મતદાન પછી EVMમાં 99 ટકા બેટરી કઈ રીતે? ચૂંટણીમાં પતિ પછડાયો તો સ્વરા ભાસ્કરે ઉઠાવ્યા સવાલ
Image: IANS |
Maharashtra Election Results: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટપણે મહાયુતિની બહુમતી દર્શાવી રહ્યા છે. ભાજપે બપોરે 2.43 વાગ્યા સુધીના પરિણામો મુજબ, 7 બેઠકો પર જીત મેળવી છે. શિવસેનાએ 5 બેઠકો પર જીત મેળવી છે. શરદ પવારના એનસીપી પક્ષ 1 બેઠક હાંસલ કરવામાં સફળ રહ્યો છે. અણુશક્તિનગર બેઠક પરથી અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદ (એનસીપી-શરદ પવાર) 3378 મતો સાથે પાછળ ચાલી રહ્યા છે.
અજિત પવારના એનસીપીના કદાવર નેતા નવાબ મલિકની દિકરી સના મલિક આ બેઠક પર ફહાદને આકરી ટક્કર આપી રહી છે. અણુશક્તિ નગર બેઠક પર પતિની હાર જોતાં સ્વરા ભાસ્કરે ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં CM કોણ? ચૂંટણી પરિણામ આવતા ભાજપ-શિવસેનામાં ખેંચતાણ, આવતીકાલે બેઠક
સ્વરાએ ઈવીએમ પર કર્યા પ્રહાર
સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર સવાલ કર્યો છે કે, મત આપ્યા હોવા છતાં ઈવીએમ મશીન 99 ટકા ચાર્જ કેવી રીતે હોઈ શકે? ચૂંટણી પંચ તેનો જવાબ આપે. અણુશક્તિ નગર વિધાનસભાની મતગણતરી માટે 99 ટકા ચાર્જ ઈવીએમ મશીનો ખુલ્યા હતા. જેમાં ભાજપ સમર્થિત એનસીપીને જ મત મળી રહ્યા છે. શરૂઆતના વલણમાં ફહાદ 1700 મતોના માર્જિન સાથે લીડ કરી રહ્યા હતા. પરંતુ જેમ-જેમ ગણતરી આગળ વધી રહી છે, તેમ સનાના મતમાં વધારો થઈ રહ્યો છે.
54 ટકા મતદાન
અણુશક્તિનગર બેઠક પર 54 ટકા મતદાન નોંધાયુ હતું. જે અગાઉ 2019ની વિધાનસભા ચૂંટણીમાં 55.27 ટકા કરતાં ઘટ્યું છે. આ બેઠક પર નવાબ મલિકનો દબદબો રહ્યો છે. તેઓ અનેક વખત આ બેઠક પરથી જીત્યા છે. પરંતુ મની લોન્ડરિંગના આરોપસર જેલમાં જવુ પડ્યું હતું. જેલમાંથી છૂટ્યા બાદ તેઓ અજિત પવારના એનસીપીમાં જોડાયા હતા. જ્યાં એનસીપીએ તેમની દિકરીને ઉતાર્યા હતા.