયા બાદ દિંડોશી બેઠક પર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જોકે શિવસેના યુબીટીના સુનીલ વામન પ્રભુથી તેઓ પાછળ ચાલી રહ્યા છે.
એનસીપીના વડા અજિત પવારને ચર્ચામાં રહેલા NCP નેતા નવાબ મલિકને ટિકિટ આપવી ભારે પડી છે. મલિકની માનખુર્દ-શિવાજી નગર બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. આ બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અબૂ આસિમ આજમીની મોટા અંતરથી જીત થઈ છે.
જીશાન સિદ્દીકીએ પણ બેઠક ગુમાવી
દિવંગત એનસીપી નેતા બાબા સિદ્દીકાના પુત્ર જીશાન બાબા સિદ્દીકી વાંદ્રે ઈસ્ટ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, જોકે તેમની શિવસેના યુબીટીના ઉમેદવાર વરૂણ દેસાઈ સામે હાર થઈ છે.
રાજ્યમાં હંમેશા ચર્ચામાં રહેતા રાજ આકરેના પુત્ર અમિત ઠાકરે પ્રથમવાર માહિમ બેઠક પરથી ચૂંટણી લડી હતી, જોકે તેમની હાર થઈ છે.
શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની વર્લી બેઠક પરથી વિજય થયો છે. આદિત્યએ શિંદેની શિવસેનાના ઉમેદવાર મિલિંદ દેવડાને હરાવ્યા છે.
મહાયુતિની ભવ્ય જીત, મહા વિકાસ અઘાડીની શરમજનક હાર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધના સાથી પક્ષો ભાજપે 132, શિવસેનાએ 57, NCPએ 41, JSSએ 2, RYSP અને RSVAએ એક-એક બેકક જીતી છે, આમ મહાયુતિએ કુલ 234 બેઠકો જીતવાની સાથે ફરી સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે.
જ્યારે મહા વિકાસ આઘાડીના સાથી પક્ષો શિવસેના યુબીટીએ 20, કોંગ્રેસે 16, NCPSPએ 10, સમાજવાદી પાર્ટીએ બે, CPIM અને PWPIએ એક-એક બેઠક પર જીત નોંધાવી છે. આમ આ ગઠબંધને કુલ 50 બેઠકો જીતી છે.
અન્ય પક્ષોની વાત કરીએ તો અપક્ષે બે બેકો, RSPK અને AIMIMએ એક-એક બેઠક જીતી છે.