'ગઠબંધન ધર્મનું પાલન નથી થતું...' ભાજપ-શિંદેની સેના વચ્ચે ખટરાગ, ચૂંટણી પહેલાં જ કરી ફરિયાદ
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ભાજપના હાઇ કમાન્ડને પાર્ટી નેતાઓની ફરિયાદ કરી છે. શિંદેએ ફરિયાદ કરતાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપ નેતા ગઠબંધન ધર્મનું પાલન નથી કરી રહ્યાં. ભાજપ નેતાઓએ માગ શરૂ કરી દીધી છે કે, શિંદેએ રાજ ઠાકરેના દીકરા અમિત માટે બેઠક છોડવી જોઈએ. નોંધનીય છે કે, એકનાથ શિંદેએ પહેલાંથી જ માહિમ બેઠક પરથી હાલના ધારાસભ્ય સદા સરવણકરનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરી દીધું હતું. જોકે, માહિમ બેઠક પરથી મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના પ્રમુખ રાજ ઠાકરેએ પોતાના દીકરા અમિત ઠાકરેને ઉમેદવાર બનાવ્યો છે.
નારાયણ રાણે અને આશિષ શેલાર જેવા ભાજપ નેતાઓએ કહ્યું હતું કે, શિંદેએ પોતાના ઉમેદવાર સદા સરવણકરનું નામ પરત લઈ લેવું જોઈએ અને અમિત ઠાકરેનું સમર્થન કરવું જોઈએ.
આ પણ વાંચોઃ ભાજપે 40 બળવાખોરોને તગેડી મૂક્યા, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં કરી મોટી કાર્યવાહી
શિંદે પર પાર્ટી ચિહ્ન ચોરવાનો આરોપ
જ્યારે એકનાથ શિંદે ન માન્યા અને પોતાના ઉમેદવારનું નામ પરત ન લીધું તો રાજ ઠાકરેએ શિંદેની સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી. આ સિવાય રાજ ઠાકરેએ શિંદે પર 2022માં પાર્ટી તોડવા અને બાલ ઠાકરેનું નામ તેમજ ચૂંટણી ચિહ્ન ચોરવાનો આરોપ પણ લગાવી દીધો.
ત્યારબાદ શિંદેએ નક્કી કર્યું કે, આ બરાબર નથી થઈ રહ્યું. જેથી ભાજપ નેતાઓ દ્વારા શિંદેને પોતાના ઉમેદવારને પરત ખેંચવાની માગ છતાં ન માન્યાં. બાદમાં ભાજપ નેતાઓનો સૂર બદલાઈ ગયો અને હવે તેમનું કહેવું છે કે, સદા સરવણકર મહાયુતિના ઉમેદવાર છે.
આ પણ વાંચોઃ 'હું કોઈ ચૂંટણી લડવા માંગતો નથી', મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા શરદ પવારનો ઇમોશનલ દાવ
શિંદેની શિવસેનાની અવગણના?
મળતી માહિતી મુજબ, શિંદે શિવસેનાએ સલાહ આપી હતી કે, અમિત ઠાકરેને ભાંડુપથી ચૂંટણી લડવી જોઈએ. જ્યાં મહાયુતિનો કોઈ હાલનો ધારાસભ્ય નથી. જોકે, રાજ ઠાકરેએ નિર્ણય કર્યો કે, અમિતે પોતાના ગૃહ ક્ષેત્રથી ચૂંટણી લડવી જોઈએ, જ્યાં તેનો નિવાસ છે. આ સિવાય પાડોશી મતવિસ્તાર શિવડીમાં ભાજપ અને શિંદે મનસે ઉમેદવારને સમર્થન આપશે.
ફરિયાદ બાદ બદલાયો રાગ
મુખ્યમંત્રી શિંદેની ફરિયાદ બાદ ભાજપ નેતાઓનો રાગ બદલાઈ ગયો છે અને હવે તેમનું કહેવું છે કે, સદા સરવણકર મહાયુતિના સત્તાવાર ઉમેદવાર છે. જો કોઈ અન્ય નિર્ણય લેવામાં આવે છે, તો તે મહાયુતિના ટોચના નેતાઓ દ્વારા નક્કી કરવામાં આવશે.