ભાજપની જ વ્યૂહનીતિ કે પછી નેતાઓની લાલચ? ચૂંટણી લડવા સહયોગી પક્ષમાં સામેલ થઈ રહ્યા છે દિગ્ગજો
Maharashtra Election News: ચૂંટણી પહેલાં જ નેતાઓનો પક્ષ પલટો કરવો એ સામાન્ય બાબત છે. પરંતુ મહારાષ્ટ્રના સત્તાધારી પક્ષ મહાયુતિમાં એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. અહીં નેતા ટિકિટ મેળવવા માટે ગઠબંધનના જ બીજા પક્ષમાં શિફ્ટ થઈ રહ્યા છે. ભાજપમાં આ પ્રકારનું વલણ વધુ જોવા મળ્યું છે. શાઈના એનસીથી માંડી નિલેશ રાણે સુધીના કદાવર નેતાઓએ આ પગલું ભર્યું છે. તેઓ ટિકિટ લેવા ભાજપના સહયોગી પક્ષમાં જોડાઈ ગયા છે.
આ ઉમેદવારો મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના પક્ષ શિવસેના અથવા અજીત પવારના એનસીપીમાં જોડાઈ રહ્યા છે.
શિંદેની શિવસેનામાં સામેલ થયા નિલેશ રાણે
પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર ભાજપના નીલેશ રાણે કુડલ-સાવંતવાડી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડવા માટે શિંદેના શિવસેના પક્ષમાં સામેલ થયા છે. નિલેશ રાણે 2019માં ભાજપમાં સામેલ થયા હતાં. કુડલ-સાવંતવાડી બેઠક પરથી ઉદ્ધવ ઠાકરેના વર્તમાન ધારાસભ્ય વૈભવ નાયકે ઉમેદવારી નોંધાવી છે.
ભાજપના અન્ય ચાર નેતાઓ એનસીપીમાં સામેલ
મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટણી લડવા માટે ભાજપના અન્ય ચાર નેતાઓ NCPમાં જોડાયા છે. સાંગલીના બે નેતાઓ, ભૂતપૂર્વ સાંસદ સંજયકાકા પાટીલ અને જિલ્લા અધ્યક્ષ નિશિકાંત ભોસલે પાટીલ, એનસીપી વડા અજિત પવાર અને રાજ્ય પક્ષના અધ્યક્ષ સુનીલ તટકરેની હાજરીમાં મુંબઈમાં બેઠકમાં એનસીપીમાં જોડાયા હોવાની જાહેરાત કરી હતી. NCPએ તેમને પક્ષના ઉમેદવારો તરીકે જાહેર કર્યા. નિશિકાંત ભોસલેને ઈસ્લામપુર વિધાનસભા બેઠક પરથી અને સંજયકાકાને તાસગાંવથી ટિકિટ મળી છે.
આ પણ વાંચોઃ ભાજપની નારાજગી છતાં મહારાષ્ટ્રના આ નેતાએ ધાર્યું કરી બતાવ્યું, અજીત પવારે લીધો મોટો નિર્ણય
સંજયકાકાનો મુકાબલો શરદ પવારના NCP ઉમેદવાર રોહિત પાટીલ સાથે થશે. રોહિત એનસીપી નેતા આરઆર પાટીલનો પુત્ર છે. આ તેમની પ્રથમ ચૂંટણી હશે. નિશિકાંતનો સામનો એનસીપી (શરદ પવાર જૂથ)ના જયંત પાટીલ સાથે થશે. અજિત પવારના એનસીપીમાં જોડાયા બાદ નિશિકાંતે કહ્યું કે ભાજપ નેતા અને રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ પર તેમણે ભાજપમાંથી એનસીપીમાં સ્વિચ કરવાનો નિર્ણય કર્યો.
નિશિકાંતે કહ્યું કે મારે ભાજપમાંથી એનસીપીમાં આવવું પડ્યું, કારણ કે ઈસ્લામપુર વિધાનસભા બેઠક એનસીપીમાં ગઈ. હું એનસીપીની ટિકિટ પર ઇસ્લામપુર બેઠક પરથી ચૂંટણી જીતીશ. નિશિકાંતે 2019ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટ પર અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી અને બીજા સ્થાને રહ્યા હતા.
આ નેતા પણ એનસીપીમાં સામેલ
નાંદેડ જિલ્લા ભાજપના નેતા પ્રતાપરાવ પાટીલ ચિખલીકર પણ લોહા વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે એનસીપીમાં જોડાયા હતા. નાંદેડના પૂર્વ સાંસદ પ્રતાપરાવ બે વખત લોહાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
શાઇના શિંદેની શિવસેનામાં જોડાઈ
ભાજપના પૂર્વ પ્રવક્તા શાઈના એનસી પણ ચૂંટણી લડવા માટે શિંદે જૂથની શિવસેનામાં જોડાઈ ગઈ છે. તેમને મુંબઈની મુંબાદેવી બેઠક પરથી ટિકિટ મળી છે. તેમનો સામનો કોંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલ સાથે છે.